શુગરથી કોઈ જ્યારે ખૂબ ડરી જાય તો?

17 June, 2022 01:05 PM IST  |  Mumbai | Dr. Kersi Chavda

મોઢું એકદમ કસીને બંધ કરી દે છે કે નથી જ ખાવું. એક વાર તો મારાં દાદીએ તેના મોઢામાં તેનો ફેવરિટ શીરો મૂક્યો અને તેણે થૂંકી નાખ્યો. દાદી ખૂબ રડ્યાં એ દિવસે. શું તેનું આ વર્તન નૉર્મલ છે? 

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય આઇસ્ટૉક

મારો ભાઈ બાવીસ વર્ષનો છે. અમે અમારા પિતાને બે વર્ષ પહેલાં જ ગુમાવી દીધા. તેમને ડાયાબિટીઝ હતો અને કિડની ડિસીઝથી તેમનું મૃત્યુ થયું હતું. મારા પિતાને ડાયાબિટીઝ હોવા છતાં તેમનો ખાવા પર કોઈ કન્ટ્રોલ નહોતો. તેમને જોઈ-જોઈને મારો ભાઈ ખૂબ ગભરાઈ ગયો છે. તેણે ગળ્યું ખાવાનું સાવ બંધ કરી દીધું છે, જે એક રીતે તો હેલ્ધી હૅબિટ જ છે, પરંતુ અત્યારે તેની હાલત એવી છે કે ક્યારેક કોઈ પાર્ટીમાં કે કોઈ પ્રસંગે પણ કોઈ ખવડાવે તો તે સીધો ના પાડી દે છે. મોઢું એકદમ કસીને બંધ કરી દે છે કે નથી જ ખાવું. એક વાર તો મારાં દાદીએ તેના મોઢામાં તેનો ફેવરિટ શીરો મૂક્યો અને તેણે થૂંકી નાખ્યો. દાદી ખૂબ રડ્યાં એ દિવસે. શું તેનું આ વર્તન નૉર્મલ છે? 
   
ડાયાબિટીઝ એક એવો રોગ છે જેને લીધે ભારતમાં ઘણા લોકો મૃત્યુ પામી રહ્યા છે, કારણ કે એને લીધે હાર્ટ-પ્રૉબ્લેમ, કિડની-પ્રૉબ્લેમ, સ્ટ્રોક જેવી ઘાતક બીમારીઓ થાય છે. વળી, એ વારસાગત આવી શકે છે, કારણ કે અંતે એ જિનેટિક કારણસર પણ થઈ શકે છે. નાની ઉંમરમાં પિતાનું મૃત્યુ બાળક માટે શૉકિંગ રહેતું હોય છે. પિતા સાથે જે થયું એ મારી સાથે પણ થશે એમ વિચારીને તેના મનમાં ખૂબ ડર પેસી ગયો છે. જે હોઈ શકે કે થોડા સમય પૂરતો હોય અને એવું પણ બની શકે કે આ ડર તેના મનમાં એટલો ઘર કરી જાય કે તેને ખૂબ અસર કરે. અમુક પ્રકારનો ડર સારો હોય છે, જે તમને ખરાબ વસ્તુઓથી દૂર રાખે છે. સામાન્ય લોકો ડાયાબિટીઝથી ડરે અને શુગર ઓછી ખાય એ પૉઝિટિવ સાઇડ છે, પરંતુ તમે જે લક્ષણો જણાવી રહ્યાં છો એ નૉર્મલ નથી જ. એક રીતે જઈએ તો આ ડર મૃત્યુનો છે જેને દૂર કરવો જરૂરી છે. 
ઍન્ગ્ઝાયટી શરૂઆતના સમયમાં જ દૂર કરવી સરળ છે. જો તમે એનો ઇલાજ નહીં કરાવો તો એ વધતી જ જશે અને એનાં પરિણામ ઘણાં ભયાનક હોઈ શકે છે. આ પ્રકારનો ડર તેને બીજી માનસિક તકલીફ સુધી દોરી જઈ શકે છે, માટે જરૂરી એ છે કે તમે તેને માનસિક રોગ નિષ્ણાત પાસે લઈ જાઓ. કાઉન્સેલિંગ આ તકલીફમાં ઘણું ઉપયોગી સાબિત થઈ શકે છે. દવા સુધી કદાચ જવાની જરૂર નહીં પડે, પરંતુ નિષ્ણાતની હેલ્પની જરૂર ચોક્કસ છે. માટે તે એની મેળે ઠીક થઈ જશે એવું ન માનશો.

health tips columnists