મિસકૅરેજ પછી ફરી વખત મા બની શકીશ?

18 January, 2022 01:26 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ડૉક્ટર પાસે ટેસ્ટ કરાવ્યા પરથી સમજાયું કે મને ક્રોમોસોમલ પ્રૉબ્લેમ્સને કારણે એટલે કે જિનેટિક ડિફેક્ટને કારણે મિસકૅરેજ થયેલું. મને સમજવું છે કે જીવનમાં હું ફરી વાર મા બની શકીશ કે નહીં?  

પ્રતીકાત્મક તસવીર

મારી ઉંમર ૩૨ વર્ષ છે. છેલ્લા બે સમયથી મને ગર્ભ રહે છે પરંતુ ટકતો નથી. પહેલીવાર તો લગભગ જાણબહાર જ મિસકૅરેજ થઈ ગયેલું અને બીજી વાર ઘણી સાવધાની છતાં મિસકૅરેજ ટાળી ન શકાયું. હવે અમે ફરીથી પ્રયત્ન કરી રહ્યા છીએ. ડૉક્ટર પાસે ટેસ્ટ કરાવ્યા પરથી સમજાયું કે મને ક્રોમોસોમલ પ્રૉબ્લેમ્સને કારણે એટલે કે જિનેટિક ડિફેક્ટને કારણે મિસકૅરેજ થયેલું. મને સમજવું છે કે જીવનમાં હું ફરી વાર મા બની શકીશ કે નહીં?     

જ્યારે મિસકૅરેજ થાય છે ત્યારે એ જાણવું જરૂરી છે કે આ મિસકૅરેજ પાછળનું શું કારણ છે. આ કારણ જાણ્યા પછી જ એનો ઉપાય શક્ય છે. જ્યારે તમારું પહેલું મિસકૅરેજ થયું હતું ત્યારે તમારે આ કરવાની જરૂર હતી. છતાં પણ સારી બાબત એ છે કે તમે બીજી વાર પછી એ જાણ્યું કે તમારા મિસકૅરેજ પાછળ શું જવાબદાર છે. ક્રોમોસોમલ ડિફેક્ટને જિનેટિક ડિફેક્ટ પણ કહે છે, જે મોટા ભાગે પરિવારમાં જ લગ્ન કર્યા હોય એ વ્યક્તિઓમાં વધુ જોવા મળે છે. આમાં પ્રેગ્નન્સીના પહેલા ૩ મહિનામાં જ મિસકૅરેજ થવાની શક્યતા રહેલી હોય છે. આ પ્રૉબ્લેમ તે વ્યક્તિને થાય છે જેના પરિવારમાં આ પ્રૉબ્લેમ પહેલેથી જ હોય અથવા જે સ્ત્રી ૩૫ વર્ષથી વધુ ઉંમરે પ્રેગ્નન્ટ બની હોય. જ્યારે સ્ત્રીને મિસકૅરેજ થાય ત્યારે અમુક પ્રકારની ટેસ્ટ વડે તે જાણી શકાય છે કે તેના મિસકૅરેજ પાછળ આ ક્રોમોસોમલ ડિફેક્ટ કારણભૂત છે કે નહીં. સ્ત્રીના શરીરમાં X ક્રોમોસોમ્સ રહેલા હોય છે અને પુરુષના શરીરમાં X અને Y ક્રોમોસોમ્સ રહેલા હોય છે. આ ક્રોમોસોમ્સની સંખ્યા શરીરમાં ૪૬ જેટલી હોય છે. સ્ત્રીનું અંડકોષ ૨૩ X-ક્રોમોસોમ્સનું બનેલું હોય છે અને પુરુષના શુક્રાણુ ૨૩ X અથવા ૨૩ Y ક્રોમોસોમ્સ ધરાવે છે. આ બન્ને મળે ત્યારે તે અૅગ ૪૬ ક્રોમોસોમ્સ ધરાવતું બને છે અને ધીમે-ધીમે તેમાંથી જીવ આકાર લે છે. હવે જ્યારે આ અૅગમાં આ ક્રોમોસોમ્સની સંખ્યા ૪૬ની બદલે ૪૫ કે ૪૭ એમ ઓછી કે વધુ થઈ જાય ત્યારે કુદરત તેને સ્વીકારતી નથી અને એનો થોડી વૃદ્ધિ બાદ નાશ કરે છે. આખી પ્રોસેસને ક્રોમોસોમલ ડિફેકટને કારણે થયેલું મિસકૅરેજ કહે છે. તમારે ભવિષ્યમાં બાળક માટે જિનેટિક કાઉન્સેલિંગ માટે જવું જરૂરી છે. એ રિપોર્ટ જોયા વગર કંઈ કહી શકાય નહીં. કાઉન્સેલર તમારા રિપોર્ટના આધારે તમને જે સૂચવે એ તમારે નક્કી કરવું. 

columnists health tips