મળ લાલ છે ને એમાં લોહી પડે તો શું કરવું?

31 May, 2021 12:24 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શું ખરેખર મને મળમાં લોહી પડતું હશે? મને બીજાં કોઈ જ લક્ષણો નથી. જો એ લોહી જ હોય તો એનો અર્થ શું? મને શું હોઈ શકે છે?

GMD Logo

હું ૪૫ વર્ષનો છું. છેલ્લા એક વર્ષથી ઇમ્યુનિટી વધારવા હું શાકભાજી વધુ ખાઉં છું, એમાં ખાસ દરરોજ સૅલડમાં બીટ લઉં છું. એટલે દરરોજ મળ લાલ રંગનું જ હોય. દસેક દિવસ પહેલાં બીટ ખતમ થઈ ગયેલું એટલે સૅલડ એના વગર જ ખાધું પરંતુ એ દિવસે પણ મળ લાલ જ રહ્યું. મને નવાઈ લાગી એટલે મેં થોડા દિવસ બીટ ખાવાનું છોડ્યું, પરંતુ એના પછી પણ મને લાગે છે કે મળ લાલ જ હોય છે. આ મારો વહેમ હશે કે નહીં એ સમજાતું નથી. શું ખરેખર મને મળમાં લોહી પડતું હશે? મને બીજાં કોઈ જ લક્ષણો નથી. જો એ લોહી જ હોય તો એનો અર્થ શું? મને શું હોઈ શકે છે?    
 
સારું છે કે આ બાબતે તમે સાવચેત રહ્યા છો. મળમાં લોહી પડે એ એક ગંભીર બાબત છે. એને હલકામાં ન લઈ શકાય. તમને કન્ફ્યુઝન છે કે મળ લાલ છે કે નહીં, તો તાત્કાલિક એક સ્ટૂલ ટેસ્ટ કરાવી લો. એનાથી ખબર પડશે કે ખરેખર મળમાં લોહી પડે છે કે નહીં. મળમાં લોહી પડવાનો મુખ્ય અર્થ એ થાય કે પાચનપ્રક્રિયામાં કોઈ ગડબડ છે. પાચનને સંબંધિત અન્નનળીથી લઈને મળદ્વાર સુધીનો ભાગ બધામાંથી કોઈ એકમાં કંઈક ગડબડ છે જેને લીધે મળમાં લોહી આવે છે. મહત્ત્વની વાત એ છે કે જ્યારે આ લક્ષણ દેખાય ત્યારે તમે ડૉક્ટર પાસે જાવ અને ડૉક્ટર જરૂરી ટેસ્ટ કરાવી એ તપાસે કે પાચનતંત્રના કયા ભાગમાં તકલીફ છે અને તમને ક્યાં ઇલાજની જરૂર છે. જો મળ કાળા રંગનું હોય તો પણ સમજી શકાય કે મળમાં લોહી પડે છે. આ પરિસ્થિતિમાં મળમાં લોહી પડે છે એ સમજવું લોકો માટે અઘરું બનતું હોય છે, પરંતુ જો તમને લાલ રંગ જ દેખાતો હોય તો શક્યતા છે કે એ લોહી જ હોય. જો મળમાં લાલ રંગનું લોહી જોવા મળે તો સમજવું કે જઠરથી નીચેના ભાગમાં તકલીફ છે. શરીરમાં અન્નનળી, લીવર, જઠર, આંતરડાની તકલીફ વખતે મળ સાથે લોહી નીકળી શકે છે. આ સિવાય કૅન્સર, ઇન્ફેક્શન, અલ્સરેટીવ કોલાઈટીસ, ક્રૉન્સ ડિસીઝ, આંતરડાનું ઇન્ફેક્શન કે પછી ઇન્ફ્લમેટરી બાઉલ ડિસીઝ જેવી કોઈ પણ મોટી તકલીફોમાં પણ મળમાંથી લોહી પડી શકે છે. આ સિવાય હરસ કે ફિશરની બીમારીને કારણે પણ લોહી ઘણુંબધું વહી જાય છે. આમ ઘણી શક્યતાઓ રહેલી છે. માટે પહેલા તમે સ્ટૂલ ટેસ્ટ કરાવીને ડૉક્ટરને મળો એ જરૂરી છે. 

health tips sex and relationships columnists