ઊંઘ ન આવતી હોય તો આ ડિવાઇસ હાલરડાં કરતાંય વધુ અસરકારક છે

29 March, 2022 10:19 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કંપનીનો દાવો છે કે આ ડિવાઇસ એટલું સાયન્ટિફિકલી ડિઝાઇન થયું છે કે એનાથી વર્ષો સુધી સ્લીપિંગ પિલ્સનો ઉપયોગ કરતા લોકોની દવા પણ છૂટી ગઈ છે

ઊંઘ ન આવતી હોય તો આ ડિવાઇસ હાલરડાં કરતાંય વધુ અસરકારક છે

જસ્ટ આઠ જ મિનિટમાં તમને ઘેરી નીંદરમાં પોઢાડી દેવાનો દાવો કરતું ટચૂકડું ડિવાઇસ છેલ્લા છ-સાત મહિનામાં જબરદસ્ત લોકપ્રિયતા પામ્યું છે. કંપનીનો દાવો છે કે આ ડિવાઇસ એટલું સાયન્ટિફિકલી ડિઝાઇન થયું છે કે એનાથી વર્ષો સુધી સ્લીપિંગ પિલ્સનો ઉપયોગ કરતા લોકોની દવા પણ છૂટી ગઈ છે

જ્યારે ઊંઘ ન આવે અને મોડી રાત સુધી પથારીમાં પડખાં ઘસ્યા કરવાં પડે ત્યારે એની અસર બીજા દિવસની પ્રોડક્ટિવિટી પર પણ પડે છે. આખા દિવસનું કામ બરાબર ન થાય એનું સ્ટ્રેસ અને ચિંતા ફરી રાતની ઊંઘ હરામ કરી દે છે. જો તમને કામનું સ્ટ્રેસ હોય, ઇમોશનલ પ્રૉબ્લેમ્સ હોય કે પછી હળવા વિચારવાયુની સમસ્યા સતાવતી હોય તો ડોડોવ સ્લીપ ડિવાઇસ એક વાર જરૂર અજમાવી શકાય. એની ખાસિયત એ છે કે એનાથી આપમેળે શ્વસનતંત્ર રિધમમાં આવે છે અને એક વાર શ્વાસોચ્છ્વાસ પર કાબૂ આવે એટલે નીંદરરાણી જરૂર આવી જ જાય. 
હવે જાણીએ આ ડિવાઇસમાં છે શું? આમ તો આ ડિવાઇસ બીજું કંઈ જ નથી કરતું પણ બ્લુ રંગનો પ્રકાશ ફેંકે છે. ચપટી તાસક જેવી પ્લાસ્ટિકની ડિશ હોય છે જેની ઉપરની સરફેસ ટચ સેન્સિટિવ છે. એને ટચ કરો એટલે એમાંથી ખૂબ હળવો બ્લુ રંગનો પ્રકાશ ફેલાય. ગોળ સર્કલમાં આ પ્રકાશ ધીમે-ધીમે ફેલાય અને પાછો ધીમે-ધીમે સંકોરાતો જાય. આ ડિવાઇસ બીજું કંઈ જ ન કરે, માત્ર આ પ્રકાશનું રાઉન્ડ નાનું-મોટું થયા કરશે. એ ડિવાઇસનો ઉપયોગ ઊંઘ માટે કરવો હોય તો તમારે એ બ્લુ લાઇટના રાઉન્ડની રિધમમાં શ્વાસ લેવાનો અને કાઢવાનો છે. જેવું લાઇટનું સર્કલ મોટું થતું જાય તમારે શ્વાસ અંદર ભરવાનો છે અને જેવું સર્કલ નાનું થતું જાય એટલે તમારે શ્વાસ કાઢવાનો છે.
ફ્રેન્ચ કાર્ડિયોલૉજી ફેડરેશન દ્વારા આ ટેક્નૉલૉજી અપ્રૂવ થયેલી છે અને ખાસ કરીને ફાઇટર જેટ પાઇલટ્સ પર પ્રયોગ કરીને એની અસરકારકતા પુરવાર પણ થઈ ચૂકી છે. ખાસ કરીને જેટલેગને કારણે દિવસ-રાતની સાઇકલમાં ગરબડ થઈ હોય ત્યારે સૂવામાં તકલીફ પડતી હોય તો એમાં પણ આ ડિવાઇસ કામનું છે. કંપનીની વેબસાઇટ પર દાવો થઈ રહ્યો છે કે અત્યાર સુધીમાં લગભગ ૮.૮૦ લાખથી વધુ લોકોને આ ડિવાઇસથી આઠ મિનિટની અંદર જ ઊંઘ આવી ગઈ છે. 
સ્ટેપ બાય સ્ટેપ વાપરતાં શીખો
૧. ડિવાઇસની ઉપરની સરફેસને એક વાર ટચ કરશો તો આઠ મિનિટ માટે ડિવાઇસ ઑન રહેશે. બે વાર ટચ કરશો તો વીસ મિનિટ માટે. 
૨. ડિવાઇસ ઑન થતાં જ બ્લુ લાઇટનું સર્કલ નાનું-મોટું થવા લાગશે. તમારે પથારીમાં સીધા સીલિંગ તરફ મોં રાખીને સૂવાનું છે અને એ સર્કલની રિધમમાં શ્વાસ લેવાનો અને કાઢવાનો છે. 
૩. આઠ કે વીસ મિનિટે આપમેળે ડિવાઇસ બંધ થઈ જશે અને તમે ક્યારે સૂઈ ગયા એની ખબર પણ નહીં પડે.
૪. ક્યારેક અડધી રાતે ઊંઘ ઊડી જાય તો પણ પલંગની બાજુના સાઇડ ટેબલ પર આ ડિવાઇસ રાખેલું હોય તો તરત જ એનો ઉપયોગ કરવાનું પણ સરળ છે.

 
કિંમત : 
૬૩૦૦ રૂપિયા 
ક્યાંથી મળશે? : ઍમેઝૉન પર 
વેબસાઇટ : mydodow.com

tech news technology news columnists