સાત મહિનાના બાળકનું વજન વધે એ માટે શું કરવું?

21 January, 2022 02:34 PM IST  |  Mumbai | Dr. Pankaj Parekh

મને ચિંતા એ છે કે એક તો સાતમા મહિને આવેલું અને સાવ ઓછું વજન ધરાવતા આ બાળકનો યોગ્ય વિકાસ કઈ રીતે થશે? એનું વજન કઈ રીતે વધશે? મારે શું કરવું જેથી એ શક્ય બને?

પ્રતીકાત્મક તસવીર

મારું બાળક સાત મહિનાનું છે અને એનું વજન ૧.૭ કિલો જેટલું જ છે. ૩ દિવસ એને એનઆઇસીયુમાં રાખવામાં આવ્યું હતું. એ પછી તે ઠીક છે. શરૂઆતના બે દિવસ તેને સ્તનપાન કરાવવાનું ખૂબ અઘરું પડ્યું હતું. ધીમે-ધીમે કોશિશ કરું છું. બાકી ઉપરની ફૉર્મ્યુલા ચાલુ છે. મને ચિંતા એ છે કે એક તો સાતમા મહિને આવેલું અને સાવ ઓછું વજન ધરાવતા આ બાળકનો યોગ્ય વિકાસ કઈ રીતે થશે? એનું વજન કઈ રીતે વધશે? મારે શું કરવું જેથી એ શક્ય બને?

સૌથી પહેલાં તો તમારે ચિંતા છોડવી પડશે, કારણ કે ચિંતાની સીધી અસર માના દૂધ પર અને બાળકના વિકાસ પર પડે છે. તમે ખુશ રહો અને બાળક માટે ખંતથી લાગી પડશો તો ચોક્કસ તમને જરૂરી રિઝલ્ટ મળશે. સામાન્ય રીતે જન્મ વખતે બાળક ઓછા વજનનું હોય તો એનો અર્થ એ કે જે વિકાસ માની કૂખમાં નથી મળ્યો એ વિકાસ આપણે એને બહાર આપવાનો છે. જો બાળક ૧-૨ કિલો ઓછું વજન ધરાવતું હોય તો આરામથી બ્રેસ્ટ ફિડિંગ દ્વારા એનું વજન લેવલમાં લાવી શકાય છે. જો માનું દૂધ એને બરાબર ૬ મહિના સુધી આપવામાં આવે અને એના પછી પણ પોષણયુક્ત ખોરાક મળે તો ચોક્કસ એનામાં મોટા ફેરફાર આવી શકે છે. 
વેઇટ ગેઇન સ્ટીમ્યુલેટર કરીને દવાઓ આવે છે, જે મદદરૂપ થઈ શકે. અમુક પ્રકારનાં પ્રોટીન સપ્લિમેન્ટ પણ આવે છે જે ઇન્જેક્શન દ્વારા બાળકને આપી શકાય છે. આ બધી જ સગવડ  બાળકને નીઓનેટલ ઇન્ટેન્સિવ કૅર યુનિટમાં મળે છે. બાળકનું વજન નૉર્મલ થાય એ માટે સ્તનપાન પર ભાર આપવો જરૂરી છે. જન્મતાની સાથે એને માનું દૂધ મળ્યું હોત તો સ્તનપાનમાં અને એના વિકાસમાં સરળતા થાત. હવે જે કઠિનાઈ પડી રહી છે એમાં તમે હિંમત ન હારતા. ઊલટું તમે એને સ્તનપાન માટે જે પ્રયત્ન કરી રહ્યા છો એ ચાલુ જ રાખો. ફૉર્મ્યુલા ન આપવું પડે એવી પરિસ્થિતિ આદર્શ સાબિત થશે. જો એના માટે ડૉક્ટરની મદદની જરૂર પડે તો ચોક્કસ લો. 
એક વખત બાળકનું વજન નૉર્મલ આવી જાય પછી એનો વિકાસ પણ નૉર્મલ જ થાય છે અને આગળ જતાં કોઈ તકલીફ નથી આવતી. જન્મ પછી એને યોગ્ય પોષણ, પરિવારનો સાથ અને સાચો જરૂરી ઇલાજ મળવો જરૂરી છે. 

columnists health tips