દૂધ પીવું છે, પણ પચતું જ ન હોય તો શું કરવું?

08 September, 2021 06:11 PM IST  |  Mumbai | Dr. Sanajy Chhajed

હવે ગાયનું દૂધ તો આમ પણ પાતળું હોય છે અને એમાં પાણી નાખીને લઉં એટલે ભાવતું નથી, તો મારે શું કરવું? દૂધ લેવું કે છોડી દેવું? 

પ્રતીકાત્મક તસવીર

મારી ઉંમર ૬૬ વર્ષ છે. ધીમે-ધીમે મારાં હાડકાં નબળાં પડતાં જાય છે. મારા ઑર્થોપેડિક ડૉક્ટર મને કહે છે કે મારે દૂધ રેગ્યુલર પીવું જ જોઈએ, પરંતુ તકલીફ એ છે કે આજકાલ મને દૂધ પચતું નથી. દૂધ મને ભારે પડે છે પચવામાં. પીધા પછી સારું લાગતું નથી. ગૅસની સમસ્યા પણ રહે છે. હું દહીં, છાસ લઈ શકું છું, પરંતુ દૂધમાં તકલીફ છે. દૂધ પીઉં એટલે ભેટ ભારે રહે, ફુલી ગયેલું લાગે અને અકળામણ થયા કરે. મને કોઈએ સલાહ આપી કે દૂધમાં પાણી નાખીને પીઓ એટલે એ શરૂ કર્યું. હવે ગાયનું દૂધ તો આમ પણ પાતળું હોય છે અને એમાં પાણી નાખીને લઉં એટલે ભાવતું નથી, તો મારે શું કરવું? દૂધ લેવું કે છોડી દેવું? 
 
 તમારી વાત સાચી છે. દૂધ આમ પણ ભારે વસ્તુ છે પચવા માટે. આ સિવાય તમારી ઉંમર જે છે એમાં બની શકે કે તમારી પાચનશક્તિ થોડી નબળી પડી ગઈ હશે. ઘણા લોકોને ઉંમર વધ્યા પછી દૂધ પચવામાં મુશ્કેલી થાય છે. આ ઉંમરે દૂધ માફક ન આવે એવું બને ત્યારે દૂધ સુપાચ્ય ફૉર્મમાં લેવું. 
તમે દહીં અને છાસ લો છો એ સારું છે. એમાંથી પણ કૅલ્શિયમ સારું મળે છે અને એ સુપાચ્ય પણ રહે છે, પરંતુ જો તમને હાડકાંને સશક્ત કરવા માટે અને પોષણ માટે દૂધ લેવું હોય તો એનો એક ઉપાય છે. તમે ૧૦૦ ગ્રામ સૂંઠ, ૧૦૦ ગ્રામ વરિયાળી, ૧૦૦ ગ્રામ વાવડિંગ અને ૫૦ ગ્રામ પીપરીમૂળ ભેગાં કરો. એનો થોડો દરદરો પાઉડર બનાવો. આ પાઉડરને એક ડબ્બામાં ભરીને રાખી દો. હવે જ્યારે પણ દૂધ પીઓ ત્યારે ૧ કપ દૂધમાં એક કપ પાણી નાખો અને એક ચમચી આ પાઉડર ઉમેરો અને એને ધીમી આંચ પર ઉકાળો. એક કપ દૂધ બચે ત્યાં સુધી ઉકાળો અને પછી ગાળીને લઈ લો. તમને ભાવે એવું કરવા માટે આ દૂધમાં તમે સાકર ઉમેરી શકો છો. એમાં તમને કોઈ ફ્લેવર ભાવતી હોય તો ઇલાયચી કે કેસર પણ નાખી શકો છો, પરંતુ મુખ્ય એ કરવાનું છે કે એમાં આ પાઉડર ઉકાળીને દૂધ બનાવવાનું છે. પાણી તમે જેટલું નાખો છો એટલું જ બાળો છો એટલે અંતે દૂધ જ રહેશે. પાતળું નહીં થાય કે તમને ભાવે નહીં. આ પાઉડરથી દૂધ સુપાચ્ય બનશે. ગૅસ થાય તો છૂટી જશે. આ પ્રકારે ઉકાળો ઘરમાં કોઈ પણ વ્યક્તિ પી શકે છે, એને પણ લાભ જ થશે.

health tips columnists