ઘૂંટણનો દુખાવો વધે નહીં એ માટે શું કરું?

05 May, 2021 12:41 PM IST  |  Mumbai | Dr. Tushar Agrawal

બાળકો કહે છે કે વધારે વજનને કારણે ઘૂંટણ દુખે છે, પણ મારું વજન છેલ્લાં ૧૫ વર્ષથી વધારે જ છે. દુખાવો હમણા થોડા મહિનાથી છે. મારા મોટા બહેને હમણાં ઘૂંટણનું ટ્રાન્સપ્લાન્ટ ઓપરેશન કરાવ્યું. મને આવું નથી કરાવવું.

પ્રતીકાત્મક તસવીર

હું ૫૮ વર્ષની છું. આજ સુધી અમે નીચે બેસીને જ જમતાં હતાં પરંતુ હવે મારાથી નીચે બેસાય તો છે પરંતુ ઊભું નથી થવાતું. થોડા સમયથી ઘૂંટણમાં દુખાવો ચાલુ થયો છે. આમ તો તેલ લગાવીને માલિશ કરું છું તો ઠીક લાગે છે, પરંતુ એકાદ દિવસ પણ માલિશ રહી જાય તો દુખાવો ફરી આવી જાય છે. બાળકો કહે છે કે વધારે વજનને કારણે ઘૂંટણ દુખે છે, પણ મારું વજન છેલ્લાં ૧૫ વર્ષથી વધારે જ છે. દુખાવો હમણા થોડા મહિનાથી છે. મારા મોટા બહેને હમણાં ઘૂંટણનું ટ્રાન્સપ્લાન્ટ ઓપરેશન કરાવ્યું. મને આવું નથી કરાવવું. મારા ઘૂંટણની કાળજી હું કઈ રીતે રાખું કે એ એટલું ખરાબ ન થાય કે ઓપરેશન કરાવવું પડે.  
 
ઘૂંટણની તકલીફ ૫૫ વર્ષની ઉંમર પછી થવી સહજ છે. આ ઉંમર પહેલાં કંઈ થયું હોત તો તપાસની જરૂર પડત કારણકે આ ઉંમરમાં ઘૂંટણ કેમ દુખે છે એ માટે ટેસ્ટ જરૂરી છે. આ સિવાય તમારું વજન પણ વધારે છે એટલે પણ આ ઉંમરે દુખાવો થવો સહજ ગણાય. પહેલાં તમને આ જ વજન સાથે દુખાવો થતો નહોતો, કારણ કે શરીર સહી લેતું હતું, પરંતુ હવે શરીર રિએક્ટ કરે છે એટલે દુખાવો થઈ રહ્યો છે. તેલમાલિશથી ટેમ્પરરી રાહત ચોક્કસ થશે એટલે એ ચાલુ રાખી શકાય, પરંતુ ઘૂંટણની તકલીફ વધુ ન બગડે એ માટે અમુક પ્રયત્ન તમે હમણાં જ ચાલુ કરી દો. 
સૌથી પહેલાં તો વજન ઉતારવું જરૂરી છે. જામેલું વજન ઓછું કરવું સરળ તો નથી, પરંતુ પ્રયત્નથી જગત પણ જીતી શકાય છે તો વજન તો ઉતારી જ શકાય. જાતે પ્રયત્ન કરવા કરતાં પ્રોફેશનલ હેલ્પ લો. તમે જેમ વજન ઉતારતા જશો તેમ તમને વધુને વધુ સારું રિઝલ્ટ મળતું જશે. અત્યારે જે ઘૂંટણ દુખે છે એ માટે ફિઝિયોથેરપી શરૂ કરો. તેમણે બતાવેલી એક્સરસાઈઝ આખી જિંદગી તમારે કરવી જરૂરી છે. એમાં આળસ ન કરતા. આ સિવાય રેગ્યુલર વૉક કરો. વૉક કરતી વખતે ઘૂંટણ દુખવા લાગે તો બ્રેક લો અને ફરી વૉક શરૂ કરો. લાંબા અને ઊંચાઈવાળા દાદરા ચઢો નહીં. જમીન પર બેસવાથી દુખાવો થાય છે તો જમીન પર બેસવાનું ટાળો. આ સિવાય ડૉક્ટર દ્વારા પ્રિસ્ક્રાઈબ કરેલા કેલ્શિયમ અને વિટામિનના સપ્લિમેન્ટ પણ ચાલુ રાખો. આ બધું જ ભવિષ્યમાં તમને ઓપરેશનથી બચાવવામાં કામ લાગશે. એ છતાં દુખાવો જાય નહીં તો ટેસ્ટ કરાવવી જરૂરી બનશે. 

dr. tushar agrawal columnists health tips