કૅન્સરની સારવાર અકસીર છે, હવે અફૉર્ડેબલ બનાવો

04 February, 2023 03:04 PM IST  |  Mumbai | Jigisha Jain

કૅન્સરના દરદીઓ વધી રહ્યા છે એની સાથે-સાથે ઇલાજમાં પણ ઍડ્વાન્સમેન્ટ અને અસરકારકતા વધી છે. આને કારણે વધુ ને વધુ દરદીઓ કર્કરોગને માત આપીને નૉર્મલ જીવન જીવવા સક્ષમ બની રહ્યા છે. જોકે હવે મોટી તકલીફ એ છે કે સારવાર અતિશય મોંઘી છે.

પ્રતીકાત્મક તસવીર


સરકારી આંકડાઓ અનુસાર ૨૦૨૨માં કૅન્સરના ૧૪,૬૧,૪૨૭ કેસ નોંધાયા છે. એ અનુસાર દર એક લાખ લોકોએ ૧૦૦ લોકોને ભારતમાં કૅન્સર છે. ભારતમાં દર નવમાંથી એક વ્યક્તિને તેના જીવનકાળ દરમિયાન કૅન્સર થાય જ છે.  પુરુષોમાં ફેફસાંનું કૅન્સર અને સ્ત્રીઓમાં બ્રેસ્ટ-કૅન્સર સૌથી વધુ જોવા મળતું કૅન્સર છે, જ્યારે ૦-૧૪ વર્ષ સુધીનાં બાળકોમાં લિમ્ફોઇડ લ્યુકેમિયા વધુ જોવા મળતો પ્રકાર છે. ૨૦૨૦માં જે ગણતરી થયેલી એ મુજબ એ વર્ષે કુલ ૧૩,૯૨,૧૭૯ દરદીઓને કૅન્સર હતું. સૌથી વધુ ચિંતાજનક વાત એ છે કે ૨૦૨૫ સુધીમાં દરદીઓમાં ૧૨.૮ ટકા જેટલો વધારો જોવા મળશે. કૅન્સરમાં થતો આ વધારો ઘણો જ ચિંતાજનક છે. આ આંકડો સૂચવે છે કે ભારતે આટલા દરદીઓના ઇલાજ માટેની વ્યવસ્થા કરવી પડશે. દેશમાં ઉપલબ્ધ મેડિકલ કૅરને વધુ સુદૃઢ બનાવવી પડશે. લોકોને સારામાં સારો ઇલાજ મળવો જોઈએ એ વાત તો સાચી, પરંતુ એ લોકોને ઇલાજ પોસાય એનું પણ ધ્યાન રાખવું પડશે. ભારતની જે પરિસ્થિતિ છે એ જ સમગ્ર દુનિયાની પણ છે. આ વખતે વિશ્વ કૅન્સર દિવસની થીમ રાખવામાં આવી છે - ક્લોઝ ધ કૅર ગૅપ એટલે કે કૅન્સરના દરદીઓની કાળજીમાં જે કચાશ રહે છે એને પૂરી કરવામાં આવે. 

જલદી નિદાન 
આ કચાશમાં સૌથી મહત્ત્વની બાબત હજી પણ જાગૃતિનો અભાવ છે. એ વિશે વાત કરતાં ડૉ. અતુલ નારાયણકર કહે છે, ‘મોટા ભાગનાં કૅન્સર થવા પાછળનાં કારણોમાં મુખ્ય કારણ તમાકુ છે. જે લોકો એનું સેવન કરે છે એ બધાને ખબર છે કે એ કેટલું હાનિકારક છે, પરંતુ આટઆટલી જાગૃતિ છતાં એ બંધ નથી થઈ રહ્યું. મારા મતે જે સમાજસેવી સંસ્થાઓ નશામુક્તિ કેન્દ્રો ચલાવે છે એમનો વ્યાપ અને જાગૃતિ બંને વધવાં જોઈએ. બીજું એ કે હજી પણ એવું બને છે કે લોકો ત્રીજા કે ચોથા સ્ટેજ પર અમારા સુધી પહોંચે છે. કૅન્સર કૅરમાં સૌથી મહત્ત્વનું છે જલદી નિદાન. થોડાં પણ ચિહનો સમજમાં આવે તો તાત્કાલિક દરદીએ સજાગ થવું જરૂરી છે. મુંબઈ જેવા શહેરમાં જાગૃતિ સારી છે, પણ નાની જગ્યાઓ પર હજી ઘણું કામ કરવું પડે એમ છે. મુંબઈ એક એવું શહેર છે જ્યાં કૅન્સરના ઇલાજ માટે સમગ્ર ભારતમાંથી લોકો આવે છે. કૅન્સર એક સામાન્ય રોગ છે અને એનો ઇલાજ બધે જ ઉપલબ્ધ હોવો જોઈએ. પહેલાં કરતાં નાનાં શહેરોમાં આજે કૅન્સરના ઇલાજની સુવિધા ઉપલબ્ધ છે; પરંતુ વધુ ને વધુ કૅન્સર હૉસ્પિટલ દરેક શહેરમાં હોવી જોઈએ, જેથી નિદાન અને ઇલાજમાં સુવિધા રહે.’ 

ખર્ચ બેફામ
કૅન્સરનો ઇલાજ વ્યાપક રીતે ઉપલબ્ધ છે, પરંતુ એ ખૂબ મોંઘો હોય છે. એક તો એનો ઇલાજ ઓછામાં ઓછાં બે વર્ષથી લઈને ૧૦ વર્ષ સુધી ચાલતો હોય છે. આ પરિસ્થિતિ વિશે ભક્તિવેદાંત હૉસ્પિટલ અને રિસર્ચ સેન્ટરના ઑન્કોલૉજી વિભાગના હેડ ડૉ. નિર્મલ રાઉત કહે છે, ‘સરકારની ગરીબ લોકો માટે યોજનાઓ છે. મહારાષ્ટ્રમાં પીળા અને કેસરી રૅશનકાર્ડહોલ્ડર માટે મહાત્મા જ્યોતિબા ફુલે યોજના છે જેને લીધે તેમનો ઇલાજ ફ્રી થઈ શકે છે જે બધાને ખબર નથી હોતી. જોકે એમાં પણ તેમણે બાયોપ્સી, સ્કૅન કે ટેસ્ટના પૈસા ભરવા પડે છે જે ખર્ચ દરેક વ્યક્તિ નથી કરી શકતી. કૅન્સરનો ઇલાજ લાંબો અને ખર્ચાળ બંને છે. એની દવાઓ મોંઘી છે. આ ક્ષેત્રમાં સરકારી સ્કીમ્સ સિવાય સમાજસેવી સંસ્થાઓ અને દાતાઓની મદદ દરદીઓને સતત મળતી રહે એ જરૂરી છે.’ 

ડૉ. અતુલ નારાયણકર, ડૉ. સુહાસ આગ્રે, ડૉ. નિર્મલ રાઉત

ઇલાજ મોંઘોદાટ
કૅન્સર એટલે કૅન્સલ એ પરિભાષા છેલ્લા દસકામાં મેડિકલ સાયન્સે બદલી છે. સમાજમાં નજર ફેરવીએ તો ઘણા લોકો મળી રહેશે જેમને ક્યારેક કૅન્સર હતું, પણ ઇલાજ પછી અત્યારે તેઓ એક સારું જીવન જીવી રહ્યા છે. કૅન્સરનો ઇલાજ દિવસે ને દિવસે ઍડ્વાન્સ થતો જાય છે. કીમોથેરપી, રેડિયેશન, સર્જરી, ઓરલ મેડિકેશન જેવા અલગ-અલગ ઇલાજો કૅન્સરમાં મુખ્ય રીતે કામ લાગી રહ્યા છે. એ બધા ઇલાજ પહેલાં કરતાં ઘણા ઍડ્વાન્સ સ્ટેજમાં છે અત્યારે. વધુ ને વધુ અસરકારક અને ઓછામાં ઓછી સાઇડ ઇફેક્ટ ધરાવતી સારવાર શક્ય છે. બીજું ઇલાજ ચાલી રહ્યો છે ત્યારે દરદીને થતી તકલીફો જેમ કે નોશિયા, ભૂખ ન લાગવી કે ખૂબ જ કમજોરી આવી જવી વગેરેને સપોર્ટિવ કૅર દ્વારા સારી રીતે મૅનેજ કરી શકાય છે. એને લીધે ઇલાજ દરમિયાન દરદીએ વધુ સહન નથી કરવું પડતું.  

ઇમ્યુનોથેરપી 
કૅન્સરના ઍડ્વાન્સ ઇલાજ  વિશે વાત કરતાં એશિયન કૅન્સર ઇન્સ્ટિટ્યૂટ અને કૅન્સર કૅર ક્લિનિક, ચેમ્બુરના કન્સલ્ટન્ટ મેડિકલ ઑન્કોલૉજિસ્ટ અને હિમેટો-ઑન્કોલૉજિસ્ટ ડૉ. સુહાસ આગ્રે કહે છે, ‘ઇમ્યુનોથેરપી એક એવી થેરપી છે જેમાં ઇમ્યુનિટીને બૂસ્ટ કરવામાં આવે છે. એના દ્વારા કૅન્સરના કોષો જોડે શરીર ખુદ લડવા માટે સક્ષમ બને છે. કીમો કરતાં એ ઘણી ઍડ્વાન્સ થેરપી છે અને એની સાઇડ ઇફેક્ટ્સ પણ ઘણી ઓછી છે. કીમોની જેમ એ પણ એક ડે-કૅર પ્રોસીજર જ છે. બીજી એક થેરપી છે જેને ટાર્ગેટેડ થેરપી કહેવાય છે. શરીરના જે ભાગમાં તમને કૅન્સર છે એ જ ભાગ પર એ કામ કરે છે. જેમ કે તમને ફેફસાંનું કૅન્સર છે તો આ ઇલાજની અસર ફેફસાં પર જ થશે. દરદીના આખા શરીરને નુકસાન નથી પહોંચતું. એને લીધે વાળ નહીં ખરે કે પાચનક્રિયા પર અસર પણ નહીં પડે.’

ઇલાજનું ભવિષ્ય 
ઍડ્વાન્સ તકનીક અને ઇલાજ વિશે વાત કરતાં વૉકહાર્ટ હૉસ્પિટલ, મીરા રોડના કન્સલ્ટન્ટ ઑન્કોલૉજિસ્ટ ડૉ. અતુલ નારાયણકર કહે છે, ‘અમુક દરદીઓમાં કૅન્સરનું કારણ તેમનામાં આવેલા જિનેટિક ફેરફાર પણ હોઈ શકે છે. આજની તારીખે નેક્સ્ટ જનરેશન સીક્વન્સિંગ નામની એક ટેસ્ટ હોય છે. એમાં ખબર પડે છે કે દરદીના કયા-કયા જીન્સ મ્યુટેટ થયા છે. એને ઠીક કરવાથી દરદીનું કૅન્સર ક્યૉર કરી શકાય છે. જીન્સનું મ્યુટેશન દરેક દરદીમાં થતું નથી. જેમનામાં નથી થતું તેમનામાં નૉર્મલ ઇલાજ જ કરવાનો રહે છે. મેડિકલ સાયન્સની એક બ્રાન્ચ છે જે માને છે કે ઇલાજ હંમેશાં વ્યક્તિગત હોવો જોઈએ. દરેક કૅન્સરનો દરદી જુદો હોય છે અને દરેકનું કૅન્સર પણ જુદું હોય છે એટલે દરેક માટેનો ઇલાજ પણ જુદો-જુદો હોવો જોઈએ. ભવિષ્યમાં આ બાબતે વધુ સારું કામ અને ઘણાં સારાં રિઝલ્ટ જોવા મળશે. જેમ-જેમ કૅન્સરના દરદીઓ વધતા જાય છે એમ-એમ કૅન્સરનો ઇલાજ વધુ ને વધુ ઍડ્વાન્સ બનતો જાય છે. ભલે એ નવી તકનીક છે એટલે હાલમાં મોંઘી છે, પણ ધીમે-ધીમે જન-જન સુધી એ પહોંચી શકશે.’ 

ખર્ચો કેટલો થાય છે?
આમ તો દરેક કૅન્સરનો દરદી અને ઇલાજની જરૂર અલગ હોય છે. એક દરદીને એક કરતાં વધુ પ્રકારની ટ્રીટમેન્ટની જરૂર રહેતી હોય છે. ઘણા દરદીઓને સર્જરી પછી કીમો જ આપવામાં આવે છે, રેડિયેશન નહીં. આમ કુલ મળીને ખર્ચો લાખોમાં પડે છે. 
ટાર્ગેટેડથેરપી : આમ તો એ ટાર્ગેટ પર નિર્ભર કરે છે. જેમ કે ફેફસાંનું કૅન્સર હોય તો દર મહિને ૫,૦૦૦ રૂપિયાની 
ટ્રીટમેન્ટ ઓછામાં ઓછું એક વર્ષ ચાલે છે. 
ઇમ્યુનોથેરપી : ૧ વર્ષના 
૨૪ લાખ
કીમોથેરપી :  ૫૦,૦૦૦થી 
એક લાખ રૂપિયા 
રેડિયેશન : ૧.૫ લાખથી બે લાખ ૨૫થી ૩૦ સેશન્સના 
સર્જરી :  એક લાખથી 
પાંચ  લાખ

health tips cancer Jigisha Jain gujarati mid-day