જસ્ટિનને થયેલો રોગ રામઝી હન્ટ સિન્ડ્રૉમ છે શું?

17 June, 2022 02:07 PM IST  |  Mumbai | Jigisha Jain

કૅનેડિયન પૉપસિંગરને આને કારણે ફેશ્યલ પૅરૅલિસિસ થયો છે. આમ તો ભાગ્યે જ થતી આ તકલીફ વાઇરલ ઇન્ફેક્શનનું એક રૂપ છે જેને લીધે બહેરાશ પણ આવી શકે છે. કોઈ પણ ઉંમરે થઈ શકતી આ સમસ્યા યંગ ઍડલ્ટ્સમાં વધુ જોવા મળે છે

જસ્ટિનને થયેલો રોગ રામઝી હન્ટ સિન્ડ્રૉમ છે શું?

ગ્રેમી અવૉર્ડ વિજેતા કૅનેડિયન સિંગર જસ્ટિન બીબરે હાલમાં સોશ્યલ મીડિયા થકી પોતાના ફૅન્સને જણાવ્યું હતું કે ‘મને રામઝી હન્ટ સિન્ડ્રૉમ નામની તકલીફ થઈ છે જેને લીધે મારા ચહેરાનો અડધો ભાગ પૅરૅલાઇઝ્‍ડ થઈ ગયો છે.’ એટલે કે તેની એક આંખ બંધ નથી થઈ શકતી. એક બાજુથી હોઠ હલાવી ન શકવાને લીધે તે પૂરેપૂરું સ્માઇલ નથી કરી શકતો. એક તરફનું તેનું નાકનું ફોણવું હલતું નથી. આ પરિસ્થિતિમાં તેના આગામી શો કૅન્સલ કરવા પડી રહ્યા છે એવી માહિતી તેણે પોસ્ટ કરેલા વિડિયોમાં ઉમેરી હતી. જસ્ટિન હાલમાં ૨૮ વર્ષનો છે અને આટલી યુવાન વયે પૅરૅલિસિસ જેવી તકલીફ આવવી એ એટલું સહજ પણ નથી. યુવાન વયે જો ચહેરો પૅરૅલેટિક થઈ જાય તો પર્સનલ અને પ્રોફેશનલ બન્ને જીવન અસરગ્રસ્ત થઈ શકે છે. આજે સમજીએ જસ્ટિનને અસર કરનાર રામઝી હન્ટ સિન્ડ્રૉમ છે શું અને એ કઈ રીતે થાય છે. 
આ વળી નવો સિન્ડ્રૉમ?
૧૯૦૭માં જેમ્સ રામઝી હન્ટ નામની વ્યક્તિએ આ રોગનાં લક્ષણો અલગથી ઓળખી બતાવ્યાં હતાં એટલે તેના નામ પરથી આ સિન્ડ્રૉમનું નામ પડ્યું. અમેરિકામાં દર ૧ લાખ વ્યક્તિએ ફક્ત પાંચ વ્યક્તિને દર વર્ષે આ રોગ થાય છે, આમ એ ભાગ્યે જ જોવા મળતો રોગ કહી શકાય. આ રોગને સરળતાથી સમજાવતાં ન્યુરોલૉજિસ્ટ ડૉ. શિરીષ હસ્તક કહે છે, ‘વેરીસેલા ઝોસ્ટર નામના વાઇરસને કારણે આ રોગ થાય છે. આ વાઇરસ ચિકનપૉક્સ એટલે કે ઓરી અછબડા અને હર્પીસ જેવા રોગ માટે જવાબદાર છે. ઓરી અછબડા થયા પછી રોગ તો મટી જાય છે, પરંતુ એ વાઇરસ શરીરની બહાર જતો નથી, શરીરમાં નિષ્ક્રિય થઈને પડેલો હોય છે, પરંતુ અમુક વ્યક્તિના શરીરમાં ઇમ્યુનિટીમાં આવતા અમુક બદલાવને કારણે જે ફેરફાર થાય ત્યારે કે પછી બીજા કોઈ પણ કારણસર એ ફરીથી જાગ્રત થાય ત્યારે તકલીફ ઊભી કરી શકે છે.’
અસર કેટલો સમય રહે?
વર્ષો પછી એ જાગ્રત થાય ત્યારે એ ચહેરાની નસોને અસર કરે છે, જે વિશે વાત કરતાં ડૉ. શિરીષ હસ્તક કહે છે, ‘જેનિક્યુલેટ ગેગ્લીઓન એ ચહેરાની કનૅલમાં રહેલી ફેશ્યલ નર્વના એક ભાગનું નામ છે. આ વાઇરસ આ ભાગને અસર કરે છે જેને લીધે નર્વનો એ ભાગ સૂજી જાય છે ત્યાં ઇન્ફ્લેમેશન આવે છે. એને લીધે વ્યક્તિ ફેશ્યલ પૅરૅલિસિસનો ભોગ બને છે. આ રોગ દેખાવમાં સ્ટ્રોક જેવો છે, કારણ કે સ્ટ્રોકમાં પણ પૅરૅલિસિસ એટલે કે લકવો આવી જાય છે, પરંતુ સ્ટ્રોક મગજની તકલીફ છે અને રામઝી હન્ટ સિન્ડ્રૉમ એ ચહેરાની નસની તકલીફ છે. સ્ટ્રોકમાં ફક્ત ચહેરાને લકવો નથી લાગતો, આખા શરીર પર એની અસર દેખાય છે, જ્યારે આમાં ફક્ત ચહેરા પર જ એની અસર દેખાય છે. આમ એ એકબીજાથી અલગ પડે છે.’
લક્ષણો શું હોય?
આ સિન્ડ્રૉમમાં વ્યક્તિના ચહેરાની એક બાજુ પૅરૅલાઇઝ્‍ડ થાય છે, જે ડાબી કે જમણી કોઈ પણ બાજુ હોઈ શકે છે. એને લીધે ચહેરાની એક બાજુ બિલકુલ હલતી નથી. જેવું જસ્ટિનને થયું છે એવું જ. એનાં બીજાં લક્ષણ વિશે વાત કરતાં ડૉ. શિરીષ હસ્તક કહે છે, ‘આમ તો આ વાઇરસની તીવ્રતા વ્યક્તિ-વ્યક્તિએ જુદી હોય છે અને એ તીવ્રતા મુજબ જ દરેક વ્યક્તિને જુદાં-જુદાં લક્ષણ જોવા મળે છે. આ સિન્ડ્રૉમમાં સામાન્ય રીતે વ્યક્તિને કાનમાં દુખાવો થાય છે, કાનમાં ફોડલો પણ થઈ શકે. જોકે શ્વાસ લેવામાં કોઈ તકલીફ થતી નથી, પરંતુ ખાવામાં અને ટેસ્ટમાં ક્યારેક એની અસર જણાય છે. એક આંખ બંધ ન થઈ શકતી હોવાને લીધે એ આંખમાં ડ્રાય આઇની તકલીફ આવી જાય છે. આ સિવાય વર્ટિગો, ડ્રાય માઉથ જેવી તકલીફ થઈ શકે છે. સૌથી મોટો પ્રૉબ્લેમ જો કોઈ કહી શકાય તો એ છે કાનમાં બહેરાશ. ક્યારેક આ બહેરાશ કાયમી પણ થઈ શકે છે, એટલું જ નહીં, ચહેરાના સ્નાયુઓ એને લીધે કાયમી ધોરણે એકદમ નબળા પડી જાય એવું પણ બની શકે છે.

ઇલાજમાં શું થાય?
ઉપરના કોઈ પણ લક્ષણ સામે આવે કે તરત ડૉક્ટરને મળવું જરૂરી છે. એનું જલદી નિદાન થઈને ઇલાજ જલદી શરૂ થઈ શકે. એના ઇલાજરૂપે કોર્ટિકો સ્ટેરૉઇડ્સ, ઍન્ટિવાઇરલ દવાઓ, પેઇન રિલિવર અને ક્યારેક કોઈ પરિસ્થિતિમાં ઍન્ટિ ઍન્ગ્ઝાયટી દવા પણ કામ કરે છે. બાકી જે મુજબ લક્ષણો હોય એ લક્ષણો માટે અમુક દવા હોય છે, જેમ કે આંખ સૂકી થઈ ગઈ હોય તો એને માટે અમુક ડ્રૉપ્સ અને મોઢું સૂકું લાગતું હોય તો એને માટે જુદી દવા આપવામાં આવે છે. મહત્ત્વની વાત એ છે કે આનો ઇલાજ લાંબો ચાલે છે, કારણ કે દવા ધીમે-ધીમે વાઇરસ પર અસર કરે છે અને નર્વના એ ભાગનો સોજો ઘટતાં વાર લાગે છે. માટે એટલો સમય થોડી ધીરજ અનિવાર્ય છે.

justin bieber health tips Jigisha Jain columnists