ગૂગલ ક્રોમ બન્યું વધુ સિક્યૉર

29 December, 2023 08:28 AM IST  |  Mumbai | Harsh Desai

પાસવર્ડ કૉમ્પ્રોમાઇઝ થયો હોય તો યુઝરને અલર્ટ કરશે અને કોઈ વેબસાઇટનો ઉપયોગ ઘણા સમયથી ન કર્યો હોય તો એ વેબસાઇટને આપેલી પરમિશન પણ ઑટોમૅટિક રીવોક કરશે

પ્રતીકાત્મક તસવીર

ગૂગલ ક્રોમ દ્વારા હાલમાં જ કેટલાંક નવાં સિક્યૉરિટી અને પર્ફોર્મન્સ ફીચર લૉન્ચ કરવામાં આવ્યાં છે. આ ફીચરની મદદથી કમ્પ્યુટરને નુકસાન કરતાં એક્સટેન્શન અને આઉટડેટેડ વર્ઝનને યુઝર્સને જણાવી દેશે. આ સાથે જ ક્રોમના યુઝર્સની સેફ્ટી ચેક પણ કરતું રહેશે જેના કારણે પાસવર્ડ કૉમ્પ્રોમાઇઝ થયો હોય તો એની જાણ યુઝરને તરત કરવામાં આવશે. તેમ જ ક્રોમ સ્મૂધ પર્ફોર્મ કરે એ માટે મેમરી યુઝેજને કન્ટ્રોલ કરવા માટેનું પણ ફીચર આપવામાં આવ્યું છે. આ ફીચરની સાથે અન્ય ફીચર પણ આપવામાં આવ્યાં છે જે યુઝરને ઘણાં યુઝફુલ સાબિત થઈ શકે છે. ગૂગલ દ્વારા તેમના બ્લૉગપોસ્ટ દ્વારા આ ફીચરને જાહેર કરવામાં આવ્યાં છે. આ ફીચર્સ ગૂગલ તરફથી તેના યુઝર્સને ન્યુ યર ગિફ્ટ છે. આ સાથે જ આવતા વર્ષમાં તેમની આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ મૉડલ જેમિનીની મદદથી ક્રોમમાં ઘણાં ફીચર્સ આપવામાં આવશે.

સેફ્ટી ચેક
ગૂગલ દ્વારા ક્રોમની સેફ્ટી ચેક ફીચર લૉન્ચ કરવામાં આવ્યું છે. આ ફીચર પાસવર્ડની સિક્યૉરિટી વધારવાની સાથે જ બ્રાઉઝરની સેફ્ટી પણ વધારવામાં આવી છે. આ ફીચર બૅકગ્રાઉન્ડમાં સેફ્ટી ચેક કરતું રહેશે અને જો પાસવર્ડને લઈને કોઈ સિક્યૉરિટી રિસ્ક લાગે તો એને યુઝરને તરત જ જણાવવામાં આવશે. પાસવર્ડ કૉમ્પ્રોમાઇઝ થઈ રહ્યો હોય, કમ્પ્યુટરને નુક્સાન કરતાં એક્સટેન્શન હોય કે પછી કોઈ સિક્યૉરિટી ફીચરને ધ્યાનમાં લેવાની જરૂર હોય તો એ તરત જ યુઝરને જણાવશે. આ અલર્ટ ક્રોમમાં થ્રી-ડૉટ મેન્યુ જ્યાં આવે છે એમાં જણાવવામાં આવશે. આ સાથે જ સેફ્ટી ચેક ફીચરમાં પરમિશન પર પણ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. કોઈ વેબસાઇટનો ઉપયોગ યુઝર કરતો હોય અને એ માટે ચોક્કસ પરમિશનની જરૂર હોય અને યુઝરે એ આપી હોય જેવી કે કૅમેરા, માઇક્રોફોન, લોકેશન વગેરેની અને અમુક ચોક્કસ સમય સુધી એનો ઉપયોગ કરવામાં ન આવે અને તો ક્રોમ ઑટોમૅટિક એ પરમિશનને રીવોક કરશે એટલે કે પાછી ખેંચી લેશે. આથી જે-તે કંપનીની વેબસાઇટ યુઝર્સના ડેટાને સ્ટડી નહીં કરે. આ સાથે જ સિક્યૉરિટી લેયરમાં પણ વધારો કરવામાં આવી રહ્યો છે જેથી વેબસાઇટ લિમિટેડ સેન્સિટિવ ઇન્ફર્મેશનનો ઉપયોગ કરે નહીં કે તમામ માહિતીનો. આ સાથે જ સતત નોટિફિકેશન મોકલતી વેબસાઇટને પણ હવે ક્રોમ હાઇલાઇટ કરશે જેથી યુઝર એને કન્ટ્રોલમાં રાખી શકે.

પર્ફોર્મન્સ કન્ટ્રોલ
ગૂગલ દ્વારા ગયા વર્ષે મેમરી સેવર મોડ શરૂ કરવામાં આવ્યો હતો, પરંતુ હવે ગૂગલ દ્વારા એક સ્ટેપ આગળ વધીને પર્ફોર્મન્સ કન્ટ્રોલ ફીચર પર કામ કર્યું છે. આ ફીચરની મદદથી ક્રોમ વધુ સ્મૂધ ચાલશે, કારણ કે હવે યુઝર જાણી શકશે કે તેની કઈ ટૅબ કેટલી મેમરીનો ઉપયોગ કરે છે અને એ પર્ફોર્મન્સ પર કેટલી અસર કરી રહી છે. આ માટે ફક્ત ટૅબ પર કર્સર લઈ જવાનું રહેશે જેથી કેટલી મેમરીનો ઉપયોગ ટૅબ કરી રહી છે એ ખબર પડી શકે. આ સાથે જ ટૅબ જ્યારે ઇનઍક્ટિવ હોય અને એમ છતાં મેમરી ઉપયોગ કરી રહી હોય તો એને બંધ કરી શકાય છે જેથી ક્રોમનો પર્ફોર્મન્સ સારો રહે અને કમ્પ્યુટર હૅન્ગ નહીં થાય. આ સાથે જ ક્રોમ દ્વારા થ્રી-ડૉટ સેટિંગ્સમાં મોર ટૂલમાં પર્ફોર્મન્સમાં ઑલ્વેઝ ઍક્ટિવ વેબસાઇટનું ફીચર પણ આપવામાં આવ્યું છે. મેમરી સેવર ટૂલમાં ઑટોમૅટિંગ વેબસાઇટ ઍક્ટિવ ન હોય તો એને રીસ્ટ્રિક્ટ કરે છે જેથી એ રીફ્રેશન થાય, પરંતુ આ ફીચરમાં વેબસાઇટ ઍડ કરી હોવાથી એ હંમેશાં ઍક્ટિવ રહેશે.

સેવ ટૅબ ગ્રુપ
ગૂગલ ક્રોમમાં હવે એકસાથે ઘણીબધી ટૅબને ગ્રુપમાં સેવ કરવાનો ઑપ્શન આપવામાં આવ્યો છે. યુઝર જ્યારે એકસાથે એક કરતાં વધુ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો હોય અને એ દરેક પ્રોજેક્ટ માટે ઘણીબધી વેબસાઇટ ઓપન કરવી પડે એમ હોય ત્યારે એ દરેક ટૅબને ગ્રુપમાં સેવ કરી ઓપન કરી શકાય છે જેથી ટૅબ મિસ-મૅચ ન થાય. આ સાથે જ એ દરેક ટૅબ ગ્રુપને સેવ કરવાનો પણ ઑપ્શન આપવામાં આવ્યો છે. આથી યુઝર લૅપટૉપમાં કામ કરી રહ્યો હોય અને એ દરેક ટૅબને અન્ય ડિવાઇસ એટલે કે મોબાઇલમાં પણ ઓપન કરવા માગતો હોય તો એ કરી શકાશે.
આ સાથે જ ગૂગલ આવતા વર્ષે ક્રોમના નવા વર્ઝનમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવા જઈ રહ્યા છે. એનાથી ક્રોમ વધુ સ્માર્ટ અને સિક્યૉર બનશે.

technology news columnists harsh desai