WhatsAppએ ભારતમાં 26 લાખથી વધુ એકાઉન્ટ કર્યા બ્લોક, જાણો વિગત

02 November, 2022 04:21 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

નવા IT નિયમો અનુસાર, મોટા ડિજિટલ પ્લેટફોર્મ્સે દર મહિને તેમના અહેવાલો બહાર પાડવા આવશ્યક છે

પ્રતીકાત્મક તસવીર

છેલ્લા કેટલાક દિવસોમાં ઘણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સે યુઝર્સ પર નિયંત્રણો કડક કર્યા છે. ઈન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપે (WhatsApp) સપ્ટેમ્બરમાં ભારતમાં 26.85 લાખથી વધુ એકાઉન્ટ બ્લોક કર્યા હતા. તેમાંથી 8.72 લાખ એકાઉન્ટ યુઝર્સ તરફથી કોઈ રિપોર્ટ મળે તે પહેલાં જ બ્લોક કરી દેવામાં આવ્યા હતા. મેસેજિંગ પ્લેટફોર્મે મંગળવારે આ જાણકારી આપી. ઑગસ્ટમાં કંપનીએ 23.28 લાખ એકાઉન્ટ્સ બ્લોક કર્યા હતા. સપ્ટેમ્બરમાં પ્રતિબંધિત એકાઉન્ટ્સની સંખ્યા ઑગસ્ટની સરખામણીમાં 15 ટકા વધુ હતી.

વોટ્સએપે તેના માસિક રિપોર્ટમાં જણાવ્યું છે કે 1 સપ્ટેમ્બર, 2022થી 30 સપ્ટેમ્બર, 2022 વચ્ચે 26,85,000 એકાઉન્ટ્સ બ્લોક કરવામાં આવ્યા હતા. તેમાંથી 8,72,000 એકાઉન્ટ યુઝર્સ તરફથી કોઈ ફરિયાદ આવે તે પહેલાં જ બ્લોક કરી દેવામાં આવ્યા હતા.

કાર્યવાહી શા માટે થઈ રહી છે?

નવા IT નિયમો અનુસાર, મોટા ડિજિટલ પ્લેટફોર્મ્સે દર મહિને તેમના અહેવાલો બહાર પાડવા આવશ્યક છે. મળેલી ફરિયાદો પર કરવામાં આવેલી કાર્યવાહીની વિગતો પણ જણાવવી જરૂરી છે. વોટ્સએપના લેટેસ્ટ રિપોર્ટ અનુસાર સપ્ટેમ્બરમાં કંપનીને 666 ફરિયાદો મળી હતી. જોકે, માત્ર 23 ફરિયાદો પર જ કાર્યવાહી કરવામાં આવી હતી.

ટ્વિટરે પણ કર્યા એકાઉન્ટ્સ બ્લોક

અગાઉ 26 ઑગસ્ટ અને 25 સપ્ટેમ્બરની વચ્ચે, ટ્વિટરે બાળ જાતીય શોષણ, પોર્નોગ્રાફી અને અન્ય પ્રતિબંધિત સામગ્રીને પ્રોત્સાહન આપવા માટે ભારતમાં 52,141 એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો. માઇક્રો-બ્લોગિંગ પ્લેટફોર્મે આતંકવાદને પ્રોત્સાહન આપવા બદલ 1,982 એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. ટ્વિટરે, નવા IT નિયમો, 2021ને અનુસરતા તેના માસિક અહેવાલમાં જણાવ્યું હતું કે તેને તેની ફરિયાદ નિવારણ પદ્ધતિ દ્વારા એક જ સમયે ભારતમાંથી 157 ફરિયાદો મળી હતી અને તેણે 129 પર કાર્યવાહી કરી હતી.

આ પણ વાંચો: ફોટોગ્રાફ્સ માટે આ ક્લાઉડ સ્ટોરેજ છે બેસ્ટ

life and style technology news tech news whatsapp