આંગળી નાખીને મળ કાઢવો પડતો હોય ત્યારે શું કરવું ?

20 October, 2021 07:19 PM IST  |  Mumbai | Dr. Chetan Bhatt

આંગળી નાખ્યા વગર મળ બહાર આવતો જ નથી. મારે શું કરવું? શું કોઈ દવા કે ઇલાજનો સહારો લેવો પડશે?

પ્રતીકાત્મક તસવીર

મારી ઉંમર ૬૨ વર્ષની છે. મને એવું લાગે છે કે મારી ઉંમર ૬૦ની ઉપર પહોંચી એ પછીથી મારું પાચન નબળું પડ્યું છે જેને કારણે મારો ખોરાક ઘટી ગયો છે અને મને કબજિયાત થઈ ગયો છે. ગમે એટલું જોર કરું તોય મળ બહાર આવતો નથી એટલે મારે આંગળી નાખીને કાઢવો પડે છે. શરૂઆતમાં મને એ ગમતું નહીં, પરંતુ હવે તો જાણે કે એ દરરોજનું થઈ ગયું છે. આંગળી નાખ્યા વગર મળ બહાર આવતો જ નથી. મારે શું કરવું? શું કોઈ દવા કે ઇલાજનો સહારો લેવો પડશે?
   
આ તકલીફ આમ તો ઘણા બધા લોકોમાં જોવા મળે છે. કબજિયાતની જુદી-જુદી તકલીફોમાં એક આ પ્રકારની તકલીફ છે, જે પુરુષો કરતાં સ્ત્રીઓમાં વધુ જોવા મળે છે. ખાસ કરીને ૬૦થી વધુ ઉંમરની સ્ત્રીઓમાં. તમારી વાત સાચી છે કે આ તકલીફ ઘણી હેરાનગતિ આપે છે, પરંતુ એનાથી મોટી તકલીફ એ છે કે એ એક આદત બની જતી હોય છે. એક વાર, બે વાર તમે આવું કરો એ પછી વ્યક્તિનું મન માનવા લાગે છે કે આવું કરવાથી જ મળ નીકળશે અને એક વાર આદત પડી જાય પછી એ આદતને કાઢવી થોડી મહેનત માગી લે છે. 
આ પ્રકારની જે કબજિયાતની તમે વાત કરો છો એ ફિઝિકલ પ્રૉબ્લેમ ઓછો અને માનસિક પ્રૉબ્લેમ વધુ છે. આમ તો કોઈ પણ પ્રકારની કબજિયાત સાથે મેન્ટલ બ્લૉક જોડાયેલો હોય જ છે. 
માનસિક કોઈ ને કોઈ તકલીફનો કબજિયાત સાથે સીધો સંબંધ છે. કોઈ પણ કારણસર જ્યારે વ્યક્તિ પોતાને જકડી રાખે છે, દબાવી રાખે છે, રિલૅક્સ રહી નથી શકતી એવી માનસિક પરિસ્થિતિમાં શરીરના અમુક સ્નાયુઓ જકડાઈ જાય છે જેમાંનું એક મળદ્વાર છે. એની આજુબાજુના સ્નાયુઓ લૂઝ કરો ત્યારે જ મળ પસાર થઈ શકે છે. આ પ્રકારનો જેનામાં કબજિયાત જોવા મળે છે તેમણે દવાની નહીં, ફિઝિયો એક્સરસાઇઝ અને મેન્ટલ રિલૅક્સેશનની વધુ જરૂર રહે છે. કેટલાક કેસમાં અમે સાઇકિયાટ્રિસ્ટની મદદ પણ લઈએ છીએ, કારણ કે એ જરૂરી થઈ જાય છે. ફિઝિયો એક્સરસાઇઝ દ્વારા તેમને મળદ્વાર પાસેના સ્નાયુઓને રિલૅક્સ કેમ કરી શકાય એ શીખવવામાં આવે છે. આ આદત સારી નથી જ માટે ઇલાજ તમે ચોક્કસ કરાવો. લાંબા ગાળાના ફાયદા માટે એ જરૂરી છે. 

health tips columnists