આઇફોન બંધ હશે તો પણ કરી શકાશે પેમેન્ટ

31 March, 2023 05:47 PM IST  |  Mumbai | Harsh Desai

ઍપલના નવા 15 પ્રો મૉડલ્સમાં આ ટેક્નૉલૉજી લાવી રહી છે જેની મદદથી બૅટરી પૂરી થયાના પાંચ કલાક સુધી ઍપલ પે એક્સપ્રેસ પેમેન્ટ ફીચર દ્વારા પૈસા ચૂકવી શકાશે : આ સાથે જ સૉફ્ટવેર કસ્ટમાઇઝેશનનો પણ ઑપ્શન લાવી રહી છે

આઇફોન બંધ હશે તો પણ કરી શકાશે પેમેન્ટ

યુપીઆઇ પેમેન્ટ માટે હવે બે હજારથી ઉપરના ટ્રાન્ઝૅક્શન માટે પૈસા આપવા પડશે એવી ચર્ચા હતી, પરંતુ કસ્ટમરે કોઈ પૈસા ચૂકવવા નહીં પડે. આજે લોકો કૅશ નથી રાખતા અને મોબાઇલનો ઉપયોગ વધુ કરે છે. આથી મોબાઇલને હંમેશાં ચાર્જ રાખવો જરૂરી છે. જોકે એ હંમેશાં ચાર્જ કરવાનું યાદ રહે એ જરૂરી નથી અને એથી જ ઍપલ હવે એના આઇફોન 15 પ્રો મૉડલ્સ માટે નવી ટેક્નૉલૉજીનો ઉપયોગ કરી રહી છે. આ નવો આવનારો આઇફોન બંધ થઈ જશે તો પણ યુઝર એના દ્વારા પેમેન્ટ કરી શકશે. આ માટે ઍપલ લો પાવર માઇક્રોપ્રોસેસરનો ઉપયોગ કરી રહી છે.

શું છે લો-પાવર માઇક્રોપ્રોસેસર?

ઍપલ હાલમાં અલ્ટ્રા-લો પાવર મોડનો ઉપયોગ કરી રહી હતી. એની મદદથી મોબાઇલ ખોવાઈ ગયો હોય ત્યારે એને બંધ કરી દેવામાં આવ્યો હોય અથવા તો બૅટરી પૂરી થઈ ગઈ હોય તો પણ બંધ થયાના અથવા તો બૅટરી પૂરી થયાના ૨૪ કલાકની અંદર એને શોધી શકાતો હતો. જોકે હવે એની જગ્યાએ લો-પાવર માઇક્રોપ્રોસેસરનો ઉપયોગ કરવામાં આવશે. આ પ્રોસેસર નહીંવત્ જેવા પાવરનો ઉપયોગ કરશે અને ફોનના લોકેશનની સાથે અન્ય ફંક્શન પણ કરશે. આ ફંક્શનમાં આઇફોન બંધ થઈ ગયો હોય તો પણ પેમેન્ટ કરી શકાશે.

આઇફોન બંધ છતાં થશે પેમેન્ટ

આ પેમેન્ટ માટે ઍપલ પે ક્વિક અથવા તો એક્સપ્રેસ પેમેન્ટ ફીચરનો ઉપયોગ કરવો ફરજિયાત રહેશે. અત્યારે આઇફોન એમની પોતાની પેમેન્ટ સર્વિસનો ઉપયોગ કરી રહ્યો છે જેથી મોબાઇલ બંધ થઈ ગયો હોય તો પણ પેમેન્ટ કરી શકાય. આ માટે કૅપૅસિટિવ ટચ અને ઍક્શન બટનનો ઉપયોગ કરવામાં આવશે. અત્યાર સુધી જે રીતે પેમેન્ટ કરવામાં આવતું હતું એ જ રીતે પેમેન્ટ કરવાનું રહેશે, પરંતુ હવે આઇફોન બંધ હશે ત્યારે ફિઝિકલ બટનનો ઉપયોગ કરવો પડશે અને એના ટચ પરથી માઇક્રોપ્રોસેસરને કમાન્ડ મળશે અને એ પેમેન્ટ કરશે. 

અન્ય ઍપ્લિકેશનથી પેમેન્ટ?

અત્યારે ઍપલ આ ફીચર એક્સક્લુઝિવલી એની પોતાની પેમેન્ટ સર્વિસ માટે જ ચાલુ રાખી રહી છે. જોકે ગૂગલ પે અને પેટીએમ જેવી કંપની પણ એમની ઍપ્લિકેશનમાં બદલાવ કરીને આ ટેક્નૉલૉજીનો ઉપયોગ કરી શકે તો એ ઍપ્લિકેશન પણ આઇફોન બંધ હોવા છતાં પેમેન્ટ કરી શકશે. જોકે આ માટે પહેલાં ઍપલ દ્વારા એમની ઍપ્લિકેશનને એ પ્રોસેસરનો ઉપયોગ કરવા દેવાની પરમિશન આપવી જરૂરી છે. જેટલી વધુ ઍપ્લિકેશનને એની પરવાનગી આપવામાં આવશે એટલા ઓછા સમય માટે આઇફોન પેમેન્ટ કરી શકશે, કારણ કે બૅટરી પૂરી થઈ ગઈ હોવાથી એ લિમિટેડ પાવર પર કામ કરે છે અને ઍડિશનલ બૅટરી નથી મળતી. અત્યારે પેમેન્ટ માટે આઇફોન બંધ થયાના ફક્ત પાંચ કલાક સુધી પેમેન્ટ કરી શકાશે એવી ચર્ચા છે, પરંતુ એ આઇફોન લૉન્ચ થશે ત્યારે જ એની માહિતી મળશે.

કૅપૅસિટિવ બટન

આ માટે ઍપલ હવે કૅપૅસિટિવ બટનનો ઉપયોગ કરી રહી છે. અત્યારે ફિઝિકલ બટન છે, પરંતુ આ કૅપૅસિટિવ બટન એક જાતના ટચ સ્ક્રીન જેવાં છે. તેમ જ એને કેટલા પ્રેશરથી દબાવવામાં આવે એનો પણ એ એહસાસ કરે છે અને એ રીતે એ કાર્ય કરે છે. આઇફોન 15 પ્રો મૉડલ્સમાં ફિઝિકલ બટનની જગ્યાએ આ કૅપૅસિટિવ બટનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ બટનનો ઉપયોગ બે રીતે કરી શકાશે, આઇફોન ચાલુ હોય ત્યારે વૉલ્યુમ માટે અને બંધ હોય ત્યારે પેમેન્ટ માટે. આ સાથે જ મ્યુટ કરવા માટેનું જે બટન છે એની જગ્યા હવે ઍક્શન બટન લઈ રહ્યું છે. આ બટન પણ ઘણા કમાન્ડ માટે ઉપયોગી બનશે.

સૉફ્ટવેર કસ્ટમાઇઝેશન

આઇફોન હવે એમના સૉફ્ટવેરમાં કસ્ટમાઇઝેશનનો ઑપ્શન લાવી રહ્યો હોવાની ચર્ચા છે. ઉદાહરણ તરીકે આઇફોનના કૅપૅસિટિવ વૉલ્યુમ બટનનો બે રીતે ઉપયોગ કરી શકાશે. પહેલું કે વૉલ્યુમ બટનને વધારવા માટે જેટલા પ્રેશરથી પ્રેસ કરવામાં આવે છે એટલો વધુ અવાજ વધશે અથવા તો ઓછો થશે. હળવેથી દબાવવામાં આવશે તો થોડો જ વૉલ્યુમ વધશે. તેમ જ બીજો ઑપ્શન છે સ્લાઇડિંગ. આ બટન પર આંગળીને સ્લાઇડ કરવાથી પણ વૉલ્યુમ વધારી અને ઘટાડી શકાશે. આ જ રીતે આઇફોન 15 પ્રો મૉડલ્સમાં ઘણા કસ્ટમાઇઝેશનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ સાથે જ ઍક્શન બટનનો ઉપયોગ પણ એક કરતાં વધુ કાર્ય માટે કરવામાં આવી શકે છે.

ટેપ્ટિક એન્જિન ટેસ્ટિંગ

આઇફોનમાં અત્યારે ટેપ્ટિક એન્જિનનો સમાવેશ કરવામાં આવ્યો છે, પરંતુ 15 પ્રો મૉડલ્સમાં એ ત્રણ હશે એવી ચર્ચા છે. આ ટેપ્ટિક એન્જિન હેપ્ટિક ફીડમેક માટે મદદ કરશે. આ ટેસ્ટિંગ મોબાઇલ ઑન અને ઑફ બન્ને માટે કરવામાં આવી રહ્યું છે. જો એ સફળ રહ્યું તો કૅપૅસિટિવ બટન અને ટેપ્ટિક એન્જિનનો ઉપયોગ કરીને ઘણાં ફંક્શન નવાં ઍડ થઈ શકે છે.

columnists technology news tech news apple iphone harsh desai