ફાટેલા હોઠ અને એડી માટે શું કરવું?

11 January, 2022 01:37 PM IST  |  Mumbai | Dr. Sanajy Chhajed

શિયાળો શરૂ થાય એ પહેલાં જ સતર્કતાપૂર્વક તમારે તમારા હોઠ અને એડીની સંભાળ રાખવાનું શરૂ કરી દેવું હતું

પ્રતીકાત્મક તસવીર

હું ૨૮ વર્ષની છું અને મારી ત્વચા એકદમ ડ્રાય છે. શિયાળામાં મારા હોઠ અને એડી ખૂબ જ ફાટી જાય છે. એમાં ચીરા પડે છે અને લોહી પણ નીકળે છે. એટલી ખરાબ હાલતમાં હું શું કરું મને સમજાતું નથી, કારણ કે બહારની કેમિકલવાળી ઘણી પ્રોડક્ટ્સ વાપરી, પરંતુ એનાથી મને ઍલર્જી થઈ જતી હતી. નૅચરલ પ્રોડક્ટ પણ વાપરી, પરંતુ એનાથી જોઈએ એવી અસર થઈ નહીં. મને કોઈ એવો ઉપાય જણાવો જે મને ઍલર્જી ન જ કરે અને એ એકદમ અસરકારક પણ સાબિત થાય.    

તમને આ પ્રકારની તકલીફ છે તો પહેલી વાત એ કે શિયાળો શરૂ થાય એ પહેલાં જ સતર્કતાપૂર્વક તમારે તમારા હોઠ અને એડીની સંભાળ રાખવાનું શરૂ કરી દેવું હતું. ઘણી સેન્સિટીવ સ્કિનવાળાને બહારની કેમિકલયુક્ત પ્રોડક્ટ માફક આવતી નથી. કેમિકલ્સ શરીરને કેટલી હદે નુકસાન કરે છે એ આપણે સૌ જાણીએ જ છીએ. બીજું એ કે આજકાલ નૅચરલના નામે વેચાતી પ્રોડક્ટ્સ પણ કેટલી નૅચરલ હોય છે એ કહી શકાય નહીં. એના કરતાં બેસ્ટ રીત એ છે કે તમે ઘરે જ તમારી દવા ખુદ બનાવો, જે જરાય અઘરી નથી. સરળ છે અને અસરકારક પણ એટલી જ છે. 
લીપ બામ અને એડી પર લગાવવાનો બામ ખુદ જ બનાવી શકાય છે. ફાટેલા હોઠ માટે ઘી, કોકમ બટર અને બી-વેક્સને એકસરખા પ્રમાણમાં લેવાં અને એને ગરમ કરીને એકબીજા સાથે એકરસ થઈ જાય એ પછી એક બૉટલમાં ભરી લેવું, જેને લીપ બામ તરીકે વાપરવું. તમારા હોઠની હાલત ખરાબ છે તો આખા દિવસમાં થોડી-થોડી વારે લગાડ્યા જ કરવું. થોડા દિવસમાં હોઠ સારા થઈ જાય પછી એનું પ્રમાણ ઓછું કરી શકાય. એડી માટેનો બામ બનાવવા માટે ઘી, નારિયેળનું તેલ, કોકમ બટર અને બી-વેક્સ બધું એક જ સરખા પ્રમાણમાં લો, જેમ કે દરેક વસ્તુ ૫૦ ગ્રામ લો અને એને ભેગી કરો. ગરમ કરો અને ગાળી લો. એ પછી એમાં ૧૦-૧૫ ગ્રામ ગેરુનો પાઉડર ઉમેરો. એક મોટા મોઢાવાળી કાચની બરણીમાં એ લિક્વિડ ભરી લો. દરરોજ એડી પહેલાં તો પાંચ મિનિટ માટે પાણીમાં ડુબાડીને રાખો. જો ચામડી પર ડેડ સ્કિન હોય તો એને ઘસીને કાઢી લો. જો વાઢિયા થઈ ગયા હોય તો એને ઘસો નહીં. એડી પર આ બામ લગાવો અને મોજાં પહેરવાનું ભૂલતા નહીં. એનાથી ઘણો ફરક પડશે.

columnists health tips