ઍન્ડ્રૉઇડમાં ઍપ્લિકેશન વારંવાર ક્રૅશ થઈ જાય છે?

22 March, 2024 07:55 AM IST  |  Mumbai | Harsh Desai

તો એનાં કારણો સમજી લો. સ્ટોરેજ ફુલ થવાથી, થર્ડ પાર્ટી ઍપ્સ ઇન્સ્ટૉલ કરવાથી અને ફોન ગરમ થતો હોય ત્યારે ઍપ્લિકેશન ફ્રીઝ અથવા તો ક્રૅશ વધુ થતી જોવા મળે છે. આ સમસ્યાનું સોલ્યુશન જોઈતું હોય તો આ વાંચી લો

પ્રતીકાત્મક તસવીર

ઍન્ડ્રૉઇડ ફોનમાં ઘણી વાર ઍપ્લિકેશન ક્રૅશ થઈ જતી હોય છે. કામના સમયે આવું થયું તો ઘણી વાર ખૂબ જ ફ્રર્સ્ટ્રેશન આવે છે. ઘણા સ્માર્ટફોનમાં ઍપ્લિકેશન ફ્રીઝ થઈ જાય છે તો ઘણી ઍપ્લિકેશન ક્રૅશ થઈ જતી હોય છે. આ ઇશ્યુ જો ઍપ્લિકેશનમાં આવતો હોય તો એને સૉલ્વ કરી શકાય છે, જેના માટે કૅશ ક્લિયર કરવું, ઍપ્લિકેશન ફરી ઇન્સ્ટૉલ કરવી અને ફૅક્ટરી રીસેટ કરવા જેવા ઘણા ઑપ્શન છે તો એ વિશે જોઈએ.

ઍપ્લિકેશન ક્રૅશ કેમ થાય છે? | ઘણી વાર ઍપ્લિકેશન પોતે જણાવી દે છે કે કેમ એ ક્રૅશ થઈ રહી છે. ઘણી વાર મોબાઇલમાં સ્ટોરેજ ન હોય અથવા તો ઇન્ટરનેટ કનેક્ટિવિટી ન હોય ત્યારે જો ઍપ્લિકેશન ક્રૅશ થાય તો એ વિશે જાણકારી આપવામાં આવે છે. જોકે એ સિવાય જ્યારે ઍપ્લિકેશન ક્રૅશ થાય અથવા તો ફ્રીઝ થાય તો એ માટે સ્માર્ટફોન ગરમ થતો હોય એ બની શકે છે. નવી સોફ્ટવેર અપડેટ આવી હોય અને એમાં કોઈ સમસ્યા હોય તો પણ એવું બની શકે છે. આ સાથે જ કોઈ નવી ઍપ્લિકેશન ઇન્સ્ટૉલ કરી હોય અને એ મોબાઇલના સૉફ્ટવેરમાં પ્રૉબ્લેમ કરી રહી હોય તો પણ એવું થઈ શકે છે.

કૅશ ક્લિયર અને સ્ટોરેજ ચેક કરવા
મોટા ભાગે ઍપ્લિકેશનના કૅશ ડેટા ક્લિયર કરતાંની સાથે જ ઍપ્લિકેશન ખૂબ જ સરળતાથી ફરી ચાલુ થઈ જાય છે. આ માટે સેટિંગ્સમાં ઍપ્લિકેશનમાં જે-તે ઍપ્લિકેશનમાં જઈને એના કેશ ડેટા ક્લિયર કરવા. તેમ જ અન્ય ડેટા પણ ક્લિયર કરતાની સાથે ઍપ્લિકેશન લોડ ઓછો લેશે અને એ ફરી ઝડપથી પર્ફોર્મ કરતી થઈ જશે. આ સાથે જ મોબાઇલનો સ્ટોરેજ ડેટા પણ ચેક કરવો. જો સ્ટોરેજ ૮૦ ટકાથી વધુ ફુલ હશે તો મોબાઇલના પર્ફોર્મન્સ પર એની અસર પડવાનું શરૂ થઈ જાય છે. આ માટે જરૂરી ન હોય એવી ફાઇલને ડિલીટ કરવી. આ માટે જરૂરી ન હોય એવી ઍપ્લિકેશનને પણ ડિલીટ કરી શકાય છે. આમ કરતાંની સાથે જ ઍપ્લિકેશન ફ્રીઝ થવાનું અને ક્રૅશ થવાનું બંધ થઈ જશે.

ઍપ્લિકેશનની પરમિશન | ડેટા અને કૅશ ક્લિયર કર્યા બાદ પણ જો આ પ્રૉબ્લેમ રહે તો ઍપ્લિકેશન માટે જેટલી પરવાનગી આપવામાં આવી હોય એ દરેકને વારાફરતી ચાલુ હોય તો બંધ અને બંધ હોય તો ચાલુ કરીને ચેક કરી લેવી. જો પરવાનગી ન આપવામાં આવી હોય તો પણ ઍપ્લિકેશન કામ કરવું જોઈએ એ રીતે પર્ફોર્મ નહીં કરે. આથી જરૂરી પરવાનગી આપવી કે નહીં એ પણ એક વાર ચેક કરી લેવું.

અનઇન્સ્ટૉલ ઍપ્સ અપડેટ્સ | સ્માર્ટફોનની કંપનીમાંથી જે ઍપ્લિકેશન આવતી હોય એમાં જો આ પ્રૉબ્લેમ આવે ત્યારે જ આનો ઉપયોગ કરી શકાય છે. ઘણી વાર એવું બને છે કે જબરદસ્તીથી અપડેટ કરવામાં આવી હોય એટલે કે મોબાઇલને સપોર્ટ ન કરતી હોય એમ છતાં અપડેટ કરવામાં આવે તો ઍપ્લિકેશને ધારેલું કામ નથી કરતું. આ સમયે સેટિંગ્સમાં જઈને અનઇન્સ્ટૉલ ઍપ્સ અપડેટ્સને ડિલીટ કરવી. આ ડિલીટ કર્યા બાદ જો ઍપ ફરી યોગ્ય રીતે શરૂ થઈ ગઈ હોય તો એને ફરી પ્લે સ્ટોરમાંથી જ અપડેટ કરવી. આ માટે થર્ડ પાર્ટી સૉફ્ટવેર અથવા તો બહારથી ડાઉનલોડ કરેલી ઍપ્લિકેશનનો ઉપયોગ ન કરવો. કંપનીની ઍપ્લિકેશન ન હોય અને અન્ય ઍપ્લિકેશન હોય તો એને ડિલીટ કરીને ફરીથી પ્લે સ્ટોરમાંથી જ ડાઉનલોડ કરવાનો આગ્રહ રાખવો. આ કરવાથી જે-તે મોબાઇલ અને એને ઑપરેટિંગ સિસ્ટમને સુસંગત હોય એ જ ઍપ્લિકેશન ડાઉનલોડ થશે.

સેફ મોડમાં ચેક કરવું | તમામ પદ્ધતિનો ઉપયોગ કર્યા પછી પણ જો ઍપ ક્રૅશ બંધ ન થતી હોય અથવા તો ફ્રીઝ થઈ જતી હોય તો એ માટે મોબાઇલને સેફ મોડમાં ચાલુ કરવો. આના માટે સૌથી પહેલાં મોબાઇલ બંધ કરવો. ત્યાર બાદ પાવર બટન અને વૉલ્યુમ ડાઉન બટન બન્ને સાથે દબાવીને મોબાઇલ શરૂ કરવો. આ મોબાઇલ સેફ મોડમાં શરૂ થયા બાદ જે ઍપ્લિકેશન ક્રૅશ થતી હોય એ વારંવાર ચેક કરવી. સેફ મોડમાં ફક્ત ફર્સ્ટ-પાર્ટી ઍપ્લિકેશન જ ચાલશે એટલે કે ફોનમાં પહેલેથી ઇન્સ્ટૉલ થઈને આવતી ઍપ્લિકેશન. જો એ ઍપ્લિકેશન સેફ મોડમાં ચાલતી હોય તો પ્રૉબ્લેમ કોઈ થર્ડ પાર્ટી ઍપ્લિકેશનમાં છે એ સમજી લેવું.

ડિલીટ થર્ડ પાર્ટી ઍપ્લિકેશન |  ઍન્ડ્રૉઇડમાં ઘણી વાર કોઈ ઍડ આવી હોય અને એના પર ક્લિક કરતાંની સાથે જ ઍપ્લિકેશન ડાઉનલોડ થઈ જતી હોય છે. ઘણી વાર આ થર્ડ પાર્ટી ઍપ્લિકેશન ડાઉનલોડ થવાથી એ મોબાઇલની ઑપરેટિંગ સિસ્ટમને કરપ્ટ કરે છે અને એના કારણે ઍપ્લિકેશન કે મોબાઇલ જોઈએ એવા પર્ફોર્મ નથી કરતા. આ માટે છેલ્લે જે ઍપ્લિકેશન ઇન્સ્ટૉલ કરી હોય એને કાઢવી. આ માટે સેટિંગ્સના ઍપ્લિકેશન મૅનેજરમાં જઈને ચેક કરવું, કારણ કે ઘણી ઍપ્લિકેશન એવી ઇન્સ્ટૉલ થઈ ગઈ હોય છે જેના આઇકન પણ નથી હોતા. આ ઍપ્લિકેશન ડિલીટ કર્યા બાદ બની શકે કે મોબાઇલ ફરી સારું પર્ફોર્મ કરતો થઈ જાય.

રીસેટ ફોન | તમામ ઑપ્શન કોશિશ કર્યા બાદ પણ જો ઍપ્લિકેશન ક્રૅશ થતી રહે અથવા તો ફ્રીઝ હોય તો એ માટે છેલ્લો ઑપ્શન રીસેટ ફોન છે. મોબાઇલ રીસેટ કરતાં પહેલાં ડેટાનું બૅકઅપ લઈ લેવું. આ બૅકઅપ લેતી વખતે એ વાતનું ધ્યાન રાખવું કે ઍપ્લિકેશનનું બૅકઅપ લેવામાં નહીં આવે. ઍપ્લિકેશન કરપ્ટ હોવાથી એ ડેટા ફરી કરપ્ટ થઈ શકે છે. આથી ઍપ્સનું બૅકઅપ ન લેવું. ત્યાર બાદ રીસેટ કરવાથી ઍપ્લિકેશન જરૂર શરૂ થઈ જશે.

life and style technology news harsh desai