હવે નહીં ચાલે ગૂગલ ટ્રાન્સલેટ: આ દેશમાં બંધ થઈ સેવા, જાણો વિગત

03 October, 2022 08:49 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ચીનમાં ગુગલ ટ્રાન્સલેટ સેવા અચાનક બંધ થવાથી કેટલીક ચાઈનીઝ એપ્લિકેશનને પણ અસર થઈ છે

પ્રતીકાત્મક તસવીર

દુનિયાના સૌથી મોટા સર્ચ એન્જિન ગૂગલે ચીનમાં ટ્રાન્સલેટ સર્વિસ બંધ કરી દીધી છે. આ પગલાથી પાડોશી દેશમાં કંપનીની સેવાઓ વધુ સંકુચિત થઈ ગઈ છે. ચીનમાં ગૂગલ ટ્રાન્સલેટની વેબસાઇટ ઓપન થતાં જ છે સામાન્ય Google સર્ચ બાર દેખાય છે. તેના પર ક્લિક કરીને યુઝર્સ હોંગકોંગની ગૂગલ ટ્રાન્સલેટ વેબસાઇટ પર પહોંચી જાય છે. જોકે, ચાઈનીઝ યુઝર્સ હોંગકોંગની અનુવાદ વેબસાઈટને એક્સેસ કરી શકતા નથી. અહેવાલો અનુસાર, ચીનમાં અમેરિકન ટેક કંપનીએ ઓછા ઉપયોગને કારણે અનુવાદ સેવા બંધ કરી દીધી છે.

ચીનમાં ગુગલ ટ્રાન્સલેટ સેવા અચાનક બંધ થવાથી કેટલીક ચાઈનીઝ એપ્લિકેશનને પણ અસર થઈ છે. આ એવી એપ્લિકેશન્સ છે જે Googleની અનુવાદ સેવા પર આધારિત છે. TechCrunch અનુસાર, અમેરિકન કંપનીના આ પગલાથી KOReader ડોક્યુમેન્ટ રીડર જેવી સેવાઓનો ઉપયોગ કરનારા વપરાશકર્તાઓને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. નોંધનીય છે કે 2006માં ગૂગલે ચીનમાં ગૂગલ સર્ચનું ચાઈનીઝ વર્ઝન રજૂ કર્યું હતું, પરંતુ તેને લોકલ સર્ચ એન્જિન બાઈડુ તરફથી ટક્કર મળી હતી.

સર્ચ એન્જિન 2010માં બંધ થયું

2010માં ગૂગલે ચીનમાં તેની સર્ચ એન્જિન સેવા બંધ કરી દીધી હતી. ન્યૂયોર્ક ટાઈમ્સ અનુસાર, 2010માં ગૂગલે કહ્યું હતું કે “ચીનમાં હેકર્સે તેના કેટલાક સોર્સ કોડની ચોરી કરી હતી અને કેટલાક ચાઈનીઝ માનવાધિકાર કાર્યકરોના જીમેલ એકાઉન્ટમાં હેક કર્યા હતા.” ઈન્ટરનેટ કન્ટેન્ટ પર ચીન સરકારની કડક દેખરેખને જોતા ગૂગલે પાડોશી દેશમાં સર્ચ એન્જિન સેવા બંધ કરી દીધી છે.

ઓછા વપરાશને કારણે બંધ

ગૂગલના પ્રવક્તાએ કહ્યું છે કે “ચીનમાં ઓછા ઉપયોગને કારણે કંપનીએ `ગુગલ ટ્રાન્સલેટ` બંધ કરી દીધું છે. ઑગસ્ટમાં, સૌથી મોટી અનુવાદ સેવાને ચીનમાં 53.5 મિલિયન હિટ્સ મળી. ગૂગલે 2017માં ચીનમાં ટ્રાન્સલેશન એપ લોન્ચ કરી હતી. ચાઇનીઝ વપરાશકર્તાઓને આકર્ષવા માટે, કંપનીને પ્રખ્યાત ચાઇનીઝ-અમેરિકન રેપર એમસી જિનની જાહેરાત પણ મળી.

life and style tech news technology news china