અડધી રાતે ખૂબ જ નબળાઈ લાગે છે

16 November, 2022 05:03 PM IST  |  Mumbai | Dr. Chetan Bhatt

તમારાં લક્ષણો જાણીને એવું જ લાગી રહ્યું છે કે રાત્રે તમારી શુગર ઘટી રહી છે

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

હું ૭૦ વર્ષનો છું અને અઠવાડિયા પહેલાં પેટમાં ઇન્ફેક્શન થઈ ગયેલું. ડાયેરિયા હતા. હું બે દિવસ હૉસ્પિટલમાં પણ હતો. ગ્લુકોઝ ચડાવવું પડેલું. હવે ઘણું સારું છે, પણ રાત્રે લગભગ બે વાર બાથરૂમ માટે ઊઠવું પડે છે. રાત્રે ૩ વાગ્યાની આસપાસ ઊઠતી વખતે મને ખૂબ નબળાઈ લાગે છે. એવું લાગે જાણે તાકાત જ નથી એ સમયે ઊઠવાની. મને સમજાતું નથી કે આ શું થઈ રહ્યું છે. રાતે જ આટલી નબળાઈ લાગે છે. બે દિવસથી ગ્લુકોઝ રાખું છું મારી પાસે. સવારે નબળાઈ લાગે તો લઈ લઉં છું. એ પીધા પછી ઠીક લાગતું હોય છે. બાકી દિવસ દરમ્યાન તો હું પહેલાં જેવું જ નૉર્મલ ફીલ કરું છું. શું ખરેખર આ કોઈ પ્રૉબ્લેમ છે કે ઉંમરને લીધે આવતા બદલાવનું પરિણામ?

તમે સૌપ્રથમ એક કામ કરો. રાત્રે ૩ વાગ્યે નહીંતર જ્યારે પણ તમને આ પ્રકારની નબળાઈ લાગી રહી છે ત્યારે એક વખત શુગર માપો. શુગર જ નહીં, બ્લડપ્રેશર પણ માપજો. તમારાં લક્ષણો જાણીને એવું જ લાગી રહ્યું છે કે રાત્રે તમારી શુગર ઘટી રહી છે. તમે જે ગ્લુકોઝ રાખો છો અને પી લો છો એ ખૂબ સારું છે, પરંતુ તકલીફ એ છે કે રાત્રે શુગર ઘટી છે એવી ખબર ત્યારે જ પડે જ્યારે તમે જાગતા હો. જો ભરઊંઘમાં શુગર ઘટી ગઈ તો વ્યક્તિને ખબર પડતી નથી અને એ સીધી કોમામાં સરી પડે છે. આ ખૂબ જ ગંભીર પરિસ્થિતિ છે.

તમને હાલમાં જ ડાયેરિયા થયેલા. એ સમય દરમ્યાન વ્યક્તિની શુગર એકદમ ડ્રૉપ થઈ જતી હોય છે. બીપી ઘટી જતું હોય અને એને કારણે ગ્લુકોઝ ચડાવવું પડે છે. જ્યારે વ્યક્તિની ઉંમર વધુ હોય ત્યારે શુગરના ઍબ્સૉર્બપ્શનમાં તકલીફ થતી જણાય છે. એટલે જેટલું શુગર તમે લો છો એટલું જ ઍબ્સૉર્બર થઈને કામ લાગે એવું નથી હોતું. માટે જ મોટી ઉંમરે હાઇપો ગ્લાયસેમિયા એટલે કે શુગર ઘટી જવાની બીક વધુ રહે છે. શુગરનું પાચન અને એનું ઍબ્સૉર્બપ્શન બંને ગડબડાય એટલે શુગર વધે કે ઘટે. ડાયેરિયા પછી તમને ફરીથી નૉર્મલ થતાં બને કે થોડો સમય લાગે, આ સમય દરમ્યાન તમારે વધુ સાવધ રહેવું જરૂરી છે. દિવસ દરમ્યાન શુગર ઘટે એ નૉર્મલ તકલીફ છે, કારણ કે તમને તરત જ ખબર પડે અને તમે કંઈક ખાઈ લો એટલે ઠીક લાગે, પણ રાત્રે ઘટે એ ન ચાલે. માટે પહેલાં શુગર ટેસ્ટ કરાવો. અને ડૉક્ટરને મળી ઇલાજ ચાલુ કરો.

columnists health tips