અસ્થમા હોય ત્યારે ઓબેસિટીની અસર કેટલી?

07 January, 2022 06:31 PM IST  |  Mumbai | Dr. Pankaj Parekh

છેલ્લાં બે વર્ષમાં શ્વાસની તકલીફ પણ વધી ગઈ છે. બેઠાડું જીવન વધી જવાથી પણ અસ્થમા પર અસર થાય છે એવું મને લાગે છે. દવાઓ લેવા સિવાય હું એના માટે શું કરું એ બાબતે માર્ગદર્શન આપશો.

પ્રતીકાત્મક તસવીર

મારો દીકરો ૧૦ વર્ષનો છે અને છેલ્લાં બે વર્ષમાં એનું વજન લગભગ ૮ કિલો જેટલું વધી ગયું છે. તે નાનો હતો ત્યારે તેને બ્રોન્કાઇટિસની તકલીફ રહેતી અને અસ્થમાની અસર ધીરે-ધીરે ડેવલપ થઈ છે. છેલ્લાં બે વર્ષમાં શ્વાસની તકલીફ પણ વધી ગઈ છે. બેઠાડું જીવન વધી જવાથી પણ અસ્થમા પર અસર થાય છે એવું મને લાગે છે. દવાઓ લેવા સિવાય હું એના માટે શું કરું એ બાબતે માર્ગદર્શન આપશો.

બાળક જ્યારે ઓબીસ હોય ત્યારે તેના હાર્ટ અને ફેફસાં પર પણ વધુ જોર પડે છે. કોઈ પણ ઍક્ટિવિટીમાં તેના હાર્ટ અને ફેફસાંને એમની કૅપેસિટીથી વધુ કામ કરવું પડે છે જે હંમેશાં શક્ય બનતું નથી. આથી આવાં બાળકોમાં ઘણી વાર શ્વાસનળીમાં ભરાવો કે શ્વાસની કોઈ તકલીફ જણાતી હોય છે. શ્વાસની તકલીફ હતી અને હવે વજન વધ્યું છે તો આ તકલીફ વધવાની જ છે. માટે દવાની સાથે એનું વજન ઉતારવું પણ જરૂરી છે. 
અસ્થમાની દવાઓમાં સ્ટેરૉઇડ હોય છે જે લાંબા ગાળા સુધી લેવાથી હાડકાં પર અસર પાડી શકે છે. અસ્થમાને કન્ટ્રોલ કરવા માટે એની એલર્જીને કન્ટ્રોલ કરવી જેટલી જરૂરી છે એટલી જ એની ઓબેસિટીને પણ. વજન ઉતારવાથી શરીર હલકું બનશે અને ફેફસાં પર ભાર ઓછો થશે. આમાં થાય એવું કે વજન ઉતારવા માટે તમે એને એક્સરસાઇઝ કે સ્પોર્ટ્સમાં નાખશો, પરંતુ અસ્થમાને લીધે તે એક્સરસાઇઝ નહીં કરી શકે અને બેઠાડું જીવન વધશે જેને લીધે વજન વધશે અને ફેફસાંની હાલત વધુ ખરાબ થશે. આના ઉપાય સ્વરૂપે એના ડાયટ પર ધ્યાન આપો. એક્સરસાઇઝ ભલે ઓછી કરે, પરંતુ ડાયટથી એનું વજન ઓછું કરવું જરૂરી છે. બાળકને પ્રેશર કરશો તો તે ઊલટું જ કરશે. સમજાવવાથી પણ કામ નહીં બને. 
એ માટે જરૂરી બનશે મોટિવેશન જે તેમને ઘરમાંથી મળવું જોઈએ. માતા-પિતાએ ખુદ ઘરમાં એકસરસાઇઝનો માહોલ રાખવો, તેઓએ ખુદ હેલ્ધી ફૂડ ખાતા હોવા જોઈએ. આ બધાથી ઉપર જો એને પ્રોફેશનલી હેલ્પની જરૂર હોય તો પણ છોછ ન રાખવો, કારણ કે ઓબેસિટી બાળકો માટે અત્યંત નુકસાન કરે છે. તેમના સંપૂર્ણ વિકાસમાં એ નડે છે. એની શારીરિક અને માનસિક અસરો ઘણી છે. ધીરજપૂર્વક કરેલા પ્રયત્ન તમારા બાળકને આમાંથી ઉગારી શકે છે. 

health tips columnists