શરદ ઋતુમાં પિત્ત વધી જાય ત્યારે શું કરવું?

25 October, 2021 12:45 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બેચેની સતત રહ્યા કરે છે અને સ્વભાવમાં ચીડિયાપણું પણ આવી ગયું છે. લાઇફ સ્ટાઇલ ખરાબ હોય ત્યારે જ ઍસિડિટી થાય, પરંતુ મારા કેસમાં તો એવું નથી છતાં મને આવું કેમ થઈ રહ્યું છે?

મિડ-ડે લોગો

હું ૪૫ વર્ષની ઉંમરનો છું. સાદી જીવનશૈલી છે મારી. મોટા ભાગે ઘરનો ખોરાક જ ખાઉં છું. છેલ્લા કેટલાક દિવસોથી મને ઍસિડિટીની સમસ્યા રહે છે. કઈ પણ ખાઉં તો મને સારું લાગતું નથી. અંદરથી બળતરા થાય છે. આ સિવાય શરીર ગરમ રહે છે. માથું ભારે રહે છે. બેચેની સતત રહ્યા કરે છે અને સ્વભાવમાં ચીડિયાપણું પણ આવી ગયું છે. લાઇફ સ્ટાઇલ ખરાબ હોય ત્યારે જ ઍસિડિટી થાય, પરંતુ મારા કેસમાં તો એવું નથી છતાં મને આવું કેમ થઈ રહ્યું છે?    

તમારી વાત એકદમ સાચી છે, ઍસિડિટી જેવી તકલીફો સામાન્ય રીતે જેની લાઇફ સ્ટાઇલ ખરાબ હોય એમને જ થાય, પરંતુ અહીં આપને ધ્યાન રાખવું જરૂરી છે કે ભારતમાં સામાન્ય રીતે ૬ ઋતુઓ રહે છે. દરેક ઋતુમાં જુદાં-જુદાં શાકભાજી કે ફળો નિસર્ગ ઉપજાવે છે. વ્યક્તિની અગ્નિ અથવા પાચનતંત્રની ક્ષમતા પણ ઋતુ મુજબ બદલાતી હોય. દરેક ઋતુઓના ગુણ તથા પ્રધાનરસ બદલાતા રહે છે. એ માનવું કે હું નિયમિત રીતે એક જ માત્રામાં બધું હેલ્ધી જ ખાઉં છું એ ઘણી વાર સત્ય નથી હોતું. ઉદાહરણ સ્વરૂપે લીલા પાંદડાંવાળાં શાકભાજી હેલ્ધી ગણાય, પરંતુ ચોમાસામાં એનું સેવન ત્વચારોગનું કારણ બને છે. 
એક જ લાઇફ સ્ટાઇલ બધી ઋતુમાં નહીં ચાલે. આમાં ઋતુ અનુસાર બદલાવ અપેક્ષિત છે. તડકામાં આરામ કરી રાત્રે થોડુંક જાગવું આ કાળમાં પિત્તને નિયંત્રિત રાખે છે. એટલે જ શરદમાં નવરાત્રિ અને શરદપૂનમની રાતડી ચાંદની ઊજવવામાં આવે છે, જેથી શરીરમાં હલનચલન રહે અને ચાંદનીમાં શરીરમાં શીતળતા પણ રહે. તમારે તડકામાં બહાર ન જવું. ખોરાકમાં તિખાશ ઓછી કરો, વ્યાયામ કરો અને દૂધપાક જેવી મીઠાઈ લો.
શાસ્ત્ર મુજબ આ ઋતુમાં નદીનું પાણી, વિરેચન, લોહી કઢાવવું, ધોળા ચોખા, ઘઉં, મગ, જવ, ઘી, દૂધ, આમળા, સાકર, હલકા-તુરા-કડવા-ગળ્યા દ્રવ્યો, શેરડી, કપૂર, હંસોદક (સૂર્ય-ચંદ્ર અને અગસ્ત્ય તારાના કિરણોથી શુદ્ધ થયેલું પાણી), સુગંધીદાર ફૂલના હાર અને વસ્ત્રો સફેદ પહેરવા જોઈએ અને સોના તથા મોતીની માળા પહેરવી જોઈએ. રાત્રે શ્વેત શીતળ ચાંદનીમાં વિહાર કરવાનો આયુર્વેદમાં નિર્દેશ કરવામાં આવ્યો છે. મનને સંતોષ થાય એવી મીઠી વાતો કરવાથી પણ આ ઋતુમાં ઘણો ફાયદો થાય છે.

columnists health tips