શું મારું મેનોપૉઝ જલદી આવી જશે?

04 May, 2021 02:16 PM IST  |  Mumbai | Dr. Jayesh Sheth

હું એકદમ મારી મમ્મી જેવી જ છું. દેખાવમાં, સ્વભાવમાં, બધી રીતે. શું મને પણ મેનોપૉઝ જલદી આવી જશે? અને જો એવું હોય તો કોઈ રીતે હું એને પાછો ઠેલી શકું? 

GMD Logo

હું ૩૫ વર્ષની યુવતી છું. મારી મમ્મી જ્યારે ૪૦ વર્ષની હતી ત્યારે તેમનો મેનોપૉઝ શરૂ થઈ ગયો હતો. ૫૦ વર્ષની ઉંમરે તેને હાર્ટ-અટૅક આવ્યો હતો. ડૉક્ટરે કહ્યું હતું કે તેમનો મેનોપૉઝ જલદી શરૂ થવાને લીધે તેમને હાર્ટ-અટૅક સામે રક્ષણ ન મળ્યું. હું એકદમ મારી મમ્મી જેવી જ છું. દેખાવમાં, સ્વભાવમાં, બધી રીતે. શું મને પણ મેનોપૉઝ જલદી આવી જશે? અને જો એવું હોય તો કોઈ રીતે હું એને પાછો ઠેલી શકું? 
 
પિરિયડ્સ સંપૂર્ણ રીતે બંધ થઈ જાય એ અવસ્થા એટલે મેનોપૉઝ. સામાન્ય રીતે ભારતમાં સ્ત્રીઓને આ સમય ૫૦ વર્ષની ઉંમર આસપાસ આવે છે. જો ૪૦ વર્ષ આસપાસ સ્ત્રીને એ સમય આવે તો એને અર્લી મેનોપૉઝ કહે છે. જો ૩૫ વર્ષ આસપાસ આવે તો એને પ્રી-મૅચ્યોર મેનોપૉઝ કહે છે. મેનોપૉઝ જેટલો મોડો આવે એટલું સ્ત્રીનું જીવન વધુ સુખી અને હેલ્ધી એમ કહી શકાય. કારણ કે પિરિયડ્સ દ્વારા ઉદ્ભવતાં હૉર્મોન્સ ઘણા રોગ સામે રક્ષણ આપે છે. જેમાંનો હાર્ટ-અટૅક એક રોગ છે. યુવાન સ્ત્રીઓમાં એટલે જ હાર્ટ-અટૅકનું પ્રમાણ ઘણું ઓછું જોવા મળે છે. જેવું મેનોપૉઝ આવે એવું સ્ત્રી અને પુરુષ બન્નેમાં આ રોગનું રિસ્ક એકસમાન બની જાય છે. એટલે કે ૫૫ વર્ષના પુરુષમાં હાર્ટ-અટૅકનું જોખમ જેટલું છે એટલું જ એક સ્ત્રીમાં પણ રહેલું છે, કારણ કે ત્યાં સુધીમાં સ્ત્રીનું મેનોપૉઝ આવી ગયું હોય છે. તમારી મમ્મીને મેનોપૉઝ વહેલું આવી જવાને કારણે ૫૦ વર્ષે હાર્ટ-અટૅક સામે જે બીજી સ્ત્રીઓને મળે છે એ રક્ષણ તેમને ન મળ્યું. 
બીજી મહત્ત્વની વાત એ છે તમે પૂછ્યું છે કે તમને મેનોપૉઝ જલદી આવી જશે? તો આ બાબતે કહી શકાય કે મેનોપૉઝ વારસાગત બાબત છે. એટલે કે જો તમારી મમ્મીને વહેલું આવ્યું હોય તો તમને પણ આવી શકે એની શક્યતા વધારે છે. મેનોપૉઝ એના પર પણ અવલંબે છે કે છોકરી કેટલા એગ સાથે જન્મી છે. એ માટે એએમએચ રિપોર્ટ કઢાવી શકાય. જેના દ્વારા તમને ક્યારે મેનોપૉઝ આવશે એની જાણકારી મળી શકે. એ સિવાય તમે તમારું વજન જાળવી રાખીને, લાઇફ-સ્ટાઇલ સારી રાખીને, રેગ્યુલર એક્સરસાઇઝ કરીને પણ મેનોપૉઝને પાછળ ઠેલી શકો છો અને જો મેનોપૉઝ જલદી આવી પણ ગયું તો એને કારણે બીજા રોગ જેમ કે હાર્ટ-અટૅક સામે પણ રક્ષણ મળશે. 

health tips life and style