જમ્યા પછી ઊભા રહીએ ત્યારે આંખ સામે અંધારા આવી જાય છે

06 July, 2022 03:24 PM IST  |  Mumbai | Dr. Sushil Shah

સવારે ઊભા રહેવામાં વાંધો આવતો નથી, પરંતુ બપોરે જમીને મારાથી ઊભા નથી રહી શકાતું. લાગે છે કે જાણે માથું ફરતું હોય અને આંખે અંધારાં આવી ગયાં હોય. આવું થવાનું શું કારણ અને હું શું કરું? 

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય આઇસ્ટૉક

 હું ૭૦ વર્ષનો છું. આમ હું ફિટ છું. મને હાઈ બ્લડપ્રેશર રહે છે, પણ ડાયાબિટીઝ નથી. હું હજુ સુધી મારી દુકાન ચલાવું છું, રિટાયર્ડ થયો નથી. હમણાં દુકાન પરના માણસો રજા પર છે ત્યારે મારે દુકાન પર લાંબો સમય ઊભા રહેવું પડે એવું થાય છે. સવારે ઊભા રહેવામાં વાંધો આવતો નથી, પરંતુ બપોરે જમીને મારાથી ઊભા નથી રહી શકાતું. લાગે છે કે જાણે માથું ફરતું હોય અને આંખે અંધારાં આવી ગયાં હોય. આવું થવાનું શું કારણ અને હું શું કરું? 

તમારી જે ઉંમર છે એ મુજબ તમને ક્યારેય પણ કોઈ બાબતે કન્ફયુઝન થાય, શંકા જાય કે કંઈ શરીરમાં બદલાવ આવ્યા છે તો વગર કોઈ વિલંબે ડૉક્ટર પાસે પહોંચી જવું જોઈએ. ધારો કે કંઈ નહી હોય તો ડૉક્ટર તમને કહેશે કે ચિંતા જેવું નથી, પરંતુ કોઈ મોટી તકલીફ હોય અને તમે અવગણતા હો તો તમને સમજાશે જ નહીં અને પછી મોડું થઈ જાય એના કરતાં આ યોગ્ય ઉપાય છે. 
બીજું એ કે તમારાં લક્ષણો જોઈને લાગે છે કે તમારું બ્લડપ્રેશર ડ્રૉપ થતું હોવું જોઈએ. તમારી ઉંમરમાં બપોરે જમ્યા પછી, ખાસ કરીને જો હેવી મીલ લઈ લીધું હોય તો એ પછી ઊભા રહેવાથી કે ઊભા થવાથી બ્લડપ્રેશર ડ્રૉપ થઈ શકે છે. એને પોસ્ટ પ્રેન્ડ્રિયલ હાઇપોટેન્શન કહેવાય છે જે મોટા ભાગે વડીલોમાં જોવા મળે છે. એના યોગ્ય નિદાન માટે તમારે જમ્યા પહેલાં અને જમ્યા પછી બંનેનાં બ્લડપ્રેશર ચેક કરવા જરૂરી છે. જો એ બંને આંકડામાં ફરક હોય તો કહી શકાય કે તમને આ જ પ્રૉબ્લેમ છે. આવું થવાનું કારણ એટલે છે કે જ્યારે આપણે જમીએ છીએ ત્યારે આંતરડાને પાચન માટે વધુ લોહીની જરૂર પડે છે. એને કારણે હાર્ટને વધુ કામ કરવું પડે છે, પરંતુ ઉંમર પ્રમાણે જો લોહીની નળીઓ સંકોચાઈ ગઈ હોય તો હાર્ટને જરૂરત કરતાં પણ વધુ જોરથી ધબકવું પડે છે જેને લીધે બ્લડપ્રેશર વધી શકે છે, પણ જો કોઈ તકલીફ હોય તો ધબકારા વધતા જ નથી. લોહીનો પ્રવાહ નૉર્મલ જ રહે છે, પરંતુ આંતરડામાં પાચન અર્થે લોહી વધુ જાય જ તો પછી બીજાં અંગોમાં લોહી ઓછું પડે એને કારણે અચાનક થોડા સમય માટે બ્લડપ્રેશર ઘટી જાય છે. આ માટે તમે તમારા ફિઝિશ્યનને મળો. કદાચ એવું બને કે તમારે તમારા હાઈ બ્લડપ્રેશરની દવા લેવાના સમયમાં થોડા ફેરફાર કરવા પડશે. ચિંતા જેવું બિલકુલ નથી, પણ ગફલતમાં રહેવું નહીં. 

health tips columnists