ઉંદર કરડી જાય તો શું કરવું?

07 September, 2021 04:40 PM IST  |  Mumbai | Dr. Sushil Shah

જ્યારે પર આવું કંઈક થાય એ પછી આગળનું સ્ટેપ એ છે કે એક ટીટનસનું ઇન્જેક્શન લેવુ

પ્રતીકાત્મક તસવીર

મારી ઉંમર ૪૦ વર્ષ છે. હમણાં ચોમાસામાં ઉંદરો ઘરમાં ઘૂસી જતા હોય છે, આ તકલીફ અમારી સોસાયટીમાં ખૂબ છે. અમે પહેલા માળે જ રહીએ છીએ. એક દિવસ બારી ખૂલી રહી જતાં ઉંદર ઘરમાં ઘૂસી આવ્યો અને રાત્રે હું સૂતી હતી ત્યારે બટકું ભરીને ભાગી ગયો. હું સફાળી જાગી ગઈ. એના દાંત મારી આંગળી પર બેસી ગયા હતા અને લોહી નીકળવા લાગ્યું. મેં તરત ઍન્ટિસેપ્ટિક ક્રીમ લગાડી પાટો બાંધ્યો અને સૂઈ ગઈ. બીજે દિવસે બધું ઠીક હતું. પરંતુ મને ઘરમાંથી કહે છે કે ડૉક્ટરને બતાવી દઉં. કારણકે લાંબા ગાળે રેબીઝ થઈ શકે. શું ઉંદરના કરડવાથી રેબીઝ થઈ શકે? ઉંદર કરડવાને કારણે બીજી કોઈ તકલીફ થઈ શકે ખરી?

 

ઘણા લોકો આ બાબતે ખોટી માહિતી ધરાવે છે કે ઉંદરના કરડવાથી રેબીઝ થાય છે. રેટ અને રેબીઝ સાંભળવામાં સરખા લાગે છે પરંતુ એ બન્ને વચ્ચે કોઈ સંબંધ નથી માટે તમે નિશ્ચિંત થઈ જાઓ. ઉંદરના કરડવાથી રેબીઝ થતું નથી. કૂતરાના કરડવાથી કે વાંદરાના કરડવાથી રેબીઝ થવાની શક્યતા રહે છે. આ પરિસ્થિતિમાં ઍન્ટિ-રેબીઝ ઇન્જેક્શન લેવું પડે છે. એ લેવું ખૂબ જ જરૂરી બની જાય છે, પરંતુ ઉંદરના કરડવાથી ઍન્ટિ-રેબીઝ ઇન્જેક્શન લેવાની બિલકુલ જરૂર નથી.

ઉંદરના કરડવાનો ઇલાજ એ જ છે જે એક ઘાવ થવાનો ઇલાજ હોય. જો ઘાવ ઊંડો હોય તો હિલ થતા વાર લાગે. તમારા કેસમાં ઘાવ ખાસ ઊંડો નથી એટલે ૨-૩ દિવસમાં હિલ થઈ જશે. એ માટે નિયમિત ડ્રેસિંગ કરતા રહેજો. જ્યારે ઉંદર કરડે ત્યારે એને પ્રોપર વૉશ કરીને ડ્રેસિંગ કરવું જરૂરી છે જે તમે કર્યું એ સારી વાત છે.

જ્યારે પર આવું કંઈક થાય એ પછી આગળનું સ્ટેપ એ છે કે એક ટીટનસનું ઇન્જેક્શન લેવુ. એ જરૂરી છે. ટીટનસનું ઇન્જેક્શન સામાન્ય રીતે કોઈ પણ ઘાવ પછી લેવું જ જોઈએ. તમે ફૅમિલી ડૉક્ટર પાસે જઈને કન્સલ્ટ કરો. તેઓ તમને ડૉક્ટર પાસે જઈને એક ઇન્જેક્શન લઈ લો. આ સિવાય માઇલ્ડ ઍન્ટિબાયોટિક લેવી પણ એટલી જ જરૂરી છે. એ ડૉકટરની સલાહ પ્રમાણે લઈ લેજો, જેથી બીજા કોઈ પ્રકારના ઇન્ફેક્શનની શક્યતા ન રહે.

ઘાનું નિયમિત ડ્રેસિંગ કરતા રહેવું જરૂરી છે. એની રૂઝ બરાબર આવે છે કે નહીં એ ચેક કરતા રહેવું.

columnists health tips