ફિકરની ફાકી કરો, કામ કરો ભાઈ કામ કરો...

18 August, 2025 02:50 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એક મિત્રએ મને કહ્યું, ‘મને તો સમજ નથી પડતી કે આ મારું શરીર મારું મિત્ર છે કે દુશ્મન? મિત્ર હોય તો પણ એ દગાખોર લાગે છે.

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

એક મિત્રએ મને કહ્યું, ‘મને તો સમજ નથી પડતી કે આ મારું શરીર મારું મિત્ર છે કે દુશ્મન? મિત્ર હોય તો પણ એ દગાખોર લાગે છે. મારા શરીરના કિલ્લાની અંદર એ ઓચિંતો હુમલો કરે છે અને મને જાણે છિન્નભિન્ન કરી નાખે છે.’ આવી મૂંઝવણ ઘણાને થતી હોય છે. રમણ મહર્ષિ તો કહી ગયા કે તમે માત્ર શરીર જ છો એમ સમજીને શરીરનાં દુ:ખો ભોગવો પણ તમારી જાતને પ્રશ્ન પૂછો કે હું કોણ છું, આ શરીર કે આત્મા? પણ તેઓ તો મહાન સંત હતા, સામાન્ય માનવીનું શું? સામાન્ય માનવી પાસે આટલી ઊંચી અપેક્ષા ન રાખી શકાય. પણ આપણા જેવા સામાન્ય મનુષ્યો પણ શરીરની બીમારીઓનો મુકાબલો આસાનીથી કરી શકે છે. આ શરીર તમારું દુશ્મન નથી, મિત્ર છે. ડૉ. રવિ બાપટે ‘સ્વાસ્થ્ય વેધ’ પુસ્તકમાં લખ્યું છે કે શરીરની સિત્તેર ટકા બીમારીઓ માટે કોઈ દવાની જરૂર હોતી નથી. છતાં શરીરની નાની કે મોટી બીમારીથી માણસ ગભરાઈ જાય છે. એનું કારણ શું? એનું કારણ એક જ છે. માણસ કબૂલ કરે કે ન કરે, તેને પોતાની નાની કે મોટી માંદગીની પાછળ મોત ઊભેલું દેખાય છે. હકીકતમાં રોગ અને મૃત્યુને કોઈ જ સંબંધ નથી. ડૉ. મનુ કોઠારીએ આ વાત તેમના લગભગ દરેક પુસ્તકમાં સમજાવી છે. માણસ તદ્દન સાજો હોય અને અચાનક વહેલી સવારે તેનું હાર્ટ-અટૅકથી મૃત્યુ થયું હોય એવા ઘણા કિસ્સાઓ છે. બીજી વાત એ પણ છે કે શરીર તમારું મિત્ર જ છે, પણ એની સાથે દુશ્મનાવટની શરૂઆત તમે પોતે જ કરો છો. તમે તમારા મગજ પર અકારણ ભાર ઊભો કરતા રહો છો. તમને કશી નિસબત નથી એવી વ્યક્તિઓ અને બાબતોનો બોજો તમારા મગજ પર લાદો છો. પેલા માણસને ખોટી રીતે પ્રમોશન મળી ગયું. પેલો માણસ ઘાલમેલ કરીને ખૂબ કમાઈ ગયો. પેલો મર્સિડીઝ ગાડીમાં ફરતો થઈ ગયો. આવા બિલકુલ ખોટા બોજા અમુક માણસો પોતાના મગજ પર લાદે છે. નાની-નાની વાતમાં માણસ મોટો આઘાત હૃદયને પહોંચાડતો રહે છે. દીકરા-દીકરી પરીક્ષા આપવાનાં હોય તો તેમને અભ્યાસમાં થાય તો મદદ કરો. તેમના નાસ્તા-પાણીનું ધ્યાન રાખો. પણ તમે પોતે જ પરીક્ષા આપવાના હો એવી તંગદિલી અનુભવો તો એની અસર તમારા આરોગ્ય પર પડે જ છે. શરીર માણસની મોટી સંપત્તિ છે પણ આપણે બીજી ભૌતિક સંપત્તિની ખોજ અને રક્ષામાં એટલાબધા ખોવાઈ ગયા છીએ કે શરીરની સંપત્તિની કદર કરી શકતા નથી. ઘણી વાર મનની બળતરા (કારણ વગરની) બંધ કરવાથી છાતીની બળતરા મટી જતી હોય છે. તંદુરસ્ત રહેવા માટે અનુભવાનંદજીએ લખ્યું છે, ‘ફિકરની ફાકી કરો. કામ કરો ભાઈ કામ કરો.’

-હેમંત ઠક્કર

health tips mental health life and style columnists gujarati mid day mumbai