ગૂગલ ક્રોમનો આૅલ્ટરનેટિવ શું?

23 December, 2022 05:24 PM IST  |  Mumbai | Harsh Desai

બહુ જલદી વિન્ડોઝ સેવન માટે સપોર્ટ બંધ કરી દે એવાં એંધાણ છે અને એ બંધ કરવાથી સિક્યૉરિટી અને સેફ્ટી પર સવાલ ઊભા થતાં કયા વેબ બ્રાઉઝરનો ઉપયોગ કરવો એ વિશે જોઈએ

ગૂગલ ક્રોમનો આૅલ્ટરનેટિવ શું?

દુનિયાભરમાં સૌથી વધુ કોઈ વેબ બ્રાઉઝરનો ઉપયોગ થતો હોય તો એ ગૂગલ ક્રોમ અને ઍપલનું સફારી છે. ઍપલનું વેબ બ્રાઉઝર ઍપલના ડિવાઇસમાં જ ચાલતું હોય છે. જોકે એ સિવાયનાં તમામ પ્લૅટફૉર્મમાં મોટા ભાગે ગૂગલ ક્રોમનો ઉપયોગ થાય છે. ગૂગલ ક્રોમ હાલમાં વિન્ડોઝના ડિવાઇસમાં પણ ખૂબ જ પૉપ્યુલર છે. દુનિયાના ઘણા લોકો સર્ફિંગ માટે આ બ્રાઉઝરનો ઉપયોગ કરે છે. જોકે હવે ગૂગલ એના ક્રોમ બ્રાઉઝરને લિમિટેડ ડિવાઇસમાં જ સપોર્ટ આપે એવું બની શકે છે. માઇક્રોસૉફ્ટ દ્વારા તેમની ઑપરેટિંગ સિસ્ટમ વિન્ડોઝ સેવનને ઑફિશ્યલી ડિસકન્ટિન્યુ કરી દેવામાં આવી છે. આ ઑપરેટિંગ સિસ્ટમમાં જે પણ ગૂગલ ક્રોમનો ઉપયોગ કરી રહ્યા છે તેમને એક મેસેજ જોવા મળી રહ્યો હશે કે તેઓ વિન્ડોઝ સેવનનો ઉપયોગ કરી રહ્યા છે અને જેમ બને એમ જલદી વિન્ડોઝ 10 ઇન્સ્ટૉલ કરી દે. આ મેસેજ આપવાનું કારણ એ છે કે બની શકે કે ગૂગલ હવે બહુ જલદી વિન્ડોઝ સેવનના ક્રોમ વર્ઝનને અપટેડ આપવાનું બંધ કરી દે. અપડેટ આપવાનું બંધ કરી દે એટલે કે સિક્યૉરિટી અને સેફટી બન્નેમાં રિસ્ક વધી જાય છે. આથી વિન્ડોઝ સેવન માટેનો સપોર્ટ બંધ થાય એ પહેલાં કેટલાંક ઑલ્ટનેટિવ બ્રાઉઝર વિશે જોઈએ.

આ પણ વાંચો : ઍન્ડ્રૉઇડ ટીવીમાં યુટ્યુબ શૉર્ટ‍્સને કેવી રીતે બંધ કરશો?

UR બ્રાઉઝર

આ બ્રાઉઝરનું માર્કેટમાં મોટું નામ નથી. જોકે આ એક એવું બ્રાઉઝર છે જેમાં દરેક યુઝરને જરૂરી હોય એવાં દરેક ફીચર્સ છે. માર્કેટમાં એવાં ઘણાં ઓછાં બ્રાઉઝર છે જેમાં ઇન-બિલ્ટ ઍન્ટિવાઇરસ હોય. આ બ્રાઉઝર એમાંનું એક છે. ઇન્ટરનેટ પરથી આવતા મોટા ભાગના વાઇરસને આ બ્રાઉઝર અટકાવે છે. તેમ જ રિસ્કી વેબસાઇટને ઓપન પણ નથી કરવા દેતું. જો પરવાનગી આપવામાં આવે તો જ એ સાઇટ ઓપન થાય છે. આ સાથે જ એમાં વીપીએન અને ઍડ બ્લૉક જેવાં ફીચર પણ છે. આ કારણસર આ બ્રાઉઝર સ્પીડમાં પણ ચાલે છે. UR બ્રાઉઝરનો લુક ગૂગલ ક્રોમ જેવો જ છે. એમાં પણ ગૂગલ ક્રોમના એક્સટેન્શનનો ઉપયોગ કરી શકાય છે.

ઑપેરા બ્રાઉઝર

ઑપેરા બ્રાઉઝર વિન્ડોઝ સેવન માટે બેસ્ટ છે. આ બ્રાઉઝર એની સ્પીડ અને ફીચર્સ માટે જાણીતું છે. ગૂગલ ક્રોમમાં જે ફીચર્સ નથી એ તમામ ફીચર્સ આ બ્રાઉઝરમાં જોવા મળશે. ઑપેરાના યુઝર ઇન્ટરફેસમાં સ્પીડ ડાયલ પેજ અને સાઇડ બાર છે. ઑપેરામાં બિલ્ટ-ઇન-કન્વર્ટર્સ, પાવર સેવર ઑપ્શન, ઇન્સ્ટન્ટ સર્ચ બાર અને સ્ક્રીનશૉટ યુટિલિટી જેવાં ફીચર્સ છે. આ સાથે જ ઑપેરામાં ઇન-બિલ્ટ ઍડ બ્લૉકર છે. આ ઍડ બ્લૉકર ઍડને લોડ થતાં અટકાવે છે અને એથી પેજ જલદી ઓપન થાય છે. તેમ જ આ બ્રાઉઝરમાં ઇન-બિલ્ટ વીપીએન પણ છે અને માઉસ જેસ્ચર પણ છે. આ અલગ બ્રાઉઝર હોવા છતાં એમાં ગૂગલ ક્રોમના એક્સટેન્શનનો પણ સમાવેશ કરી શકાય છે.

વિવાલ્ડી

વિવાલ્ડી એક વેબ બ્રાઉઝર છે. આ બ્રાઉઝર પણ ઑપેરા જેવું છે. એનો અને ઑપેરાનો યુઝર ઇન્ટરફેસ એકસરખો છે. આ બ્રાઉઝરમાં ટૅબ મૅનેજમેન્ટ ખૂબ જ સારી રીતે કરી શકાય છે. આથી પાવર યુઝર એટલે કે એકસાથે ઘણીબધી ટૅબ ઓપન કરનારા માટે આ બ્રાઉઝર ખૂબ જ ઉપયોગી છે. આ બ્રાઉઝરને વિઝ્યુઅલથી લઈને, હૉટ કીઝ, સ્ટાર્ટ પેજ અને વિન્ડો દરેક વસ્તુ કસ્ટમાઇઝ કરી શકાય છે. ટૅબને ગ્રુપમાં રાખવા માટેનો પણ એમાં ઑપ્શન છે. આ સાથે જ ટૅબ બારને સાઇડમાં પણ કરી શકાય છે. સ્પીડ માટે આ બ્રાઉઝર બેસ્ટ છે અને એમાં ગૂગલના પણ એક્સટેન્શનનો ઉપયોગ કરવો હોય તો સરળતાથી કરી શકાય છે.

આ પણ વાંચો : ટ્રાવેલિંગ દરમ્યાન ઉપયોગ કરવો વાયરલેસ મૅગ્નેટિક પાવર બૅન્કનો

મોઝિલા ફાયરફોક્સ

ગૂગલ ક્રોમનું સૌથી મોટું હરીફ મોઝિલા છે. મોઝિલા દ્વારા હાલમાં જ એની મેજર અપડેટ આપવામાં આવી છે. આ અપડેટમાં પેજ ઍક્શન મેન્યુમાં ઘણા વિકલ્પ આપવામાં આવ્યા છે. એની મદદથી યુઝર સ્ક્રીનશૉટ લઈ શકે છે, કૉપી લિન્ક કરી શકાય છે અને લિન્કને ઈ-મેઇલ કરી શકાય છે. તેમ જ સેન્ડ ટૅબ ટુ ડિવાઇસ જેવા ઘણા ઑપ્શન છે. મોઝિલાના યુએસપી એ છે કે એમાં ટૂલ્સ હોય કે થીમ, દરેક વસ્તુને જરૂરિયાત મુજબ કસ્ટમાઇઝ કરી શકાય છે. તેમ જ મોઝિલાનો દાવો છે કે તેમનું લેટેસ્ટ બ્રાઉઝર ફક્ત ૩૦ ટકા રૅમનો ઉપયોગ કરે છે. ક્રોમ કરતાં આ ખૂબ જ ઓછું છે. રૅમનો જેટલો ઓછો ઉપયોગ એટલી સિસ્ટમ વધુ સ્પીડમાં ચાલે છે. આથી ઓછી રૅમવાળાં લૅપટૉપ અને ડેસ્કટૉપમાં મોઝિલા ખૂબ જ સારું પર્ફોર્મ કરી શકે છે. આ સાથે જ એમાં ઘણાં કૂલ એક્સટેન્શન છે અને એને પણ રીઅરેન્જ કરી શકાય છે.

columnists harsh desai technology news tech news google