આસપાસની રેસ્ટોરાં, શૉપિંગ સ્ટોર શોધવા માટે સોશ્યલ મીડિયા કઈ રીતે વાપરશો?

05 August, 2022 08:55 PM IST  |  Mumbai | Harsh Desai

તમારા મોબાઇલમાં ટ‍્વિટર, વિકીપીડિયા, સ્નૅપચૅટ કે ઇન્સ્ટાગ્રામ જેવાં સોશ્યલ મીડિયા થકી પણ તમે અજાણી જગ્યાએ હો તોય આસપાસમાંથી કેટલાંક જાણીતાં લોકેશન્સ શોધી શકો છો. એ કઈ રીતે શક્ય છે એ જાણીએ

આસપાસની રેસ્ટોરાં, શૉપિંગ સ્ટોર શોધવા માટે સોશ્યલ મીડિયા કઈ રીતે વાપરશો?

સ્માર્ટફોનનો ઉપયોગ જેટલો સ્માર્ટ્લી કરીએ એટલો ઓછો છે. એવી ઘણી ઍપ્લિકેશન છે જેનો ઉપયોગ એક કરતાં વધુ રીતે થઈ શકે છે. સોશ્યલ મીડિયાની શોધ દૂરની વ્યક્તિ સાથે પણ સંપર્કમાં રહેવા માટે થઈ હતી. જોકે એનો ઉપયોગ હવે ઘણી રીતે થઈ રહ્યો છે. આજે સોશ્યલ મીડિયાનો ઉપયોગ સ્મૉલ બિઝનેસ અને ઍડ્વર્ટાઇઝિંગ માટે ખૂબ પ્રમાણમાં થાય છે. જોકે આજે આપણે સોશ્યલ મીડિયાના ઉપયોગથી નવાં લોકેશન કેવી રીતે શોધી શકાય એ વિશે જોઈશું, લોકેશન્સ માટે ગૂગલ મૅપ્સ અને ઍપલ મૅપ્સ ખૂબ જ પ્રચલિત છે. જોકે એ સિવાય સોશ્યલ મીડિયાનો પણ નવાં લોકેશન માટે જેમ કે ફરવાની જગ્યા અથવા તો કૅફે અથવા તો રેસ્ટોરાં શોધવા માટે કરી શકાય છે. મોબાઇલમાં જીપીએસ ચિપ્સ આવે છે અને એની મદદથી આપણે ક્યાં છીએ એની સતત જાણ થઈ શકે છે. જોકે આ ચિપનો સદુપયોગ પણ થઈ શકે છે. જોકે આ જેટલી પણ ઍપ્સ છે એનો ઉપયોગ કરવા માટે મોબાઇલમાં લોકેશન સર્વિસ ઑન હોવી જરૂરી છે.
ટ્વિટર
ટ્વિટર છેલ્લા થોડા સમયથી ઇલૉન મસ્કને કારણે ખૂબ જ ફેમસ છે. જોકે આ ટ્વિટરનો ઉપયોગ લોકેશન અથવા તો અન્ય વસ્તુ શોધવા માટે ખૂબ જ સરળતાથી કરી શકાય છે. ટ્વિટર પર યુઝર્સ જ્યાં છે એની આસપાસ પીત્ઝા ક્યાં સારા મળે છે અથવા તો આસપાસ કોઈ જોવાલાયક સ્થળ છે કે નહીં એ જાણી શકે છે. આ માટે યુઝર્સે સર્ચ એરિયામાં જઈને ઉપર પીત્ઝા લખવાનું રહેશે. એ કરીને અપ્લાય કરતાની સાથે જ નજીકમાં જ્યાં-જ્યાં સારા પીત્ઝા મળતા હશે એની યુઝર દ્વારા કરેલી પોસ્ટને જોઈ શકાશે. આ પોસ્ટ પરથી ઓનેસ્ટ ઓપિનિયન પણ મેળવી શકાય છે. આજકાલ ગૂગલ મૅપ્સ પર જે રિવ્યુ આવે છે એ રેસ્ટોરાં દ્વારા જ કરાવવામાં આવેલા હોય એવું બની શકે છે. જોકે યુઝર્સ દ્વારા સોશ્યલ મીડિયા પર જે પોસ્ટ કરવામાં આવી હતી એના દ્વારા એનું તારણ કાઢી શકાય છે. તેમ જ ફોટો હોવાથી પૂરતો આઇડિયા પણ મળી શકે છે. ફૂડની જેમ જગ્યા શોધવા માટે પણ એ જ રીતે સર્ચ કરવાનું રહેશે.
વિકીપીડિયા
સ્કૂલ અને કૉલેજથી જ સ્ટુડન્ટ્સ વિકીપીડિયાનો ઉપયોગ કરવાનું શરૂ કરી દે છે. સ્કૂલનાં બાળકો હોય કે કૉલેજના સ્ટુડન્ટ હોય, નોકરી કરતા કર્મચારી હોય કે પછી જર્નલિસ્ટ હોય, દરેક વ્યક્તિ વિકીપીડિયાનો ઉપયોગ કરે છે. જોકે વેકેશન માટે વિકીપીડિયાને સ્ક્રોલ કરવું થોડું વિચિત્ર લાગે છે. જોકે વિકીપીડિયા દ્વારા આ માટે એક સ્પેશ્યલ ફીચર છે જેની મોટા ભાગના લોકોને ખબર નહીં હોય. વિકીપીડિયાનું સ્પેશ્યલ પેજ છે જેમાં જે-તે લોકેશનની આસપાસની ફેમસ જગ્યા વિશે લોકો દ્વારા લખવામાં આવેલા આર્ટિકલ્સને શોધીને યુઝર સુધી પહોંચાડે છે. આ માટે યુઝર્સે તેમના વેબ બ્રાઉઝરમાં જઈને https://en.m.wikipedia.org/wiki/special:Nearby  લખીને સર્ચ કરવાનું રહેશે. આ લખીને સર્ચ કરતાં આસપાસ જે લોકેશન હશે એ વિશેની માહિતી મળી જશે, જોકે આ માટે લોકેશન સર્વિસ સાથે જ મોબાઇલને વેબ બ્રાઉઝરને એ માટેની પરવાનગી આપવી પડશે. આ ટેક્નિકથી મ્યુઝિયમ, જે-તે એરિયાની સ્પેસિફિક જગ્યા અને હિસ્ટોરિકલ ઇવેન્ટ્સની માહિતી મળી શકે છે. તેમ જ એવી પણ ઘણી માહિતી મળી શકે છે જે ગૂગલ મૅપ્સ અને ઍપલ મૅપ્સ પાસે ન હોય.
સ્નૅપચૅટ
સ્નૅપચૅટ એક ફોટો શૅરિંગ ઍપ્લિકેશન છે. આ ઍપ્લિકેશનને કારણે ઇન્સ્ટાગ્રામ જેવી ઍપ્લિકેશન માર્કેટમાં આવી. તેમ જ આજે દરેક જગ્યાએ જે સ્ટોરી જોવા મળે છે એ ફક્ત અને ફક્ત સ્નૅપચૅટની દેન છે. સ્નૅપચૅટ પર સૌથી પહેલાં સ્ટોરીનું ફીચર આવ્યું હતું. આ ઍપ્લિકેશનમાં નીચેની સાઇડ લેફ્ટમાં એક મૅપનો સિમ્બૉલ છે. એ સિમ્બૉલ પર ક્લિક કરતાં યુઝર જે જગ્યાએ હશે ત્યાંનું લોકેશન દેખાડશે. એ લોકેશન પર હૅપનિંગ જગ્યા હોય એટલે કે જે જગ્યાએ વધુ યુઝર્સ હોય અને પોસ્ટ કરી રહ્યા હોય એને જોઈ શકાશે. આ માટે મૅપ પર રેડ કલરનું હૉટસ્પૉટ લોકેશન દેખાડવામાં આવશે. એના પર અન્ય યુઝર્સ દ્વારા શૅર કરવામાં આવેલી સ્ટોરીઝ જોઈ શકાશે. જેમાં કઈ જગ્યા છે અને ક્યાં શું ચાલી રહ્યું છે એ પણ જાણી શકાય છે. આજની જનરેશનમાં જેને વાઇબ કહેવામાં આવે છે એવાં વાઇબ મૅચ થતી જગ્યા યુઝર્સ શોધી શકે છે. આ માટે અન્ય યુઝર્સ દ્વારા તેમની સ્ટોરી અથવા તો પોસ્ટમાં લોકેશન શૅર કરેલું હોવું જરૂરી છે.
ઇન્સ્ટાગ્રામ
સ્નૅપચૅટની જેમ ઇન્સ્ટાગ્રામ પણ આજે ફોટો અને વિડિયો માટે ખૂબ જ ફેમસ છે. આ ઍપ્લિકેશનનો ઉપયોગ બિઝનેસ અને ઍડ માટે વધુ થાય છે. જોકે એનો ઉપયોગ લોકેશન શોધવા માટે પણ કરી શકાય છે. આજે લોકો ફૂડ માટે અથવા તો ટ્રાવેલ માટે જાય છે ત્યારે સતત ચેક ઇન કરતા હોય છે. આ જ ચેક ઇનના ઉપયોગથી લોકેશન જાણી શકાય છે. આ માટે યુઝર્સે ઇન્સ્ટાગ્રામના સર્ચમાં જવું, સર્ચ બારમાં કરન્ટ જગ્યાનું નામ લખવું. આથી બાંદરામાં જોવાલાયક જગ્યાથી લઈને ફૂડથી લઈને કૅફેથી લઈને બુક સ્ટોર સુધીની તમામ જગ્યાનાં લોકેશન વિશે જાણી શકાશે. આ સાથે જ એ લોકેશન કેવાં છે એના વિવિધ ફોટો પણ જોઈ શકાશે.

tech news technology news harsh desai