મેનોપૉઝ પછી કૅલ્શિયમ સપ્લિમેન્ટ ન લેવાં હોય તો?

03 August, 2021 11:01 AM IST  |  Mumbai | Dr. Tushar Agrawal

મને ખબર છે કે મને કઈ થવાનું નથી. હું દરરોજ પાંચ કિલોમીટર ચાલુ છું, યોગ કરું છું. શું એ દવાને બદલે કોઈ પણ પ્રકારના ખોરાકથી આ કમી પૂરી ન થઈ શકે?   

પ્રતીકાત્મક તસવીર

હું ૬૦ વર્ષની છું. મારું મેનોપૉઝ શરૂ થઈ ગયું છે. મને મારા ફૅમિલી ડૉક્ટરે સલાહ આપી છે કે દરરોજ કૅલ્શિયમની એક ગોળી લેવી જ. મને દવાઓ લેવી ગમતી નથી. આખી જિંદગી મેં દવાઓ લીધી જ નથી માટે મને આ દરરોજ કૅલ્શિયમની દવાઓ લેવી નથી, પરંતુ મારા છોકરાઓ પણ કહે છે કે કૅલ્શિયમની દવા લેવી જરૂરી છે. મને ખબર છે કે મને કઈ થવાનું નથી. હું દરરોજ પાંચ કિલોમીટર ચાલુ છું, યોગ કરું છું. શું એ દવાને બદલે કોઈ પણ પ્રકારના ખોરાકથી આ કમી પૂરી ન થઈ શકે?   
 
ઘણા લોકોને દવા લેવા પ્રત્યે સૂગ હોય છે. અહીં એ સમજવું જરૂરી છે કે દવા અને સપ્લિમેન્ટ જુદી વસ્તુઓ છે. તમને જે કૅલ્શિયમની ગોળીઓ ખાવાનું કહેવામાં આવ્યું છે એ દવા નથી, સપ્લિમેન્ટ છે. ભવિષ્યમાં દવા લેવાનો વારો ન આવે એ માટે સપ્લિમેન્ટનો પ્રયોગ કરવામાં આવતો હોય છે. મેનોપૉઝ પછી સ્ત્રીનાં હાડકાં જલદી ઘસાય છે. એ માટે મેડિકલ લીટરેચર કહે છે કે તેમણે સપ્લિમેન્ટ લેવાં જોઈએ. એનાથી તેમને ભવિષ્યમાં જે પણ હાડકાં સંબંધિત તકલીફ આવશે એ ઓછી અસરકર્તા હશે. 
એ સારી વાત છે કે તમે ફિઝિકલી ઍક્ટિવ છો. ઉંમર પ્રમાણે ફિઝિકલ ઍક્ટિવિટી ઓછી થાય, પરંતુ એ બંધ કરવાથી હાડકાંની હેલ્થ ખરાબ થાય છે. જો તમને કૅલ્શિયમની ગોળીઓ ન ખાવી હોય તો અમુક બાબતોનું ધ્યાન રાખો. પહેલાં તો એ કે તમને કોઈ પણ પ્રકારના દુખાવા ન હોવા જોઈએ. સ્નાયુ કે હાડકાને લગતા દુખાવા જો તમને ન હોય તો તમે અત્યારે સપ્લિમેન્ટ ન લો તો ચાલે, પરંતુ હોય તો લેવા જરૂરી છે. બીજું એ કે એક્સરસાઇઝ અને ઍક્ટિવિટી બંને છોડવાની નથી. બેઠાડું જીવન જો તમારું હોય તો નહીં ચાલે. ફક્ત મેન્ટલી નહીં, ફિઝિકલી ઍક્ટિવ રહેવું જરૂરી છે. ત્રીજું કે સૂર્યપ્રકાશ તમને ભરપૂર મળતો હોવો જોઈએ. ઓછામાં ઓછા ૨૦-૩૦ મિનિટ સવારનો કૂણો તડકો લેવો જરૂરી છે. ઘણા બધા ખાદ્ય પદાર્થો પણ છે જેના દ્વારા કૅલ્શિયમ શરીરને મળે છે, એને તમારા ડાયટમાં ઉમેરો. આમ છતાં, કોઈ પણ સમયે જો સાંધાનો કે હાડકાનો દુખાવો ચાલુ થાય તો સપ્લિમેન્ટ પ્રત્યેનો છોછ છોડી દેજો અને એને પોષણના માધ્યમ સ્વરૂપે સ્વીકારજો.

Dr. tushar aggrawal health tips columnists