દીપિકા પાદુકોણની ગ્લોઇંગ સ્કિનનું રહસ્ય આ ટ્રીટમેન્ટ છે

29 April, 2025 02:10 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ચહેરાનો ચાર્મ જળવાઈ રહે એ માટે બોટોક્સ, ડર્મલ ફિલર્સ, લેઝર જેવી જાતજાતની ટ્રીટમેન્ટ આવે છે. આવી જ એક ટ્રીટમેન્ટ છે HIFU, જેમાં અલ્ટ્રાસાઉન્ડ વેવ્સનો ઉપયોગ કરીને ફેસ-અપલિફ્ટમેન્ટ અને સ્કિન-ટાઇટનિંગ કરવામાં આવે છે.

પ્રતીકાત્મક તસવીર

દીપિકા પાદુકોણની ગ્લોઇંગ અને યુથફુલ સ્કિનનું રહસ્ય તેણે જાતે જ સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર ખોલ્યું છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ મૂકી છે જેમાં તે HIFU એટલે કે હાઈ-ઇન્ટેન્સિટી ફોકસ્ડ અલ્ટ્રાસાઉન્ડ ટ્રીટમેન્ટ કરાવી રહી છે. એવામાં આપણે પણ જાણી લઈએ કે આ ટ્રીટમેન્ટમાં શું હોય છે અને એનાથી સ્કિનને શું ફાયદો થાય છે.

આ ટ્રીટમેન્ટ શું હોય અને કોણ એને કરાવી શકે એ વિશે માહિતી આપતાં ૧૪ વર્ષનો અનુભવ ધરાવતાં અને મુલુંડમાં ઇમ્પલ્સ સ્કિન ક્લિનિક ધરાવતાં કૉસ્મેટોલોજિસ્ટ ડૉ. ભાવના શેઠ કહે છે, ‘HIFU ટ્રીટમેન્ટ એક નૉન-ઇન્વેસિવ કૉસ્મેટિક પ્રોસીજર છે એટલે કે આ ટ્રીટમેન્ટમાં તમારે સ્કિન પર કોઈ કાપો પાડવાની કે કોઈ ઇન્જેક્શન લેવાની જરૂર નહીં પડે. એટલે એક રીતે HIFU ટ્રીટમેન્ટ પેઇનલેસ હોય છે. HIFU ટ્રીટમેન્ટમાં અલ્ટ્રાસાઉન્ડ વેવ્સનો ઉપયોગ કરવામાં આવે છે, જે સ્કિનના ડીપ લેયરમાં જઈને કૉલેજનના પ્રોડક્શનને ઉત્તેજિત કરવાનું કામ કરે છે. કૉલેજન આપણા શરીરનું એ મુખ્ય તત્ત્વ છે જે અંગોને જોડવામાં અને એમને આધાર આપવામાં સહાયક થાય છે. પરિણામે સ્કિનને નૅચરલ લિફ્ટિંગ અને સ્કિન-ટાઇટનિંગ ઇફેક્ટ મળે છે. ચહેરાની ત્વચા લચી ગઈ હોય, ચહેરા પર કરચલીઓ હોય, જૉ-લાઇન હાઇલાઇટ કરવી હોય, સ્માઇલ-લાઇનમાં સુધાર કરવો હોય, ડબલ ચિન હોય તો એના માટે HIFU ટ્રીટમેન્ટ લઈ શકે.’

આ ટ્રીટમેન્ટની અસર ક્યાં સુધી રહે અને એનો ખર્ચો કેટલો આવે એ વિશે માહિતી આપતાં ડૉ. ભાવના શેઠ કહે છે, ‘સામાન્ય રીતે આ ટ્રીટમેન્ટ કરાવ્યા પછી એક મહિનામાં તમને વિઝિબલ ડિફરન્સ દેખાશે. આ ટ્રીટમેન્ટની અસર ટેમ્પરરી હોય છે. જે લોકો વધુ એક્સપ્રેસિવ હોય એટલે કે જેમના ચહેરા પર બોલતી વખતે વધુ હાવભાવ આવતા હોય એવા લોકોના ચહેરા પર આની અસર છ મહિનાથી વધુ ન રહે. જો તમે ઇચ્છતા હો કે HIFU ટ્રીટમેન્ટની અસર લાંબો સમય સુધી ટકી રહે તો તમે RF એટલે કે રેડિયો-ફ્રીક્વન્સી થેરપી દર મહિને લઈ શકો. જનરલી HIFU ટ્રીટમેન્ટ એવા લોકો માટે છે જેમના ચહેરા પર ખૂબ જ પાતળી ફાઇનલાઇન્સ હોય કે જેમની સ્કિન વધુપડતી લચી ગઈ ન હોય.

એટલે જે લોકોની સ્કિન વધુ ડૅમેજ નથી થઈ કે જેમને એવી ટ્રીટમેન્ટ જોઈએ છે જે પેઇનલેસ અને ઝડપી હોય તો એવા લોકો માટે HIFU ટ્રીટમેન્ટ સારો ઑપ્શન છે. જનરલી આનો ખર્ચ ૨૦,૦૦૦થી ૫૦,૦૦૦ રૂપિયા વચ્ચે આવે છે.’

beauty tips skin care fashion news fashion tips celeb health talk celebrity edition life and style lifestyle news