વડીલ કેમ ઓછું ખાય છે?

03 August, 2022 01:19 PM IST  |  Mumbai | Pallavi Acharya

શું તેમનું પાચન ઘટી ગયું હોય છે? શું કોઈ બીમારીના કારણે ભૂખ મરી જાય છે કે તેમની બૉડીની જરૂરિયાત જ ઘટી ગઈ છે? કે પછી રસોઈ બનાવનારું કોઈ ન હોવાથી જે મળે તે ખાઈ લે છે? મેળવીએ એક્સપર્ટ્સ પાસેથી જવાબ 

વડીલ કેમ ઓછું ખાય છે?

એક વય પછી સિનિયર સિટિઝન્સનો ખાવામાંથી રસ ઓછો થઈ જાય છે. આની પાછળના કારણો શું છે? શું તેમનું પાચન ઘટી ગયું હોય છે? શું કોઈ બીમારીના કારણે ભૂખ મરી જાય છે કે તેમની બૉડીની જરૂરિયાત જ ઘટી ગઈ છે? કે પછી રસોઈ બનાવનારું કોઈ ન હોવાથી જે મળે તે ખાઈ લે છે? મેળવીએ એક્સપર્ટ્સ પાસેથી જવાબ 

સામાન્ય રીતે ૬૦-૬૫ વર્ષ પછી વડીલોનો ખોરાક ઓછો થઈ જાય છે. એનું શું કારણ હોય? શું શરીરની જરૂરિયાત ઘટી જાય છે કે પછી ખાવાનું પચતું ન હોવાથી આપમેળે ઓછું થઈ જાય છે? આ ઉંમર પછી તેમનું શરીર પણ વધુ નબળું પડતું જાય છે. શું આ વાતને તેમના ભોજનની ઘટતી ક્વૉન્ટિટી સાથે સંબંધ છે? સિનિયર સિટિઝન્સને દૈનિક ધોરણે કેવાં અને કેટલાં પોષકતત્ત્વોની જરૂર પડે? આવા અનેક સવાલો વડીલોના ખોરાક સંબંધે ઉદ્ભવે એ સામાન્ય છે, જેમાં એક હકીકત છે કે ઉંમર વધવા સાથે માણસનો ખોરાક ઓછો થઈ જાય છે. આ હકીકતને સ્પષ્ટતા આપતાં સાંતાક્રુઝ અને દહિસરમાં જનરલ ફિઝિશ્યન તરીકે પ્રૅક્ટિસ કરતા ડૉ. સુશીલ શાહ કહે છે, ‘ગ્રોથ એજમાં ખોરાકની જે રિક્વાયરમેન્ટ હોય એ ઓલ્ડ એજમાં ન હોય. બાળકો અને યુવાનોને જેટલા ખોરાકની જરૂર હોય એટલી વડીલોને ન હોય. ઉંમર પ્રમાણે માણસની ખોરાકની જરૂરિયાત અલગ હોય છે.’

બે પરિબળો જવાબદાર
ઉંમર વધવા સાથે વડીલોનો ખોરાક ઘટી જવા માટે બે મુખ્ય કારણો જવાબદાર છે એની વાત કરતાં બોરીવલી અને વિલે પાર્લેમાં ક્લિનિક ધરાવતા સાયકિયાટ્રિસ્ટ ડૉ. મોહિત શાહ કહે છે, ‘વડીલોનો ખોરાક ઓછો થવા માટે મુખ્ય બે પરિબળો જવાબદાર છે, ફિઝિયોલૉજિકલ અને પૅથોલૉજિકલ. ફિઝિયોલૉજિકલ પરિબળ નૅચરલ અને સામાન્ય છે. એક ઉંમર પછી શારીરિક ઍક્ટિવિટી ઘટી જાય, શરીરની જરૂરિયાતો ઘટી જાય અને હૉર્મોનલ બદલાવના કારણે કુદરતી રીતે જ વડીલોની ભૂખ ઓછી થઈ જાય છે. આ સિવાય જો ભૂખ સાથે વજન પણ ઘટતું જાય તો ચિંતાનો વિષય બને જે પૅથોલૉજિકલ પરિબળ છે. ડિપ્રેશન, ડિમેન્શિયા, કૅન્સર જેવી બીમારીઓમાં પણ વડીલોનો ખોરાક ઘટી જાય છે.’

આજકાલ તો ૭૦ વર્ષની ઉંમર સિનિયર સિટિઝન ગણાય છે. માણસનો ખોરાક તેની ઉંમર ઉપરાંત ઍક્ટિવિટી પર નિર્ભર હોય છે એમ જણાવતાં ડૉ. સુશીલ શાહ કહે છે, ‘જેમ મજૂરી કામ કરતી વ્યક્તિ જેટલો ખોરાક ઑફિસમાં બેસી કામ કરતી વ્યક્તિ ન લઈ શકે. એ જ રીતે ઉંમર વધતાં શરીરમાં ઘણા ફેરફાર થાય, શરીરમાં ડિક્લાઇનિંગ ફંક્શન ચાલુ થઈ જાય છે એટલું જ નહીં, શરીરની બેઝિક ઇન્દ્રિયોની ક્ષમતા ઘટી જવાથી ભોજનથાળ માટેની લહેજત ઓછી થઈ જાય છે.’
આ વાતને ટેકો આપતાં ડૉ. મોહિત શાહ કહે છે, ‘એક ઉંમર પછી વ્યક્તિનું ટેસ્ટ અને સ્મેલનું સેન્સેશન ઓછું થઈ જાય છે તેથી ખોરાક પરનો તેનો રસ ઓછો થઈ જાય છે.’

કમ્ફર્ટ ઝોનનું વિષચક્ર
૬૦ વર્ષ પછી વડીલો એક કમ્ફર્ટ ઝોનમાં આવી જાય છે એમ જણાવતાં લીલાવતી, હરકિસન દાસ અને કમ્બાલા હિલ હૉસ્પિટલોમાં ડાયટિશ્યન તરીકે કામ કરી ચૂકેલાં અને બોરીવલી અને વિલે પાર્લેમાં પોતાની પ્રૅક્ટિસ કરતાં ક્વૉલિફાઇડ ડાયટિશ્યન બીના છેડા કહે છે, ‘૬૦ વર્ષ પછી વડીલોનું મેટાબોલિઝમ ઓછું થઈ જાય છે, હોજરી સંકોચાઈ જાય છે, દાંત પડી જાય છે એ ખરું સાથે તેઓ કમ્ફર્ટ ઝોનમાં એ રીતે આવી જાય છે કે હવે બોનસ લાઇફ છે તો જીવી લઈએ અને તેઓ ખાવા માટે જીવતા થઈ જાય છે. આમ મીઠાઈનું પ્રમાણ વધારી દે છે. તમે મીઠાઈ કે કોઈ પણ ગળી વસ્તુ ખાઓ તો એ તમારી એપેટાઇટને મારી નાખે છે. ઉપરાંત મીઠી ચીજો ખાવાથી અને સૅલડનું પ્રમાણ ઘટાડી દેવાથી પેટ સાફ નથી આવતું, જેને લઈને પણ ખાવાનું મન ઘટી જાય. બીજું, આમાં એજ ઉપરાંત લાઇફસ્ટાઇલ પણ જવાબદાર છે. ફિઝિકલ ઍક્ટિવિટી ઘટી જવાથી ખોરાકનું પાચન ધીમું પડી જાય છે.’

બીમારીઓ પણ જવાબદાર
કેટલીક બીમારીઓ અને કેટલીક દવાઓ વડીલોના પાચન અને ભૂખ પર ખરાબ અસર કરે છે એટલું જ નહીં, આ વયમાં તેમની એનર્જીની જરૂરિયાત પણ ઓછી થઈ જાય છે એમ જણાવતાં ડૉ. સુશીલ શાહ કહે છે, ‘વડીલોનો ખોરાક ઓછો થઈ જવા માટે કેટલાંક સોશ્યલ કારણો પણ હોય છે. મારી પાસે આવતા મોટા ભાગના વડીલો રાત્રે દૂધ અને બે ખાખરા ખાઈને ચલાવી લે છે. કેટલીક વાર સવારનું પડ્યું હોય એ જ ખાઈ લે છે, કેટલાક રસોઈ બનાવી શકે એમ નથી હોતા તો કેટલાકને કોઈ બનાવી આપવાવાળું નથી હોતું. વાસ્તવમાં આ ઉંમરે તેમણે પૌષ્ટિક ખોરાક લેવો જરૂરી છે, કારણ કે ડીજનરેશન પ્રોસેસ તો ચાલુ જ હોય છે. તેથી જો પૌષ્ટિક ખોરાક ન હોય તો એ રિપેર થવામાં અસર કરે છે.’

 એક ઉંમર પછી વ્યક્તિનું ટેસ્ટ અને સ્મેલનું સેન્સેશન ઓછું થઈ જાય છે એને કારણે પણ વડીલોનો ખોરાક પરનો રસ ઓછો થઈ જાય છે.
ડૉ. મોહિત શાહ, સાઇકિયાટ્રિસ્ટ

વડીલોએ કેવો પૌષ્ટિક ખોરાક ખાવો જોઈએ?
વડીલોને શરીરને જરૂરી પૂરતું પોષણ મળી રહે એ માટે ડૉ. સુશીલ શાહ કહે છે, ‘પૂરતી કૅલરી મેળવવા માટે વ્યક્તિએ ભોજનમાં ૬૦ ટકા કાર્બોહાઇડ્રેટ, ૩૦ ટકા પ્રોટીન અને ૧૦થી ૧૫ ટકા ફૅટ લેવું જોઈએ. ડાઇજેશન સારું રાખવા અને મગજને કાર્યરત રાખવા માટે ફૅટ પણ લેવું જરૂરી છે. ડાઇજેશન ન થતું હોય તો એના માટે સપ્લિમેન્ટ્સ લેવાં જોઈએ, કારણ કે તમારી વધતી વય એજિંગ હેલ્ધી રહે એ બહુ જરૂરી છે. પરંતુ વડીલો માટે આ બધું થતું નથી. એ કંઈ ખાવાનું કહે તો એમને એમ કહી દેવાય છે કે જીભના ચટાકા શાને થાય છે! અને આ બધાને લઈને તેમને ડિપ્રેશન પણ આવે છે.’ 

સાંતાક્રુઝમાં પ્રૅક્ટિસ કરતા જનરલ ફિઝિશ્યન ડૉ. અશોક કોઠારી વડીલોએ ખાસ કરીને શું ખાવું જોઈએ એ વિશે કહે છે, ‘૬૦ વર્ષ પછી વડીલોએ સાદો ખોરાક, લીલી શાકભાજી, કઠોળ, દહીં, દૂધ, છાશ, ખીચડી સાથે ઘી ખાવાં જોઈએ.’

વડીલો વધુ ખાય એ જરૂરી નથી, પરંતુ પૂરતું પોષણ મળે એવું અને એટલું ખાય એ બહુ જરૂરી છે.

health tips columnists