વાયુ અને સાંધાની તકલીફમાં શું કરવું?

14 June, 2021 02:16 PM IST  |  Mumbai | Dr. Sanajy Chhajed

શરીરમાં જ્યારે પાચનતંત્ર નબળું થાય ત્યારે આમ સર્જાય છે. આ આમ શરીરમાં જ્યાં રોકાય છે ત્યાં જુદાં-જુદાં લક્ષણો સર્જે છે. અપચો, ગૅસ, પેટની ગરબડ અને સાંધામાં દુખાવો આ બધું એને કારણે જ થાય છે.

પ્રતીકાત્મક તસવીર

હું ૪૨ વર્ષનો છું અને મને ગૅસની તકલીફ છે. એને કારણે મને પેટમાં ખૂબ દુખે છે. આ ઉપરાંત મને સાંધાનો દુખાવો પણ ખૂબ થાય છે. મેં અઢળક ડૉક્ટરોને બતાવ્યું છે. જાત-જાતના રિપોર્ટ્સ કઢાવ્યા, પરંતુ રિપોર્ટ્સ સાવ નૉર્મલ આવે છે. સારું થતું નથી. હું શું કરું?      
 
તમે જે લખ્યું છે એ મુજબ તમને રોજ ગૅસ અને પેટમાં દુખાવા સાથે તમારા સાંધામાં દુખાવો પણ થાય છે. તમારા બધા રિપોર્ટ્સ સામાન્ય છે તો પછી તમારે તમારી દિનચર્યા અને દિવસભરની આહાર વિધિ પર ધ્યાન આપવાની આવશ્યકતા છે. આયુર્વેદમાં આ અવસ્થાને આમની અવસ્થા કહેવાય છે. શરીરમાં જ્યારે પાચનતંત્ર નબળું થાય ત્યારે આમ સર્જાય છે. આ આમ શરીરમાં જ્યાં રોકાય છે ત્યાં જુદાં-જુદાં લક્ષણો સર્જે છે. અપચો, ગૅસ, પેટની ગરબડ અને સાંધામાં દુખાવો આ બધું એને કારણે જ થાય છે. એનો સચોટ ઉપચાર કરવો હોય તો જીવનપદ્ધતિ અને આહારચર્યામાં બદલાવ આવશ્યક છે. એના વગર ઉપચાર અસંભવ છે. 
૧. શરૂઆતમાં ૨-૩ દિવસ કંઈ ખાવું નહીં. ગરમ પાણીનું સેવન કરવું. પાણી સૂંઠ, જીરા કે ષડંગ પાનીય ચૂર્ણ સાથે ઉકાળીને અડધું કરેલું હોય તો વધારે સારું.
૨. ઉપવાસ પછી સાધારણ ૩-૪ દિવસમાં ચોખાની માંડ, પેયા, પાતળી ખીચડી, મગનો સૂપ આ ક્રમથી સામાન્ય આહાર પર આવવું.  
૩. આહાર સાદો અને સુપાચ્ય રાખવો.
૪. ઉણોદરી રહેવું. એનો અર્થ માત્ર એટલો જ છે કે થોડી ભૂખ બાકી રાખવી.
૫. બે આહારની વચ્ચે કમસે કમ ૬ કલાકનો ગૅપ રાખવો.
૬. હંમેશાં પીવા માટે ગરમ પાણી જ વાપરવું. યથા સંભવ સૂંઠ, જીરું, વરિયાળી સાથે કે ષડંગ પાનીય ચૂર્ણ સાથે ઉકાળેલું પાણી વાપરવું.
૭. રાત્રિભોજનનો ત્યાગ કરવો.
૮. રોજ સવારે-સાંજે વ્યાયામ કરવો, ચાલવું જરૂરી છે. 
૯. અઠવાડિયામાં એક દિવસ ૪-૫ ચમચી દિવેલ લઈ જુલાબ લેવો જરૂરી છે. જુલાબ પછી સંસર્જન ક્રમથી ૧-૧ આહારકાળ આહાર લેવો.
૧૦. સાંધાઓ પર તેલની માલિશ પણ કરી શકો છો.
આ બધા ઉપચારથી ૧૫-૨૦ દિવસમાં તમે સાજા થશો. જો ફાયદો ન દેખાય તો કોઈ સારા વૈદ્યની દેખરેખમાં સારવાર કરવી જરૂરી છે.

health tips columnists