પગની પાનીનો દુખાવો દૂર કરવા શું કરવું?

27 July, 2021 07:05 PM IST  |  Mumbai | Dr. Tushar Agrawal

પાની પાસેની હાડકી વધી રહી હોય એવું લાગે છે. એ ભાગ લાલ અને ગરમ થઈ ગયો હોય છે.

પ્રતીકાત્મક તસવીર

મારી ઉંમર ૪૮ વર્ષની છે. છેલ્લાં દોઢ વર્ષથી મને અવારનવાર પગની પાની બહુ જ દુખે છે, ખાસ કરીને સવારના સમયે. ઊઠીને પલંગ નીચે પગ મૂકવાનો હોય ત્યારે લિટરલી ચીસ પડાઈ જાય એટલું દુખે. પાની પાસેની હાડકી વધી રહી હોય એવું લાગે છે. એ ભાગ લાલ અને ગરમ થઈ ગયો હોય છે. જો શેક કરું તો થોડીક રાહત થાય, બાકી આખો દિવસ ઝીણું-ઝીણું દુખ્યા જ કરે છે. હમણાં બેઠાળુ જીવનને કારણે વજન વધી ગયું છે અને ઠંડીની સીઝનમાં દુખાવો પણ સારો એવો રહે છે. રાહત મેળવવા શું કરવું?   
 
તમને એ તકલીફ છે જે લાખો લોકોને હોય છે. પગની પાનીનો દુખાવો અત્યંત સામાન્ય છે, જે બે કારણસર વધુ જોવા મળે છે. એક કારણ એ કે કોઈ ઍક્સિડન્ટ થયો હોય અને બીજો ઓવર-યુઝ એટલે કે વધુ પડતો દુખાવો. કડક જમીન પર વગર ચંપલે વધુ સમય સુધી ઊભા રહેવાથી કે ચાલવાથી ધીમે-ધીમે આ તકલીફ ઊભી થાય છે અને એ આગળ જતાં ધ્યાન ન રાખો તો વધી શકે છે. 
પહેલી વાત તો એ કે તમે નૉર્મલ બ્લડ રિપોર્ટ જેમાં સીબીસી એટલે કે કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ, કૅલ્શિયમ અને યુરિક ઍસિડનો રિપોર્ટ કઢાવો. જો આ રિપોર્ટમાં કઈ ઉપર-નીચે થાય તો પહેલાં એનો ઇલાજ કરીને એ ઠીક કરવાની કોશિશ કરો. જો આ રિપોર્ટ નૉર્મલ આવે તો સૌથી પહેલાં ઘરમાં ગાદીવાળા સ્લીપર્સ પહેરવાનું શરૂ કરો અને બહાર જાઓ ત્યારે સ્પોર્ટ્સ શૂઝ જ પહેરવા. આ સિવાય તમે જે શેક કરો છો એ ચાલુ રાખી શકાય. આ સિવાય ફિઝિયોથેરપી પણ કરી શકાય જેમાં એ લોકો ગરમ મીણનો શેક કરતા હોય છે. એનાથી ફાયદો થાય છે. આ સિવાય એલોપથી પાસે જે ઉપાય છે એ છે ઇન્જેક્શન. એક ઇન્જેક્શન પગની પાનીમાં આપીએ એ સમયે ખૂબ પેઇન થાય છે, પરંતુ પછી એકદમ રાહત થઈ જાય છે. ઘણા લોકોને આ ઇલાજ ઉપયોગી સાબિત થયો છે. આ સિવાય ઘણા લોકો વિટામિન ‘ડી’ અને કૅલ્શિયમનાં સપ્લિમેન્ટ લે છે, જેનાથી તેમને ફાયદો થાય છે. મહત્ત્વની વાત એ છે કે આ એક રોગ નથી, પરિસ્થિતિ છે. એ દુખાવાની તીવ્રતા ઓછી-ઝાઝી કરી શકાય. બાકી એક વખત આ પરિસ્થિતિ આવી પછી ખુલ્લા પગે ફરવાનું તો બંધ જ કરી દેવું જરૂરી છે. 

Dr Tushar Agarwal columnists health tips