ગૂગલ ફોટોઝ સર્વિસ બંધ થવાથી શું ફરક પડશે?

04 June, 2021 02:33 PM IST  |  Mumbai | Harsh Desai

આ સર્વિસ નવા ફોટો અપલોડ કરવા માટે બંધ થઈ ગઈ છે, પરંતુ એને કેવી રીતે ચાલુ રાખી શકાય અને એનો ઑલ્ટરનેટિવ શું છે એ વિશે જોઈએ

પ્રતીકાત્મક તસવીર

ગૂગલ ફોટોઝે એની સર્વિસ પહેલી જૂનથી બંધ કરી દીધી છે. આથી યુઝર્સ હવે પહેલાંની જેમ હાઈ ક્વૉલિટીમાં તેમના ફોટો સ્ટોર નહીં કરી શકે. જોકે આ સર્વિસ બંધ કરવાથી શું ફરક પડે છે? ફોટો સ્ટોર કરી શકાશે કે નહીં? ગૂગલ હવે સ્ટોરેજ આપશે કે નહીં તેમ જ નવી સ્ટોરેજ મેળવી શકાય કે નહીં વગેરે જેવા સવાલ ઊભા છે. ગૂગલ અત્યાર સુધી અનલિમિટેડ હાઇ ક્વોલિટી સ્ટોરેજ આપતી હતી. આ સાથે જ તે ફોટોસ, જીમેઇલ અને ગૂગલ ડ્રાઇવ માટે ટોટલ પંદર જીબી (GB)ની સ્ટોરેજ આપતુ હતું. જોકે હવે આ તમામ ફોટો પછી એ હાઈ ક્વૉલિટી હોય કે ઓરિજિનલ સાઇઝના હોય કે પછી કૉમ્પ્રેસ્ડ ઇમેજ હોય એ તમામ હવે આ પંદર જીબીમાં જ સ્ટોર કરવામાં આવશે. તો આપણે એ વિશે થોડી માહિતી જોઈએ.

બૅકઅપને હાર્ડ-ડ્રાઇવમાં રીસ્ટોર |  ગૂગલ ફોટોઝમાં જે પણ ફોટોઝ છે એને વેહેલી તકે હાર્ડ-ડ્રાઇવમાં રીસ્ટોર કરી લેવું. ગૂગલે જાહેર કર્યું હતું કે એ પહેલી જૂનથી આ સર્વિસ બંધ કરે છે એટલે કે નવા ફોટોને તમે એમાં સ્ટોર નહીં કરી શકો. જોકે જૂના પહેલેથી બૅકઅપ કરેલા ફોટોઝને એક્સટર્નલ હાર્ડ-ડ્રાઇવ અથવા તો સી.ડી.માં કૉપી કરી લેવા.

બાકી, ગૂગલ સ્ટોરેજ ફુલ થઈ ગયું તો શું કરવું? જી-મેઇલ અને દરેક સર્વિસ માટે હવે ફક્ત પંદર જીબી સ્ટોરેજ મળશે. આથી જો આ સ્ટોરેજ ફુલ થઈ ગયું અને તમે એ સ્ટોરેજ ફૅસિલિટી ફ્રીમાં ઉપયોગ કરવા માગતા હો તો યુઝર્સ પાસે ડેટા ડિલીટ કરવા સિવાય બીજો કોઈ ઑપ્શન નથી. આ ડેટા ડિલીટ કરવા માટે થોડો સમય માગી લે છે, કારણ કે યુઝર્સ કન્ટ્રોલ ઑલ કરીને તમામ ફોટોઝ કે મેઇલ અથવા તો ગૂગલ ડ્રાઇવમાં મૂકેલી ફાઇલને ડિલીટ નથી કરવાના. જો આ ડેટા ડિલીટ ન કરવા હોય તો ગૂગલ વનની સર્વિસ લેવી હિતાવહ છે.

શું છે ગૂગલ વન? |  ગૂગલ વન એક ક્લાઉડ સ્ટોરેજ સર્વિસ છે. આ માટે યુઝર્સ સ્ટોરેજ પ્લાન ખરીદીને ગૂગલ ફોટોઝ, જી-મેઇલ અને ડ્રાઇવ સહિત ગૂગલની દરેક સર્વિસ માટે સ્ટોરેજ વધારી શકે છે. ૧૦૦ જીબી માટે એક વર્ષના ૧૩૦૦ રૂપિયાથી આ પ્લાનની શરૂઆત થાય છે.

બીજા શું ઑપ્શન? |  ગૂગલ વન સિવાય યુઝર્સ ઍમેઝૉન ફોટોઝ, માઇક્રોસૉફ્ટ વન ડ્રાઇવ, ફ્લિકર, આઇક્લાઉડ જેવી સર્વિસનો ઉપયોગ કરી શકે છે. ઍમેઝૉન દ્વારા ઍમેઝૉન ફોટોઝ અને ડ્રાઇવની સુવિધા શરૂ કરવામાં આવી છે. આ માટે પાંચ જીબી ફ્રી ડેટા મળે છે અને ત્યાર બાદ સ્ટોરેજ વધારવા માટે ૧૦૦ જીબીથી લઈને ૩૦ ટીબી સુધીના પ્લાન ઉપલબ્ધ છે. માઇક્રોસૉફ્ટ માટે ૧૦૦ જીબી માટે એક મહિનાના ૧૪૦ રૂપિયા ચૂકવવા પડશે. ફ્લિકર પર અનલિમિટેડ સ્ટોરેજ માટે મહિનાના અંદાજે ૪૫૦ રૂપિયા ચૂકવવા પડશે, જ્યારે આઇફોન યુઝર્સ માટે બેસ્ટ આઇક્લાઉડ સ્ટોરેજ છે; જે માટે ૫૦ જીબી માટે એક મહિનાના ૭૫ રૂપિયા, ૨૦૦ જીબી માટે ૨૨૦ રૂપિયા અને બે ટીબી માટે ૭૫૦ રૂપિયા ચૂકવવાના રહેશે.

ગૂગલ માટે અનલિમિટેડ સ્ટોરેજ કેવી રીતે મેળવશો?

ગૂગલે જ્યારે પિક્સલ મોબાઇલ લૉન્ચ કર્યા હતા ત્યારે એની સાથે અનલિમિટેડ સ્ટોરેજની સુવિધા આપી હતી. પિક્સલ ફાઇવ અથવા તો એ અગાઉના દરેક પિક્સલ ફોનમાં હજી પણ ગૂગલ ફોટોઝ માટે અનલિમિટેડ સ્ટોરેજ ઉપલબ્ધ છે. આથી આ મોબાઇલમાં જી-મેઇલ અકાઉન્ટ સાઇન ઇન કરવું. ત્યાર બાદ દરેક ફોટોને આ મોબાઇલમાં કૉપી કરવા અને ત્યાર બાદ એને ગૂગલ ફોટોમાં સ્ટોર કરી શકાય છે.

ગૂગલ ફોટોઝનું સ્ટોરેજ ક્લિયર કરવા નવું ફીચર

ગૂગલે ફોટોઝ સર્વિસ બંધ કરી પણ સાથે એક નવું ફીચર પણ લઈને આવ્યું છે. તેઓ હાલમાં સ્ટોરેજ મૅનેજમેન્ટ ટૂલ પર કામ કરી રહ્યા છે. આ ટૂલમાં યુઝર્સને વિવિધ સેક્શન આપવામાં આવશે જેમાંથી તેઓ ડેટા ડિલીટ કરવા માગતા હોય. તેમ જ બ્લર ફોટોઝ અને સ્ક્રીન શૉટની સાથે વધુ જગ્યા રોકતા વિડિયોને પણ ડિલીટ કરવા માટે સજેસ્ટ કરશે. વધુ સમયથી ઓપન ન કરેલી અથવા તો ઍક્સેસ ન કરેલી ફાઇલ્સને પણ ડિલીટ કરવા માટે ગૂગલનું આ ફીચર સામેથી સજેસ્ટ કરશે.

columnists harsh desai