ઓવેરિયન રિઝર્વ ઓછું હોય તો શું કરવું?

28 June, 2022 03:04 PM IST  |  Mumbai | Dr. Suruchi Desai

મારા ડૉક્ટરના કહેવા મુજબ મારું ઓવેરિયન રિઝર્વ બૉર્ડરલાઇન પર છે. રિઝર્વ ઓછું હોવાનું કારણ શું? કોઈ રીતે એ વધારી શકાય? શું અમારે બાળક તાત્કાલિક પ્લાન કરવું જ પડશે?

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય આઇસ્ટૉક

મારી ઉંમર ૩૨ વર્ષની છે. હમણાં અમે બાળક પ્લાન નથી કરવા માગતા, પરંતુ હું બાળક માટે ફિટ છું કે નહીં એની ટેસ્ટ હાલમાં અમે કરાવી જેમાં મારું ઓવેરિયન રિઝર્વ 1.9 ng/ml છે. મારા ડૉક્ટરના કહેવા મુજબ મારું ઓવેરિયન રિઝર્વ બૉર્ડરલાઇન પર છે. રિઝર્વ ઓછું હોવાનું કારણ શું? કોઈ રીતે એ વધારી શકાય? શું અમારે બાળક તાત્કાલિક પ્લાન કરવું જ પડશે?
 
દરેક સ્ત્રીમાં દર મહિને બનતાં એગ એટલે કે અંડાશયનો આંકડો નિશ્ચિત હોય છે એટલે કે તેને માસિક આવવાનું ચાલુ થાય ત્યારથી લઈને એક ફિક્સ નંબરનાં એગ્સ મોટા ભાગે ૨૦૦ કે ૩૦૦ આસપાસ સ્ત્રીના શરીરમાં બને છે અને એટલાં એગ્સ પૂરાં થઈ જાય પછી મેનોપૉઝ ચાલુ થઈ જાય છે. વળી એમાં પણ ૨૦થી ૩૦ વર્ષની ઉંમર એવી છે જેમાં સૌથી સારી ક્વૉલિટીનાં એગ સ્ત્રીના શરીરમાં બનતાં હોય છે. કોઈ પણ સ્ત્રીની પ્રેગ્નન્સી માટે અત્યંત જરૂરી બાબતોમાં એગની ક્વૉલિટી અને ક્વૉન્ટિટી બન્નેનો સમાવેશ થાય છે. જેમ-જેમ સ્ત્રીની ઉંમર થાય એમ-એમ એની ક્વૉલિટી અને ક્વૉન્ટિટી બન્ને ઘટતી જાય છે. આજકાલ છોકરીઓને ખૂબ જલદી એટલે કે ૧૨-૧૫ વર્ષે જ માસિક આવવાનું શરૂ થઈ જાય છે. આવી સ્ત્રીઓ બાળક મોડું પ્લાન કરે તો વધુ પ્રૉબ્લેમ થાય. વળી આજે એવી ઘણી સ્ત્રીઓ છે જેમને ૩૫ વર્ષે મેનોપૉઝનાં લક્ષણો દેખાય છે. આવી સ્ત્રીઓ પછી મા નથી બની શકતી.
મેડિકલ બુક્સ મુજબ ટેસ્ટમાં ૨.૦થી નીચે આંકડો આવે તો તમારું રિઝર્વ ઓછું જ માનવામાં આવે છે. એનો સીધો અર્થ એ થયો કે એગ્સ ઓછાં છે. આ ઓછાં હોવાનું કારણ અલગ-અલગ હોઈ શકે. જિનેટિક એટલે કે વારસાગત કારણસર આવું થઈ શકે છે. જો તમારાં મમ્મી કે ફોઈબાનું ઓવેરિયન રિઝર્વ ઓછું હોય તો તમને પણ એમ હોઈ શકે છે. આ પરિસ્થિતિમાં એને ટ્રીટમેન્ટ વડે વધારવું અઘરું છે. વધુપડતા સ્ટ્રેસને લીધે, હૉર્મોનલ ઇમ્બૅલૅન્સ હોવાને કારણે કે જો તમને ડાયાબિટીઝ હોય તો આ રિઝર્વ ઘટવાની સંભાવના છે. જો હૉર્મોન્સને કારણે હોય તો ટ્રીટમેન્ટથી રિઝર્વ વધારવાનો પ્રયાસ થઈ શકે છે. બાકી આ પરિસ્થિતિમાં ભવિષ્ય માટે એક ડૉક્ટર બે જ સૂચન કરી શકે : કાં તો તમે એગ ફ્રીઝ કરાવી લો અથવા બાળક પ્લાન કરી લો. આ બન્નેમાંથી એક ઉપાય પર જલદી નિર્ણય લેવો જરૂરી છે. હજી આમ એક-બે વર્ષ નીકળી ગયાં તો મોડું થવાની શક્યતા છે.

columnists health tips