ટિકટૉક અને રીલ્સને ટક્કર આપવા આવી ગયું છે યુટ્યુબ શૉર્ટ્સ

02 April, 2021 12:11 PM IST  |  Mumbai | Harsh Desai

ગૂગલ એના આ નવા ફીચર દ્વારા ફક્ત નાના વિડિયો પર ફોકસ કરી રહ્યું છે, જે હાલમાં માત્ર બીટા વર્ઝનમાં છે અને મોબાઇલમાં જ કામ કરે છે

પ્રતીકાત્મક તસવીર

ટૂંકા અને મજેદાર વિડિયોઝ માટે જાણીતું ટિકટૉક ભારતમાંથી તો પ્રતિબંધિત થઈ ગયું, પરંતુ શૉર્ટ વિડિયોઝની લોકપ્રિયતા હજીયે એટલી જ છે. પ્રિયંકા ચોપડા જોનસ જેવી ગ્લોબલ સેલિબ્રિટી પણ ટાઇમપાસ કરવા માટે ઇન્સ્ટાગ્રામ રીલ્સ પર વિડિયો જુએ છે. આ શૉર્ટ વિડિયો માટે ટિઇકટોક ખૂબ જ ફેમસ હતું. ઇન્ડિયાએ ચાઇનીઝ ઍપ્લિકેશન્સને બ્લૉક કરી ત્યાર બાદ ઇન્સ્ટાગ્રામ દ્વારા રીલ્સ ઑપ્શન શરૂ કરવામાં આવ્યો હતો. જોકે ઇન્ટરનૅશનલ માર્કેટમાં હજી પણ ટિકટૉક છે અને હવે એને અને ઇન્સ્ટાગ્રામ રીલ્સને ટક્કર આપવા માટે યુટ્યુબ શૉર્ટ્સ આવી ગયું છે. વિડિયો માટે દુનિયાભરમાં યુટ્યુબ સૌથી વધુ પૉપ્યુલર છે. એના પર ત્રણ કલાકની ફિલ્મોથી લઈને ત્રણ મિનિટના વિડિયો પણ શૅર થઈ શકે છે. જોકે હવે યુટ્યુબ શૉર્ટ્સ ફક્ત અને ફક્ત નાના વિડિયો પર ફોકસ કરી રહ્યું છે.

એડિટિંગ ફીચર

યુટ્યુબમાં વિડિયો શૅર કરવા માટે પહેલાં કૅમેરાથી શૂટ કરવું પડે છે અને ત્યાર બાદ એનું ખાસ સૉફ્ટવેરમાં એડિટિંગ કરીને એને શૅર કરવું પડે છે. ટૂંકમાં એક પ્રૉપર વિડિયો બનાવ્યા બાદ એને શૅર કરવામાં આવે છે. જોકે યુટ્યુબ શૉર્ટ્સમાં હવે સોશ્યલ મીડિયા ઍપ જેવા ટૂલ્સ પણ આપવામાં આવ્યા છે. આ ઍપ્લિકેશનની મદદથી યુઝર એમાં જ વિડિયો રેકૉર્ડ કરી શકશે અને એમાં ટેક્સ્ટ, મ્યુઝિક, વિડિયો પ્લેબૅક સ્પીડ અને મોશન જેવાં વિવિધ ટૂલ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ફક્ત મોબાઇલ માટે

યુટ્યુબને અત્યાર સુધી મોબાઇલ, કમ્પ્યુટર, ટીવી, પ્લેસ્ટેશન જેવાં ઘણાં ગૅજેટ્સમાં જોઈ શકાતું હતું. જોકે યુટ્યુબ શૉર્ટ્સને ફક્ત અને ફક્ત મોબાઇલમાં જ જોઈ શકાશે. આ વિડિયો શૉર્ટ્સ હોવાથી એને મોબાઇલની સ્ક્રીન એટલે કે પૉર્ટ્રેટ મોડમાં જ જોઈ શકાશે.

યુટ્યુબ શૉર્ટ્સનો હાલપૂરતો ઇન્ડિયામાં યુટ્યુબની ઍપ્લિકેશનમાં જ સમાવેશ થયો છે. ઍપ્લિકેશન ઓપન કરતાં જ ત્યાં ઉપર શૉર્ટ્સ લખેલું આવે છે, જ્યાં ક્લિક કરતાં જ તમામ વિડિયો જોઈ શકાશે. તેમ જ સ્વાઇપ કરવાથી તરત વિડિયો બદલાઈ પણ જશે. આ શૉર્ટ્સને હવે અમેરિકામાં લૉન્ચ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. હજી આ પ્રોગ્રામ બીટા વર્ઝનમાં છે. બની શકે કે શૉર્ટ્સ માટે ગૂગલ અલગ ઍપ્લિકેશન પણ બનાવે.

columnists harsh desai