બાળક ખૂબ ધમાલિયું છે તો શું કરું?

09 December, 2022 03:43 PM IST  |  Mumbai | Dr. Pradnya Gadgil

બને કે તમારા બાળકને અટેન્શન ડેફિસિટ હાઇપર ઍક્ટિવિટી ડિસઑર્ડર હોય, કારણ કે તમે સૂચવેલાં લક્ષણો આ રોગ તરફ જ ઇશારો કરે છે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)

મારો દીકરો નાનપણથી જ ખૂબ ધમાલિયો છે. એક પણ જગ્યાએ શાંતિથી બેસે નહીં. દોડાદોડી, કૂદાકૂદી અને એક નંબરનો ભાંગફોડિયો. બહાર લઈ જઈએ ત્યારે ખૂબ તકલીફ પડતી. હાલમાં તે પહેલા ધોરણમાં છે. એક વખત બેન્ચ પર ચડીને ધમાલ કરતો હતો એમાં નીચે પડી ગયો. એક વખત પથ્થરથી રમતો હતો તો કોઈનું માથું ફોડી નાખ્યું. તેને આવડતું બધું હતું, પરંતુ નોટબુકમાં વ્યવસ્થિત લખે જ નહીં. ટીચર બોલે એ વાતમાં તેનું ધ્યાન જ ન હોય. આવી કેટકેટલી ફરિયાદો તેની આવ્યા જ કરે છે. સ્કૂલના ટીચર મારા દીકરાને ગાંડો પુરવાર કરવા માગે છે, પણ તે એવો નથી.  

બાળક આવું હોય એની ફરિયાદનો અર્થ એ બિલકુલ નથી કે તે ગાંડું છે. તમારું બાળક હાઇપર લાગે છે. એક વખત તમે તેને લઈને ડૉક્ટરને મળો. ઘણા બિહેવિયરલ થેરપિસ્ટ હોય છે. તેમની સલાહ લો. બને કે તમારા બાળકને અટેન્શન ડેફિસિટ હાઇપર ઍક્ટિવિટી ડિસઑર્ડર હોય, કારણ કે તમે સૂચવેલાં લક્ષણો આ રોગ તરફ જ ઇશારો કરે છે. આ કોઈ શારીરિક તકલીફ નથી. આ ડિસઑર્ડર મોટા ભાગે નાનપણથી જ જોવા મળતો પ્રૉબ્લેમ છે જેને બિહેવિયરલ પ્રૉબ્લેમ કહે છે. બાળકોમાં જોવા મળતી વર્તણૂક સંબંધિત તકલીફોમાં આ અત્યંત સામાન્ય તકલીફ છે. મહત્ત્વનું એ છે કે લોકો સમજે કે આ કોઈ રોગ નથી કે થયો અને મટી ગયો. આ એક કન્ડિશન છે જેની સાથે બાળકે લગભગ આખી જિંદગી રહેવાનું છે. આમ છતાં આ એક બિહેવિયરલ પ્રૉબ્લેમ હોવાને કારણે એને ઘણી હદે મૉડિફાય કરી શકાય છે. તકલીફ એ છે કે જો તમે નિદાન કરાવીને ઇલાજ નહીં કરાવો તો સમજવું અઘરું છે કે બાળક પાસેથી કામ કઈ રીતે લેવું, તેના આવેગોને શાંત કેમ કરવા અને તેને એક જગ્યાએ કઈ રીતે બેસાડવું અથવા તો કોઈ પણ વસ્તુમાં તેનું ધ્યાન કઈ રીતે ખેંચવું. આ આપણે સમજીએ એટલું પેચીદું નથી, પરંતુ સમજવાની તૈયારી હોવી અનિવાર્ય છે. આ પ્રકારનાં બાળકોને સ્કૂલમાં અને ઘરે ઘણી તકલીફો થાય છે. ભણવામાં, શીખવામાં, શીખેલું બતાવવામાં તકલીફો થાય છે. જેટલું જલદી તમે બાળકનું નિદાન કરાવશો એટલું એનું પરિણામ વધુ સારું આવશે. એનું કારણ સરળ છે કે એક વખત બાળકને અમુક પ્રકારના વર્તનની આદત પડી ગઈ તો છોડાવવી મુશ્કેલ છે. 

life and style health tips