પુરુષોએ ટાઇટ બેલ્ટ, અન્ડરવેઅર શા માટે ન પહેરવાં જોઈએ?

29 May, 2025 12:33 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ટાઇટ બેલ્ટ કે અન્ડરવેઅર પહેરવાનું પુરુષોમાં ખૂબ સામાન્ય હોય છે. જોકે તેમની આ આદત શરીર માટે ખૂબ જોખમી છે

પ્રતીકાત્મક તસવીર

લાંબા સમય સુધી ટાઇટ બેલ્ટ કે ટાઇટ અન્ડરવેઅર પહેરી રાખવાથી પેટના ભાગ પર વધુ પ્રેશર આવે છે, જે લાંબા ગાળે સ્વાસ્થ્ય સંબંધિત અનેક સમસ્યાઓ સરજી શકે છે.

ફર્ટિલિટી ઘટાડે : ટાઇટ બેલ્ટ પહેરવાથી પુરુષોની ફર્ટિલિટી પર ખરાબ અસર થઈ શકે છે. ટેસ્ટિકલ્સને યોગ્ય રીતે સ્પર્મનું ઉત્પાદન કરવા માટે શરીરના ટેમ્પરેચરથી થોડા ઠંડા રહેવું જરૂરી છે. ટાઇટ બેલ્ટ કે ટાઇટ કપડાંથી ટેસ્ટિક્યુલર એરિયાનું ટેમ્પરેચર વધી શકે છે, જે સ્પર્મના ઉત્પાદનને ઘટાડી શકે છે. ટાઇટ બેલ્ટ કે અન્ડરવેઅર પહેરવાથી લોઅર ઍબ્ડોમિનલ અને ગ્રોઇન એરિયા (જ્યાં પેટ અને પગ મળે છે)માં લોહીનો પ્રવાહ પ્રભાવિત થઈ શકે છે. ફર્ટિલિટી માટે બ્લડ-સર્ક્યુલેશન જરૂરી હોય છે, કારણ કે એનાથી ઑક્સિન અને ન્યુટ્રિઅન્ટ્સ ટેસ્ટિકલ્સ સુધી પહોંચે છે. ટાઇટ કપડાં અને બેલ્ટ ટેસ્ટિક્યુલર વેઇન્સમાં સોજો વધારી શકે છે, જે પુરુષોમાં જોવા મળતી ઇનફર્ટિલિટીનું એક કારણ છે.

પાચનતંત્રની સમસ્યા : ટાઇટ બેલ્ટ પેટ પર દબાવ નાખે છે, જેનાથી પેટનું ઍસિડ ઉપરની તરફ આવી શકે છે. આ સ્થિતિમાં હાર્ટ-બર્ન એટલે છાતીમાં બળતરા અને ઍસિડ રિફ્લક્સ થઈ શકે છે. ટાઇટ બેલ્ટ ગૅસ અને ભોજનના પ્રવાહને બાધિત કરી શકે છે. એને કારણે પેટ ફૂલવું, કબજિયાત અને અપચો જેવી સમસ્યા થઈ શકે છે.

ઇમ્યુનિટી ઘટાડે : ટાઇટ બેલ્ટ કે અન્ડરવેઅર પહેરવાથી લિમ્ફેટિક સિસ્ટમ પર નકારાત્મક પ્રભાવ પડે છે, જે ઇમ્યુન સિસ્ટમ માટે મહત્ત્વપૂર્ણ છે. લિમ્ફેટિક સિસ્ટમ શરીરમાંથી ઝેરી પદાર્થો કાઢવાનું કામ કરે છે. લિમ્ફેટિક સિસ્ટમમાં લિમ્ફ ફ્લુઇડ હોય છે જે વાઇટ બ્લડ-સેલ્સને શરીરના વિભિન્ન અંગ સુધી પહોંચાડવાનું કામ કરે છે. ટાઇટ બેલ્ટ પહેરવાથી આ પ્રવાહ બાધિત થાય છે. એને કારણે શરીરની ઇન્ફેક્શન સામે લડવાની ક્ષમતા ઓછી થાય છે.

પીઠમાં દુખાવો : ટાઇટ બેલ્ટ કે અન્ડરવેઅર પહેરવાથી કમરની ચારેય બાજુ દબાણ વધે છે, જેને કારણે કરોડરજ્જુની ફ્લેક્સિબિલિટી ઓછી થતી જાય છે અને એની કઠોરતા વધી શકે છે. એને કારણે પીઠના નીચેના ભાગમાં દુખાવો થઈ શકે છે. ટાઇટ બેલ્ટ પહેરવાથી કમર અને કરોડરજ્જુની નસો પર દબાવ વધી શકે છે, જેનાથી નર્વ કમ્પ્રેશન થઈ શકે છે. એવામાં પીઠના નીચેના ભાગમાં દુખાવો, ઝણઝણાટી, સુન્ન પડી જવાની સમસ્યા થઈ શકે છે. લાંબા સમય સુધી ટાઇટ બેલ્ટ પહેરવાથી પીઠ અને પેટની માંસપેશીઓની સક્રિયતા ઓછી થઈ શકે છે, જેનાથી માંસપેશીઓ નબળી પડી શકે છે. એનાથી કરોડરજ્જુને આવશ્યક સપોર્ટ ન મળવાથી પીઠમાં દુખાવો અને અન્ય સમસ્યા થઈ શકે છે.

health tips life and style overweight columnists gujarati mid-day mumbai