ફોટોગ્રાફ્સ માટે આ ક્લાઉડ સ્ટોરેજ છે બેસ્ટ

28 October, 2022 04:00 PM IST  |  Mumbai | Rashmin Shah

ફેસ્ટિવલમાં જો તમે બહુ તસવીરો પાડી હોય અને એને ફોનની મેમરીમાં ભરીને સ્માર્ટફોનને સ્લોફોન ન કરવો હોય તો ઑનલાઇન ક્લાઉડ્સમાં સંઘરી રાખવા માટે કેટકેટલા ઑપ્શન છે એ જાણી લો

પ્રતીકાત્મક તસવીર

માત્ર સ્મૃતિઓના સંગ્રહ માટે જ નહીં, બિઝનેસ અને પ્રોફેશનલ કામ માટે પણ તમારો કેટલોક ડેટા હાથવગો રહે એ જરૂરી હોય છે. દરેક વખતે બધું જ તમે પેનડ્રાઇવમાં કે મોબાઇલની મેમરીમાં સાથે લઈને ફરી ન શકો. અમુક હદથી વધુ ડેટા થઈ જાય ત્યારે તમે એને તમારા કમ્પ્યુટરમાં કે અલગથી આવતી હાર્ડ ડિસ્કમાં સ્ટોર કરીને રાખી શકો છો, પણ હાર્ડ ડિસ્ક પણ ક્યારેક કરપ્ટ થઈ જવાના ચાન્સિસ રહે છે. જો તમે ક્લાઉડ સ્ટોરેજનો મૅક્સિમમ ઉપયોગ કરતાં શીખી જાઓ તો એનાથી તમે જરૂરી ડૉક્યુમેન્ટ્સ, ઇમેજિસ, વિડિયોઝ, ઑડિયોઝ, પ્રેઝન્ટેશન, વર્કશીટ્સ બધું જ ઑનલાઇન સ્ટોરેજમાં રાખી શકો. ક્લાઉડ સ્ટોરજ ટૂલ્સ એવી ચીજ છે જેને તમે કોઈ પણ ડિવાઇસથી ઍક્સેસ કરી શકો છો. એ માટે તમારે ન તો હાર્ડ ડિસ્ક સાચવવાની જરૂર છે, ન કોઈ સ્ટોરેજ ડિવાઇસ. ઑનલાઇન જ તમે ફ્રીમાં તમારો તમામ ડેટા સાચવી શકો છો જે કાં તો સ્ટોરેજ ઍપ્સ તરીકે અવેલેબલ છે. આ સ્ટોરેજ તમને ઓપન-સોર્સ સૉફ્ટવેર એટલે કે ફ્રીમાં પણ મળી શકે છે અને કમર્શિયલ સૉફ્ટવેર એટલે કે પેઇડ વર્ઝનમાં પણ મળી શકે છે. જેવી તમારી જરૂરિયાત. યસ, થોડીક ટેક્નૉલૉજીની સમજ હોય તો તમારા ડેટાનું સેફ બૅકઅપ આપતા આ ક્લાઉડ સ્ટોરેજ સિક્યૉરિટી પણ આપે છે અને ઈઝી ઍક્સેસિબિલટી અને વર્ક એફિશ્યન્સી પણ વધારે છે. 

પીક્લાઉડ : બેસ્ટ ક્લાઉડ સ્ટોરેજ

હાલમાં ઇન્ડિયામાં બેસ્ટ ક્લાઉડ સ્ટોરેજ તરીકે પીક્લાઉડ વધુ ફેમસ છે. પ્રાઇવસી અને સ્પીડના મામલે એ બેસ્ટ છે. એમાં ૯૦ દિવસ માટે ૫૦૦ જીબી ડેટા સાચવવાના ૪૨૦ રૂપિયા થાય છે. 

સિન્ક: બેસ્ટ સિક્યૉર સ્ટોરેજ

કૅનેડિયન મૂળનું આ ક્લાઉડ સ્ટોરેજ ઍડવાન્સ્ડ સિક્યૉરિટી પ્રૅક્ટિસ માટે ફેમસ છે અને ઇન્ડિયામાં હાલ એ બેસ્ટ સિક્યૉર સ્ટોરેજ કહેવાય છે. એમાં સિક્યૉરિટી ઉપરાંત તમે ઑફિસ માટે જરૂરી તમામ ચીજોનું ૩૬૫ ઇન્ટિગ્રેશન કરી શકો છો. એમાં તમે બે ટીબી ડેટા ૭૯૦૦ રૂપિયાના હિસાબે સાચવી શકશો. 

આઇસડ્રાઇવ: બેસ્ટ બજેટ ક્લાઉડ સ્ટોરેજ

આ થોડુંક નવું અને બજેટ-ફ્રેન્ડ્લી ક્લાઉડ સ્ટોરેજ છે. જો તમે હજી ક્લાઉડ સ્ટોરેજનો ઉપયોગ કરતાં શીખ્યા હો અને નવું-નવું ટ્રાય કરવા માગતા હો તો બજેટમાં બેસે એવી આ સર્વિસથી શરૂઆત કરી શકાય. અલબત્ત, એ માટે તમારે લાઇફટાઇમ પ્લાન ખરીદવો પડે. એક ટીબી સ્ટોરેજ તમે ૧૩,૦૦૦ રૂપિયામાં જિંદગીભર માટે સેફલી રાખી શકો છો. 

મેગા: બેસ્ટ ફ્રી ક્લાઉડ સ્ટોરેજ

જો તમે પૈસા ખર્ચીને ડેટા સ્ટોરેજ કરવામાં ન માનતા હો અને છતાં ક્લાઉડનો ઉપયોગ કરીને કેટલોક ડેટા ઍક્સેસિબલ રાખવા માગતા હો તો આ બેસ્ટ ઑપ્શન છે. હા, અહીં તમે ૨૦ જીબીથી વધુનો ડેટા રાખી નહીં શકો. ન્યુ ઝીલૅન્ડ બેઝ્ડ આ ક્લાઉડ સ્ટોરેજમાં ૨૦ જીબી તમે ફ્રીમાં રાખી શકશો. જો એથી વધુ લિમિટ હોય તો બે ટીબી ડેટા તમે ૯૭૦૦ રૂપિયામાં લાઇફટાઇમ માટે રાખી શકો છો.

ડ્રૉપબૉક્સ: કોલૅબરેશન માટે બેસ્ટ

માઇક્રોસૉફ્ટ દ્વારા અપાતી આ ફેમસ સ્ટોરેજ સર્વિસ છે જ્યાં ૧ ટીબી ક્લાઉડ સ્પેસ ૪૨૦૦ રૂપિયા પ્રતિ વર્ષ ફી સાથે મળે છે. ૨૦૦૭માં શરૂ થયેલું ડ્રૉપબૉક્સ એ સૌથી પહેલાં ક્લાઉડ સ્ટોરેજ પ્રોવાઇડર્સમાંનું એક છે અને એ આજની તારીખે પણ એટલું જ પૉપ્યુલર છે. જો તમે ઑફિસ ૩૬૫, જીસૂટનું કામ બહુ પડતું હોય અને તમારા ટીમમેટ્સ સાથે કોલૅબરેશનમાં સ્ટોરેજ વાપરવું હોય તો આ ખૂબ કામનું છે. 
ગૂગલ ડ્રાઇવ: ટીમ 

કોલૅબરેશન માટે બેસ્ટ

આજની તારીખે મોસ્ટ પૉપ્યુલર ક્લાઉડ સ્ટોરેજ સર્વિસ છે. અહીં ૨ ટીબી ક્લાઉડ સ્પેસ તમને ૭૨૦૦ રૂપિયા પ્રતિ વર્ષે પડે. ભલે એ સૌથી ફેમસ છે, પરંતુ સિક્યૉરિટી અને પ્રાઇવસીના દૃષ્ટિકોણથી એ બહુ કામનું નથી કેમ કે અવારનવાર એની પ્રાઇવસી પૉલિસીમાંથી છીંડાં મળી આવ્યાં છે. જોકે ટીમ કોલૅબરેશન માટે સ્ટોરેજ વાપરવું હોય તો ગૂગલ ડ્રાઇવ જેવું બેસ્ટ બીજું કોઈ નથી એ પણ એટલી જ સાચી વાત છે.

લિચી 

આ ફ્રી ઇમેજ હોસ્ટિંગ સર્વિસ છે જેને તમે તમારા કમ્પ્યુટર પર ઇન્સ્ટૉલ કરી શકો છો. ફોટોગ્રાફ્સના બૅકઅપ લેવા માટે આ ખૂબ સારી સિસ્ટમ બની શકે છે. જોકે આ ક્લાઉડ સ્ટોરેજનો ડેટા મોબાઇલ ઍપને સપોર્ટ નથી કરતો. 

પીવીગો 

આ એક ઓપન-સોર્સ ફોટો મૅનેજમેન્ટ સૉફ્ટવેર છે. આ સૉફ્ટવેરથી કાં તો તમે હોસ્ટ કરી શકો કાં સર્વર પર ઑનલાઇન વાપરી શકો છો. પીવીગોમાં રાખેલા ફોટોગ્રાફ્સને તમે કમ્પ્યુટરથી પણ તેમ જ આઇઓએસ અને ઍન્ડ્રૉઇડ કોઈ પણ ઍપથી યુઝ કરી શકો છો. અલબત્ત, આ સર્વિસ ચાર્જેબલ છે અને ૩૦૦૦ રૂપિયા પ્રતિ વર્ષ ફી છે. 

ક્લાઉડ સ્ટોરેજ વાપરતી વખતે શું ધ્યાન રાખવું?

સ્ટ્રૉન્ગ પાસવર્ડ : અનઑથોરાઇઝ્ડ વ્યક્તિ તમારા ક્લાઉડ સ્ટોરેજ પર નજર નાખી શકે એ માટે સ્ટ્રૉન્ગ પાસવર્ડ જરૂરી છે. !, #, $ તેમ જ અપર અને લોઅરકેસ લેટર્સનું મિશ્રણ કરીને કૉમ્પ્લેક્સ પાસવર્ડ બનાવવો. 

ડબલ ઑથેન્ટિકેશન : અકાઉન્ટને ડબલ પ્રોટેક્શન મળે એ માટે સ્ટ્રૉન્ગ પાસવર્ડ ઉપરાંત ટૂ-ફૅક્ટર ઑથેન્ટિકેશન ઇનેબલ કરવું. એમ કરવાથી તમારો ક્લાઉડ સ્ટોરેજ ડેટા કોઈ ઍક્સેસ નહીં કરી શકે. ઑથેન્ટિકેશન કોડ તમને ઈ-મેઇલ કે એસએમએસ દ્વારા મળે એવું રાખવું.

ક્રિટિકલ ઇન્ફર્મેશન ન રાખો: ભલે ક્લાઉડ સ્ટોરેજ ૯૯.૯ ટકા સિક્યૉર છે એવું કહેવાતું હોય પરંતુ ખૂબ જ ખાનગી, મિશનને લગતી, પેટન્ટને લગતી ક્રિટિકલ ઇન્ફર્મેશન એમાં સ્ટોર ન કરો. 
એન્ક્રિપ્ટ ડેટા: ક્લાઉડ સ્ટોરેજમાં કોઈ પણ ફાઇલ અપલોડ કરતાં પહેલાં એને એન્ક્રિપ્ટ કરો જેથી ક્રિપ્ટોમૅટર અને વેરાક્રિપ્ટ ટૂલ્સનો ઉપયોગ કરીને તમે એન્ક્રિપ્શન કરી શકો છો. એનાથી ધારો કે અકાઉન્ટ ઍક્સેસ કોઈ કરી પણ લે તોય જે-તે ખાનગી ફાઇલ કોઈ ખોલી નહીં શકે.

બૅકઅપ રાખો : ક્લાઉડ સ્ટોરેજ ખરેખર બહુ જ કન્વિનિયન્ટ છે એની ના નહીં, પરંતુ આખરે તો એ ઑનલાઇન સર્વિસ છે. તમારા તમામ ડેટાને ક્યાંક ફિઝિકલ ડિવાઇસમાં સ્ટોરેજ કરી રાખવાનું શાણપણનું કામ છે. ગમે ત્યારે કોઈ અનહોનીને કારણે ક્લાઉડ સ્ટોરેજ લૉક થઈ જાય, હૅક થઈ જાય કે પછી કોઈ પણ વિયર્ડ કારણોસર ઍક્સેસિબલ ન રહે ત્યારે બીજે સંઘરેલો ડેટા કામમાં આવશે. 

columnists Rashmin Shah technology news tech news