પ્રેઝન્ટેશનને સ્માર્ટ લુક આપવા માટે આ સ્માર્ટ તરીકા અપનાવો

15 January, 2024 08:06 AM IST  |  Mumbai | Harsh Desai

તમારી કન્ટેન્ટને ચુટકી બજાવતાંમાં ઇન્ટરેસ્ટિંગ અને એન્ગેજિંગ રીતે રજૂ કરવા માટે આ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજસ્સ બેઝ્ડ સૉફ્ટવેર્સ તમને ખૂબ મદદ કરશે.

પ્રતીકાત્મક તસવીર

પ્રોફેશનલ વર્લ્ડમાં તમારા કામનું પ્રેઝન્ટેશન રજૂ કરવાનું હોય, બિઝનેસમૅન હો તો કોઈ પ્રોજેક્ટ પ્રપોઝલ તૈયાર કરવાની હોય કે પછી ફન્ડ રેઝિંગ માટે કોઈ એનજીઓનો પ્રોજેક્ટ રિપોર્ટ જ કેમ ન બનાવવાનો હોય, જો એને વધુ ઇન્ટરેસ્ટિંગ લુક સાથે રજૂ કરશો તો છાકો પડશે. તમારી કન્ટેન્ટને ચુટકી બજાવતાંમાં ઇન્ટરેસ્ટિંગ અને એન્ગેજિંગ રીતે રજૂ કરવા માટે આ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજસ્સ બેઝ્ડ સૉફ્ટવેર્સ તમને ખૂબ મદદ કરશે.

ક્રિકેટ મૅચમાં હારેલી ટીમે કેટલી મેહનત કરી એના કરતાં હંમેશાં એ યાદ રાખવામાં આવે છે કે કઈ ટીમ જીતી હતી. હારેલી ટીમે ભલે વધુ મહેનત કરી હોય, પરંતુ તેમની ભૂલને લીધે મૅચ હારી ગઈ હોય તો પણ હંમેશાં મૅચ જીતી કઈ ટીમ એ યાદ રાખવામાં આવે છે. આથી હંમેશાં રિઝલ્ટ મૅટર કરે છે. તેમ જ આજે દુનિયા સ્માર્ટ થઈ ગઈ છે તો કામ કરવાની રીત પણ સ્માર્ટ હોવી જોઈએ. વધુ મહેનત કરવા કરતાં ઓછા સમયમાં કેટલું જલદી અને સારું કામ કરી શકાય એનું પ્રાધાન્ય હોવું જોઈએ. આજે કૉલેજ હોય કે ઑફિસ, મોટા ભાગની વ્યક્તિએ પ્રેઝન્ટેશન આપવું પડે છે. આ પ્રેઝન્ટેશન બનાવવા માટે ઘણો સમય નીકળી જાય છે. જોકે આજે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સને કારણે દરેક વસ્તુ સરળ બની ગઈ છે. યુઝર્સ હવે પ્રેઝન્ટેશન બનાવવા માટે પાવર પૉઇન્ટની જગ્યાએ કેટલાંક આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ ટૂલ કહો કે સૉફ્ટવેર એનો ઉપયોગ કરી શકાય છે. તો એવાં જ કેટલાંક સૉફ્ટવેર વિશે જોઈએ :

Beautiful.ai
Beautiful.ai એક સૉફ્ટવેર છે જે યુઝરનો સમય બચાવીને એને એકદમ અદ્ભુત પ્રેઝન્ટેશન બનાવીને આપશે. આ સૉફ્ટવેરમાં દરેક પ્રોસેસ ઑટોમૅટિક છે. જોકે એ મોટા ભાગના આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ સૉફ્ટવેરમાં ઑટોમૅટિક હોય છે. આ માટે યુઝરે સૌથી પહેલાં કેવી સ્લાઇડનો ઉપયોગ કરવો એ સિલેક્ટ કરવાનું રહેશે. ત્યાર બાદ એમાં પ્રેઝન્ટેશન માટેની કન્ટેન્ટ ઍડ કરવાની રહેશે. આટલું કર્યા બાદ સૉફ્ટવેર ઑટોમૅટિક યુઝરને પ્રેઝન્ટેશન રેડી કરીને આપી દેશે. જો કોઈ કંપની માટે પ્રેઝન્ટેશન બનાવવામાં આવી રહ્યું હોય તો એ માટે કંપનીના જે-તે કલરનો ઉપયોગ કરવા માટે કસ્ટમાઇઝેશનનો ઑપ્શન પણ આપવામાં આવ્યો છે. અગાઉ પ્રેઝન્ટેશન પાવરપૉઇન્ટમાં બનાવવામાં આવ્યું હોય અને એ એકદમ સિમ્પલ હોય તો એને ઇમ્પોર્ટ કરીને સીધું એકદમ ઇન્ટરેસ્ટિંગ પ્રેઝન્ટેશન બનાવી શકાય છે.

Gamma.ai
આ સૉફ્ટવેર ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે. એમાં GIFs, વિડિયોઝ, ચાર્ટ્સ અને વેબસાઇટ્સની સાથે કાર્ડ્સનો પણ સમાવેશ કરી શકાય છે. યુઝર પાસે સમય ઓછો હોય અને ઇન્ટરેસ્ટિંગ પ્રેઝન્ટેશન બનાવવું હોય તો આ સૉફ્ટવેર એકદમ બેસ્ટ છે. તેમ જ પ્રેઝન્ટેશનને કસ્ટમાઇઝ કરવું હોય અને લેઆઉટ ચેન્જ કરવું હોય તો પણ થોડી જ મિનિટમાં એને સંપૂર્ણ ચેન્જ કરી શકાય છે. આ સાથે જ એને કોઈ પણ વ્યક્તિને યુઝરફ્રેન્ડ્લી ફૉર્મેટમાં સેન્ડ કરી શકાય છે જેથી જે-તે યુઝર કોઈ પણ ડિવાઇસ પણ એને જોઈ શકે. આ ટૂલનો ઉપયોગ આકર્ષક ડૉક્યુમેન્ટ્સ અને વેબ પેજિસ બનાવવા માટે પણ કરી શકાય છે.

Design.ai
Design.aiની યુએસપી અસંખ્ય ટેમ્પ્લેટ સિલેક્શન છે. આ સૉફ્ટવેરમાં એક ડિઝાઇન મેકર ટૂલ છે. આ ટૂલની મદદથી યુઝર્સને જોઈએ એવી અને જોઈએ એટલી ટેમ્પ્લેટ મળી શકે છે. તેમ જ એમાં ઘણાં ગ્રાફિક એલિમેન્ટ્સનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આથી વેડિંગ પ્લાનર અને ટ્રાવેલ કંપની ચલાવતા હોય એવા લોકો માટે આ ટૂલ ખૂબ જ સારું છે જે એના ગ્રાફિક એલિમેન્ટ્સનો ઉપયોગ કરીને પ્રેઝન્ટેશનને વધુ યુનિક બનાવી શકે છે. અન્ય સૉફ્ટવેરની જેમ આ સૉફ્ટવેરમાં પણ કન્ટેન્ટ ઇનપુટ કરવું પડે છે.

સિમ્પ્લીફાઇડ
સિમ્પ્લીફાઇડ પણ એક એઆઇ પ્રેઝન્ટેશન ટૂલ છે. આ ટૂલ અન્ય સૉફ્ટવેરની જેમ જ સુંદર પ્રેઝન્ટેશન બનાવીને આપે છે. આ સૉફ્ટવેરમાં ઘણાં સ્લાઇડ માટેનાં ટેમ્પ્લેટ છે. જુદી-જુદી કૅટેગરી માટે જુદા-જુદા ટેમ્પ્લેટ આપવામાં આવ્યાં છે. કંપનીની મીટિંગથી લઈને સ્ટાર્ટઅપથી લઈને ટ્રાવેલ પ્લાનથી લઈને કોઈ પણ ટૉપિક કેમ ન હોય, આ માટેની કૅટેગરી આપવામાં આવી છે. એમાંથી સિમ્પલ રીતે એક સ્લાઇડ પસંદ કરવી અને આ સૉફ્ટવેર કન્ટેન્ટ ઇનપુટ કરતાંની સાથે જ પ્રેઝન્ટેશન બનાવીને આપી દેશે. આ સૉફ્ટવેરનો બીજો એક ફાયદો એ છે કે એ પ્રેઝન્ટેશનને વિડિયો ફૉર્મેટમાં પણ બનાવી શકે છે.

સ્લાઇડબીન
સ્ટાર્ટઅપ કંપનીને ખાસ ધ્યાનમાં રાખીને આ ટૂલ બનાવવામાં આવ્યું છે. આ ટૂલની મદદથી પ્રેઝન્ટેશનને વધુ સારું અને ડીટેલમાં બનાવી શકાય છે. આ સૉફ્ટવેર બે રીતે કામ કરે છે. પહેલું કે એ યુઝરને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સની મદદથી પ્રેઝન્ટેશન બનાવવામાં મદદ કરે છે. બીજું, એના બિઝનેસ ઍનલિસ્ટ્સ કંપનીના મૉડલને ધ્યાનમાં રાખીને પ્રેઝન્ટેશન બનાવવા માટે રાઇટિંગમાં મદદ કરે છે. આ બન્ને ઑપ્શનની મદદથી યુઝર માટે કંપનીના પ્લાન કે સ્ટ્રૅટેજી માટેનું પ્રેઝન્ટેશન ખૂબ જ સારી રીતે બનાવી શકાય છે. જોકે પ્રોફેશનલ હેલ્પ લેવા માટે કિંમત પણ ચૂકવવી પડે છે.

columnists technology news tech news