16 June, 2023 04:22 PM IST | Mumbai | Harsh Desai
પ્રતીકાત્મક તસવીર
ગૂગલ હાલમાં તેમની દરેક પ્રોડક્ટને ખૂબ જ ઇમ્પ્રૂવ કરી રહ્યું છે. ગૂગલ બાર્ડ બાદ હવે ગૂગલ મૅપ્સમાં પણ નવાં ફીચર્સનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે. ઍપલ અને માઇક્રોસૉફ્ટ જેવી કંપનીઓ પણ મૅપ્સની સેવા પૂરી પાડે છે, પરંતુ ગૂગલ મૅપ્સનો ઉપયોગ વધુ થતો જોવા મળે છે. તેમ જ નવા-નવા રસ્તાઓનો સમાવેશ પણ બહુ જલદી ગૂગલ મૅપ્સમાં કરવામાં આવે છે. ગૂગલ હવે તેમના યુઝર માટે નવાં ફીચર્સનો સમાવેશ કરવા જઈ રહ્યું છે. તેમના યુઝર્સને છેલ્લા ઘણા સમયથી જે-જે તકલીફનો સામનો કરવો પડી રહ્યો હતો હવે એ દૂર થવા જઈ રહ્યો છે. ગૂગલ દ્વારા ગ્લૅન્સીબલ ડિરેક્શન્સ, ઇમર્સિવ વ્યુ અને અન્ય ફીચર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ફીચર્સ યુઝર્સ માટે તેમના રૂટનું પ્લાનિંગ કરવાથી લઈને તેમને એ રૂટને પસંદ કર્યા બાદ એને ફૉલો કરવા સુધીની દરેક વસ્તુનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ઇમર્સિવ વ્યુ
ઇમર્સિવ વ્યુની જાહેરાત ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ દ્વારા ગયા વર્ષે કરવામાં આવી હતી. જોકે એને હાલમાં રોલ આઉટ કરવામાં આવી રહ્યું છે. કેટલાક દેશમાં આ સેવા શરૂ થઈ ગઈ છે અને ઇન્ડિયામાં પણ એ બહુ જલદી આવવાની છે. આ એક એવું ફીચર છે જેની મદદથી આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ સૅટેલાઇટ વ્યુ અને અન્ય ફુટેજનો ઉપયોગ કરીને એક વિડિયો બનાવશે. આ વિડિયો ડ્રોનથી લેવામાં આવ્યો હોય એવું લાગે છે. ઉદાહરણ તરીકે કોઈ રેસ્ટોરાંને સર્ચ કરતા હો તો એ રેસ્ટોરાંમાં એન્ટર થવાની સાથે એ કેવી હશે અને કેટલી સ્પેસ હશે એ દેખાડવામાં આવશે. જાણે કે યુઝર પોતે એ રેસ્ટોરાંમાં હોય એવો એહસાસ થશે. કયા ડેસ્ટિનેશન અથવા તો લૅન્ડમાર્ક પર જવું છે અને એ કેવું દેખાશે એ માટે આ ફીચર ખૂબ જ ઉપયોગી છે. આ ફીચર હાલમાં જાણીતા ડેસ્ટિનેશન માટે આવી રહ્યું છે અને ત્યાર બાદ એ ધીમે-ધીમે દરેક માટે અવેલેબલ થશે.
રીસન્ટ હાઇલાઇટ્સ
યુઝર દ્વારા લૅન્ડમાર્ક અથવા તો ડેસ્ટિનેશન નક્કી કર્યા બાદ ત્યાં સુધી કેવી રીતે પહોંચવું અથવા તો કયો રૂટ લેવો એ નક્કી કરવામાં આવે છે. આ માટે પહેલાં પણ ગૂગલ તેના યુઝર્સને એકથી વધુ ડેસ્ટિનેશનનો ઉપયોગ કરીને રૂટ નક્કી કરવાની સેવા પૂરી પાડતું આવ્યું છે. જોકે એક વાર ઍપ્લિકેશન બંધ કરતાં એ નવેસરથી દર વખતે પ્લાન કરવો પડતો હતો. આ માટે ગૂગલે હવે નવું ફીચર બહાર પાડ્યું છે. રીસન્ટ હાઇલાઇટ્સમાં યુઝરની આ ઍક્ટિવિટી સેવ થઈ જશે. આથી યુઝર દ્વારા ભૂલથી પણ ઍપ્લિકેશન બંધ થઈ ગઈ હોય તો પણ ડરવાની જરૂર નથી, કારણ કે હવે જ્યાંથી ઍપ્લિકેશન બંધ થઈ હશે ત્યાંથી જ ફરી એને ઓપન કરીને રૂટ નક્કી કરી શકાશે અથવા તો અગાઉથી નક્કી કરેલા રૂટને ફરી ઍક્સેસ કરી શકાશે. આ સાથે જ આ ફીચરનો ઉપયોગ ટ્રિપ પ્લાનર તરીકે પણ કરી શકાય છે. યુઝરે જે-જે લોકેશન અને હોટેલ નક્કી કર્યાં હોય એ એક વાર ફિક્સ કર્યા બાદ ગૂગલ મૅપ્સમાં ઍડ કરવાનાં રહેશે. ત્યાર બાદ ડિરેક્શન પર ક્લિક કરતાં જ પહેલાં કંઈ મુલાકાત લેવી અને કયો રસ્તો પસંદ કરવો વગેરે જેવી બાબત ગૂગલ એના તરફથી નક્કી કરીને યુઝર્સને સજેસ્ટ કરશે.
ગ્લૅન્સીબલ ડિરેક્શન
રૂટ નક્કી કર્યા બાદ ડિરેક્શનને પસંદ કરી જ્યારે ડ્રાઇવ કરવામાં આવે છે ત્યારે સૌથી મોટી સમસ્યા મોબાઇલની બૅટરીની રહે છે. રૂટના લોકેશન માટે અત્યાર સુધી મોબાઇલનું લૉક ઓપન કરી ઍપ્લિકેશન ચાલુ રાખવી ખૂબ જ જરૂરી હતી. આ ઍપ્લિકેશન ચાલુ રાખવાને કારણે મોબાઇલની બૅટરી ખૂબ જ ડ્રેઇન થઈ જતી હોય છે. જોકે ગૂગલે હવે એનું સમાધાન લાવતાં ગ્લૅન્સીબલ ડિરેક્શનને લૉન્ચ કરી રહ્યું છે. આ ફીચરની મદદથી યુઝર તેની લૉકસ્ક્રીન પર જ રૂટનો ઓવરવ્યુ, એસ્ટિમેટ ટાઇમ અને આગામી ટર્ન ક્યારે મારવો જેવી માહિતી લૉકસ્ક્રીન પર જ જોઈ શકશે. આ માટે યુઝરની બૅટરી અને ડેટા બન્ને બચવાની સાથે તેણે સતત મોબાઇલ હાથમાં રાખવાની પણ જરૂર નહીં પડે. આઇફોન 14 જેવા મૉડલમાં જ્યાં ઑલ્વેઝ ઑન ડિસ્પ્લે ફીચર હોય છે એવા મોબાઇલમાં બૅટરી ખૂબ જ બચાવી શકાશે. ગ્લૅન્સીબલ ડિરેક્શન આ મહિનામાં લૉન્ચ કરવામાં આવશે અને સાઇક્લિંગ, ડ્રાઇવિંગ અને વૉકિંગ માટે આ ફીચરનો ઉપયોગ કરી શકાશે. ઍન્ડ્રૉઇડ અને આઇઓએસ ડિવાઇસમાં આ ફીચર લૉન્ચ કરવામાં આવી રહ્યું છે.