સ્મોકર્સના હોઠ બ્લૅક કેમ પડી જાય છે?

26 July, 2021 12:02 PM IST  |  Mumbai | Varsha Chitaliya

હવે જ્યારે તમે હોઠની કાળાશનાં કારણો જાણી લીધાં છે તો એને દૂર કરવાના ઉપાયો વિશે વાત કરીએ.

સિગારેટમાંથી નીકળતી ગરમી સામે મેલૅનિન નામનું રસાયણ રીઍક્ટ કરે છે

સિગારેટના ધુમાડામાં રહેલા નિકોટિન અને ટારને કારણે હોઠની ત્વચામાં હાઇપરપિગ્મેન્ટેશન થાય છે. ડ્રાય અને બ્લૅક પડી ગયેલા આવા લિપ્સને હેલ્ધી, સૉફ્ટ અને ઓરિજિનલ કલરવાળા રાખવા શું કરવું એ જાણી લો

ગ્રૂમિંગને લઈને હવે પુરુષોમાં ઘણી સભાનતા આવી છે. જોકે સ્મોકિંગ કરતા પુરુષો હોઠની સંભાળ બાબતે બેદરકાર જોવા મળે છે. સિગારેટના ધુમાડાને લીધે તેમના હોઠનો રંગ કાળો પડી જાય છે. તમને પણ સ્મોકિંગની ટેવ હોય અથવા વ્યસન છોડ્યા બાદ હોઠની કાળાશ દૂર કરવાનો પ્રયાસ ચાલતો હોય તો અહીં આપેલી માહિતી તમારા કામની છે.

ધૂમ્રપાન, તમાકુ અને ચા અથવા કૉફીના અતિરેકથી હોઠનો કુદરતી રંગ બદલાઈ જાય છે. પુરુષોમાં આ ત્રણેય બાબત સામાન્ય છે એમ જણાવતાં મીરા રોડની વૉકહાર્ટ હૉસ્પિટલનાં ડર્મેટોલૉજિસ્ટ ડૉ. મધુલિકા મ્હાત્રે કહે છે, ‘સિગારેટના ધુમાડામાંથી ફેંકાતાં હાનિકારક રસાયણો તમારા શરીરને એક અથવા બીજી રીતે અસર કરે છે. ‘ધૂમ્રપાન સ્વાસ્થ્ય કે લિએ હાનિકારક હૈ’ એ કહેવાની જરૂર નથી. સ્મોકિંગની ટેવ ત્વચા માટે પણ નુકસાનકારક છે. નિયમિત રીતે ધૂમ્રપાન કરવાથી હોઠ સુકાઈ જાય છે, ત્વચા પર પોપડીઓ બને છે અને હાઇપરપિગ્મેન્ટેશન થાય છે. ધુમાડામાં હાજર નિકોટિન અને ટારથી હોઠની સંવેદનશીલ ત્વચા પર તીવ્ર બળતરા થાય છે. શરીરના આ ભાગની ત્વચા પાતળી હોવાથી રક્તિવાહિનીઓ પર દબાણ આવતાં ધીમે-ધીમે એનો કુદરતી રંગ છૂટવા લાગે છે.’

સિગારેટમાંથી નીકળતી ગરમી સામે મેલૅનિન નામનું રસાયણ રીઍક્ટ કરે છે એવી માહિતી આપતાં ડૉ. મધુલિકા મ્હાત્રે કહે છે, ‘ત્વચાનો રંગ જાળવી રાખવા માટે ઉપયોગી મેલૅનિન ઉત્તેજિત થવાથી હોઠનો રંગ ઘાટો થતો જાય છે. ધુમાડામાં હાજર સૌથી નુકસાનકારક રસાયણ કાર્બન મોનોક્સાઇડ ગૅસ શ્વાસમાં લેવાથી શરીરમાં ઑક્સિજનની સપ્લાય ઘટી જાય છે. ઑક્સિજન ઘટે એટલે હોઠનો રંગ પણ બદલાઈ જાય. કૉન્સ્ટન્ટ પકરિંગથી હોઠની ત્વચા પર ફાઇન લાઇન્સ બને છે. આ લાઇન્સ જેમ-જેમ ઘાટી થતી જાય એમ હોઠ ડીહાઇડ્રેટેડ લાગે છે. સિગારેટ પીવાના શોખીન પુરુષોને શરૂઆતમાં આ બાબતનો ખ્યાલ નથી આવતો, પરંતુ લાંબા ગાળે એ હોઠની કાળાશનું કારણ બને છે.’

ઉપાય શું?

હવે જ્યારે તમે હોઠની કાળાશનાં કારણો જાણી લીધાં છે તો એને દૂર કરવાના ઉપાયો વિશે વાત કરીએ. સ્વસ્થ અને નીરોગી જીવન માટે ધૂમ્રપાન છોડવું શ્રેષ્ઠ ઉપાય છે એવી ભલામણ કરતાં ડૉ. મધુલિકા કહે છે, ‘વ્યસન છોડવું સૌથી અસરકારક સારવાર છે. સ્મોકિંગને લીધે લોહીના પ્રવાહમાં ભળતાં હાનિકારક રસાયણોને ઝડપથી બહાર કાઢવા ભરપૂર માત્રામાં પાણી પીવું જોઈએ. તમારા આહારમાં ઍન્ટિ-ઑક્સિડન્ટ ખાદ્ય પદાર્થોનું પ્રમાણ વધારી દો. ઍન્ટિ-ઑક્સિડન્ટ તમારી ત્વચાનાં રંગદ્રવ્યોને સુરક્ષિત રાખવામાં સહાય કરશે. પરિણામે સ્કિન ઓછી ડૅમેજ થશે. તમારા ડાયટમાં તમામ પ્રકારનાં પોષક તત્ત્વોનો સમાવેશ કરવાથી ફાયદો થશે.’

એક્સ્ટર્નલ ટ્રીટમેન્ટ

હોઠની કાળાશ દૂર કરવા પ્રૉપર ડાયટ ઉપરાંત એક્સ્ટર્નલ ઉપાયો કરી શકાય એમ જણાવતાં ડૉ. મધુલિકા કહે છે, ‘હોઠની નરમાશ જાળવી રાખવા હંમેશાં હાઇડ્રેટિંગ લિપ બામનો ઉપયોગ કરો. તડકામાં વધુ ફરવાનું હોય એવા પુરુષોએ સૂર્યનાં કિરણોથી હોઠની ત્વચાને સુરક્ષિત રાખવા એસપીએફ લિપ બામ વાપરવો. કેટલાક ઘરેલુ ઉપાયો પણ આજમાવી શકાય. કૉફીની અંદર સાકર ભેળવીને અઠવાડિયે એક વાર સ્ક્રબિંગ કરવું. જોકે આ ઉપાયો એક હદ સુધી જ કારગત નીવડે છે. વર્ષોથી સિગારેટ પીતા હોય અને હોઠનો રંગ એકદમ ઘેરો બની ગયો

હોય ત્યારે ખાસ લાભ થતો નથી. થોડો સમય ઘરગથ્થુ ઉપાયો કરી જોયા પછી પણ જો હોઠની ત્વચાના રંગમાં ફરક ન પડે તો ત્વચાના નિષ્ણાતની સલાહ લેવી.’

સિગારેટના ધુમાડામાં રહેલાં હાનિકારક રસાયણો ત્વચાનો રંગ જાળવી રાખવામાં ઉપયોગી મેલૅનિન નામના રસાયણના સંપર્કમાં આવે ત્યારે હોઠના કુદરતી રંગને નુકસાન કરે છે. ભરપૂર માત્રામાં પાણી પીવું, સ્ક્રબિંગ કરવું અને લિપ બામનો ઉપયોગ હોઠની કાળાશ દૂર કરવા માટેની સરળ રીતો છે.  

મધુલિકા મ્હાત્રે, ડર્મેટોલૉજિસ્ટ

Varsha Chitaliya beauty tips health tips