ઍન્ટિબાયોટિક્સનો લેતી વખતે ખોરાક કેવો હોવો જોઈએ?

31 August, 2021 11:08 AM IST  |  Mumbai | Yogita Goradia

પ્રો-બાયોટિક દવાઓ લેવા કરતાં દહીં ન ખાઈ શકાય? આ દરમિયાન મારે કયો ખોરાક ખાવો જેથી મારું પેટ સ્વસ્થ રહે એ બાબતે મને માર્ગદર્શન આપશો.

પ્રતીકાત્મક તસવીર

હું બાવન વર્ષની છું. હાલમાં મારું એક ઑપરેશન થયું છે. જોકે મને અત્યારે ઘણું સારું છે પરંતુ ઑપરેશન પછી મને હેવી ઍન્ટિબાયોટિક્સ ડૉક્ટરે આપી છે. પરંતુ એની સાથે તેમણે મને પ્રો-બાયોટિક દવાઓ પણ લેવાનું કહ્યું છે. પ્રો-બાયોટિક દવાઓ લેવા કરતાં દહીં ન ખાઈ શકાય? આ દરમિયાન મારે કયો ખોરાક ખાવો જેથી મારું પેટ સ્વસ્થ રહે એ બાબતે મને માર્ગદર્શન આપશો.
 
જ્યારે પણ ઍન્ટિબાયોટિક્સનો લાંબો કોર્સ લેવાનો હોય ત્યારે શરીરની વધુ કાળજી જરૂરી છે. આમ તો ઍન્ટિબાયોટિક્સનો કોર્સ ૩ કે ૫ દિવસનો હોય છે પરંતુ જરૂરિયાત મુજબ ડૉક્ટર્સ દવાઓ આપતા હોય છે. તમારા ડૉક્ટરે તમને જે દવા આપી છે એ મુજબ તમારે લઈ જ લેવી. એમાં વિચાર ન કરવો. 
ઍન્ટિબાયોટિક્સ દવાઓ સાથે પ્રો-બાયોટિકની જરૂર એટલે પડે છે કારણ કે ઍન્ટિબાયોટિક્સ દવાઓ પેટમાં રહેલા ખરાબ બૅક્ટેરિયાની સાથે-સાથે સારા બૅક્ટેરિયાનો પણ નાશ કરે છે, જેને લીધે પાચન મંદ પડી જાય છે. આમ તો તમે નૅચરલ પ્રો-બાયોટિક ખાઓ તો વધુ સારું જ ગણાય, પરંતુ મોટા ભાગના દરદીઓ આ બાબતે ધ્યાન આપતા નથી. નૅચરલ પ્રો-બાયોટિક ક્યારેક લે અને ક્યારેક ન લે એવું કરે. આ પરિસ્થિતિમાં ડૉક્ટર્સ વિચારતા હોય છે કે દવાઓ આપી દઈએ જેથી રેગ્યુલર ખવાય. 
તમે કોર્સ શરૂ કરો ત્યારે એ ધ્યાન રાખો કે ઍન્ટિબાયોટિક્સના કોર્સ દરમિયાન હેવી ફૂડ ન લેવું. સરળતાથી પચી જાય એવો ખોરાક જ ખાવો. દાળ-કઠોળનું પ્રમાણ અને તેલ-ઘીનું પ્રમાણ ઓછું કરી નાખવું. દૂધ પણ બિલકુલ બંધ રાખવું, કારણ કે દૂધ ઍસિડિક છે. ઍન્ટિબાયોટિક્સ લેતા હોઈએ ત્યારે શરીરમાં ઍસિડ વધુ બને એટલે દૂધ ન લેવું. દૂધની વાનગીઓ પનીર અને ચીઝ ન ખાવાં. મસાલાવાળો ખોરાક ન લેવો. આ સિવાય દહીં અને છાશ ભરપૂર લઈ શકાય. દહીંમાં શેકેલું જીરું બેસ્ટ ગણાશે. લીંબુનો ઉપયોગ કરી શકાય જેથી પાચનને બળ મળે. વરિયાળીનું પાણી અને પલાળેલી કાળી દ્રાક્ષ પણ ફાયદાકારક છે. આ પ્રકારનો ખોરાક ઍન્ટિબાયોટિક્સનો કોર્સ કરતા હોય એ પછી પણ અઠવાડિયા-દસ દિવસ સુધી ચાલુ રાખો તો ફાયદો જ છે. કોર્સ પતી જાય પછી પણ દહીં, છાશ છોડવા નહીં.

columnists yogita goradia health tips