કોરોના-નેગેટિવ આવ્યા પછી શું ધ્યાન રાખવું?

28 April, 2021 01:30 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હાલમાં મારી કોવિડ-ટેસ્ટ નેગેટિવ આવી છે અને હું હવે ઘરે આવી ગયો છું. હવે પાછા આવીને લાગે છે કે નવું જીવન મળ્યું છે. જોકે હજી નબળાઈ તો છે. શું હવે બધાં સંકટ ટળી ગયાં કે પછી હજી પણ કાંઈ છે જે મારે ધ્યાન રાખવાનું છે.

પ્રતીકાત્મક તસવીર

હું ૫૫ વર્ષનો છું. હાલમાં મને કોવિડ-ઇન્ફેક્શન થયું હતું. હું ૧૨ દિવસ હૉસ્પિટલમાં હતો. મારાં ફેફસાં પર થોડી અસર થઈ હતી એટલે ઑક્સિજન પણ મેં થોડા દિવસ લીધું. દવાઓમાં મને સ્ટેરૉઇડ્સ આપવામાં આવેલી જેનાથી મારી રિકવરી સારી થઈ. હાલમાં મારી કોવિડ-ટેસ્ટ નેગેટિવ આવી છે અને હું હવે ઘરે આવી ગયો છું. હવે પાછા આવીને લાગે છે કે નવું જીવન મળ્યું છે. જોકે હજી નબળાઈ તો છે. શું હવે બધાં સંકટ ટળી ગયાં કે પછી હજી પણ કાંઈ છે જે મારે ધ્યાન રાખવાનું છે.  
 
તમને એ વાતની ખુશી તો હશે જ કે તમે કોરોનાને મહાત આપીને આવતા રહ્યા, પરંતુ કોરોના સામેનો આ જંગ તમે જીતી ગયા એવું લાગતું હોય તો થોડું થોભી જજો. કોરોના નેગેટિવ આવવાથી એની અસરમાંથી શરીર મુક્ત થઈ ગયું છે એ વાત ભૂલ ભરેલી છે. માટે સાવ નિશ્ચિંત ન થઈ જતા. ડરવાની પણ જરૂર નથી. જરૂર છે ફક્ત સાવચેત રહેવાની. 
સૌથી પહેલાં તમારે તમારું ડાયાબિટીઝ સાંભળવાનું છે. તમે સસ્ટેરૉઇડ્સ લઈ રહ્યા હતા. જેની અસર તમારા ડાયાબિટીઝ પર પડી શકે છે. જો તમે ધ્યાન નહીં રાખો તો ડાયાબિટીઝ કાબૂ બહાર જશે. માટે નિયમિત એકાદ મહિના સુધી શુગર-લેવલ ચેક કરતા રહેવું. ખાનપાન અને લાઇફ-સ્ટાઇલ પણ સારી રાખો. 
બીજું, તમને ઑક્સિજનની જરૂર પડી હતી એટલે તમારે ફેફસાં માટે ફિઝિયોથેરપી લેવી જરૂરી છે. જેમાં શ્વાસને લગતી એક્સરસાઇઝ કરવાથી ડૅમેજ થયેલાં ફેફસાંને સ્ટ્રૉન્ગ બનાવવાં અત્યંત જરૂરી છે. રિકવરીમાં એ ઘણું મદદરૂપ થશે. ફિઝિકલ સેશન ન લઈ શકો તો ઑનલાઈન લો, પરંતુ પલ્મનરી રીહૅબ તમને ઘણું મદદરૂપ થશે. 
આ સિવાય એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો કે કોવિડ થયા પછી લોકોને મ્યુકરમાયકોસિસની તકલીફ થઈ શકે છે. આ એક પ્રકારનું ફંગલ ઇન્ફેક્શન છે જે કોવિડ પછી જોવા મળી રહ્યું છે. જે માટેનું પહેલું લક્ષણ નાકથી શરૂ થાય છે. કોવિડ પછી નાક જો એકદમ ઠસી જાય કે બંધ થઈ જાય તો એને ગંભીરતાથી લેવું જરૂરી છે. એ સમયે જ તાત્કાલિક ડૉક્ટરને મળો. 

health tips columnists