ઍન્ગ્ઝાયટી વધતી જાય છે શું કરવું?

23 June, 2021 02:27 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બધું જ સૅનિટાઇઝ કરાવડાવે છે. કામવાળીને એમણે આવવા જ દીધી નથી. આટલી ઉંમરે આખા ઘરનું કામ મારે કરવું પડે છે. એમના ખૂબ નજીકના મિત્રનું મૃત્યુ પણ હમણાં દસ દિવસ પહેલાં થયું

મિડ-ડે લોગો

હું ૬૫ વર્ષની છું અને મારા પતિ ૭૦ વર્ષના છે. છેલ્લું એક વર્ષ લગભગ અમે ઘરની ચાર દીવાલની અંદર જ ગાળ્યું છે, કારણકે કોરોનામાં ઘરની બહાર પગ કાઢતા પણ મારા પતિ ખૂબ ડરે છે. નથી એ ખુદ જતા કે નથી મને જવા દેતાં. એમના મનમાં ખૂબ ડર પેસી ગયો છે કે મને કે એમને કંઈ થઈ ગયું તો શું થશે. અમે બન્ને મુંબઈમાં એકલાં જ રહીએ છીએ. બાળકો અમેરિકા રહે છે. બહારથી આવતું કરિયાણું કે સામાન મારી પાસે ખૂબ ધોવડાવે છે. બધું જ સૅનિટાઇઝ કરાવડાવે છે. કામવાળીને એમણે આવવા જ દીધી નથી. આટલી ઉંમરે આખા ઘરનું કામ મારે કરવું પડે છે. એમના ખૂબ નજીકના મિત્રનું મૃત્યુ પણ હમણાં દસ દિવસ પહેલાં થયું. એમાં એ ખૂબ વ્યથિત તો છે પરંતુ એમનો ડર બમણો વધી ગયો છે.      
 
સમય ઘણો અઘરો છે અને એની અસર દરેક વ્યક્તિ પર થઈ છે. મૃત્યુનો ડર આજે દરેક વ્યક્તિના મનમાં ડોકાઈ રહ્યો છે. દરેક વ્યક્તિ એની સાથે કોઈને કોઈ રીતે ડીલ કરી રહી છે, પરંતુ જે પરિસ્થિતિ તમારા પતિની છે એમાં એમને પ્રોફેશનલ મદદની જરૂર છે. એમનો ડર ખૂબ વધી ગયો છે અને એને એ ખુદ દૂર નહીં કરી શકે. કોઈ પણ સાઇકોલૉજિસ્ટ કે સાઇકિયાટ્રિસ્ટની મદદ લો એ જરૂરી છે. જો જરૂર પડે તો એન્ગ્ઝાયટીની દવાઓ પણ આપી શકાય. 
બીજું એ કે એમને એમના મનપસંદ લોકોના સતત ટચમાં રાખો. બાળકોને કહો કે દરરોજ એમની સાથે ફોન પર વાત કરે. જીવનને થોડું વધુ રસપ્રદ બનાવે. યોગ, પ્રાણાયામ અને ધ્યાન પણ ખૂબ જ મદદરૂપ થશે. ફિઝિકલી ઍક્ટિવ કરો. એવું હોય તો ઘરના કામમાં એમની મદદ લો. જો એ ફિઝિકલી ઍક્ટિવ થશે તો એમને રાત્રે ઊંઘ સારી આવશે જેથી ખોટા વિચારો બંધ થશે. આ બધા ફેરફાર દેખાવમાં નાના લાગતા હોય છે પરંતુ એ ખૂબ ઉપયોગી ફેરફાર હોય છે. એનું રિઝલ્ટ તમારી તરફેણમાં આવશે. આ સિવાય થોડો સમય ન્યુઝ જોવા-વાંચવાના બંધ કરો. થોડું ધર્મ-ધ્યાનમાં મન લગાવો અને સ્પિરિચ્યુઅલ પ્રેક્ટિસ વધારો. આ પ્રેક્ટિસ તમને મૃત્યુના ડરથી બચાવશે અને જીવન પ્રત્યેની એક ઊંડી સમજ પણ વિકસાવશે. મહત્ત્વનું એ છે કે આ માનસિકતામાંથી બહાર નીકળતા વાર લાગશે એટલે થોડી તમે ધીરજ રાખશો અને પ્રોફેશનલ અને પર્સનલ હેલ્પ દ્વારા એમના આ ડર પર કાબૂ લાવશો.

health tips columnists kinjal pandya