લાંબા ગાળાની ઍસિડિટી પાછળ શું જવાબદાર છે?

14 May, 2021 03:10 PM IST  |  Mumbai | Dr. Chetan Bhatt

મન ખૂબ થાય છે સ્પાઇસી ફૂડ ખાવાનું, પણ ખાઉં એટલે હાલત ડામાડોળ થઈ જાય છે. હંમેશાં ખીચડી પર જીવવું તો શક્ય નથી? મારે શું કરવું?

GMD Logo

૨૭ વર્ષનો છું અને મને છેલ્લા કેટલાક મહિનાઓથી સતત ખૂબ ઍસિડિટી રહે છે. દવાઓ લઉં ત્યારે સારું થઈ જાય છે, પણ જેવી દવાઓ છોડું તો ફરીથી પરિસ્થિતિ એની એ જ થઈ જાય છે. છાતીમાં સતત બળતરા રહે છે અને ખાટા ઓડકાર આવ્યા કરે છે. મન ખૂબ થાય છે સ્પાઇસી ફૂડ ખાવાનું, પણ ખાઉં એટલે હાલત ડામાડોળ થઈ જાય છે. હંમેશાં ખીચડી પર જીવવું તો શક્ય નથી? મારે શું કરવું?      

ઍસિડિટી એક એવું લક્ષણ છે જેના માટે કોઈ પણ વ્યક્તિએ થોડી ગંભીરતા રાખવી જોઈએ. જ્યારે એ લાંબા ગાળાથી ચાલી આવતી હોય. ક્યારેક થતી ઍસિડિટી પર ધ્યાન દઈને એને સંભાળી લઈએ તો એ લાંબા ગાળાની તકલીફમાં પરિણમતી નથી. પહેલું કામ ઍસિડિટી થવાનું કારણ શું છે એ શોધવાનું છે. ઍસિડિટી પાછળ ઘણા રોગો જવાબદાર હોઈ શકે છે. લાઇફસ્ટાઇલ એક કારણ છે. 
સૌપ્રથમ કારણ એની પાછળ લાઇફસ્ટાઇલ રિલેટેડ હોઈ શકે છે. એમાં હરી, કરી અને વરી ત્રણેયનો ભરપૂર સમાવેશ થાય છે અને આ ત્રણેય વસ્તુ તમારા પેટમાં ઍસિડિટી અને ગૅસ માટે જવાબદાર બને છે. હરી એટલે કે જમવામાં, જમવાનું બનાવવામાં, ક્યાંય પણ પહોંચવામાં, આપણાં રોજિંદાં કામોમાં પણ હંમેશાં આપણને ઉતાવળ જ હોય છે. કરી એટલે આપણું ભોજન. તીખું, તળેલું, મસાલાવાળું ભોજન. કોઈને ઘરનું સીધું-સાદું અને સાત્ત્વિક ભોજન ભાવે છે જ ક્યાં. આ સિવાય વરી એટલે કે સ્ટ્રેસ પણ એક એવી વસ્તુ છે જે શરીરમાં ઉત્પન્ન થનારા આ ઍસિડની માત્રામાં વધારો કરે છે. જે વ્યક્તિની ઊંઘ બરાબર ન હોય, ખાનપાન વ્યવસ્થિત ન હોય, બેઠાડુ જીવન જીવતી હોય, ઓબીસ હોય તો તેને ઍસિડિટી થવાની શક્યતા રહે છે. સૌથી પહેલાં એ તપાસવું જોઈએ કે લાઇફસ્ટાઇલમાં ક્યાં ગરબડ છે. બીજું એ કે તમને સ્મોકિંગ કે આલ્કોહૉલની આદતથી પણ ઍસિડિટીની સમસ્યા થઈ શકે છે. આ સિવાય પેટમાં અલ્સર, આંતરડાંમાં ચાંદાં થઈ ગયાં હોય કે કોઈ ખોરાકની ઍલર્જી હોઈ શકે છે. પાચનને લગતી સમસ્યા, અપૂરતી ઊંઘ જેવાં કારણો પણ ઍસિડિટી પાછળ જવાબદાર હોઈ શકે છે. કોઈ પ્રકારનું લાંબા ગાળાનું ઇન્ફેક્શન પણ હોઈ શકે છે. તમે ડૉક્ટરને મળો. જરૂરી ટેસ્ટ કરાવીને નિદાન જરૂરી છે. 

columnists life and style chetan bhatt