માલિશના ફાયદા શું છે?

04 January, 2022 05:36 PM IST  |  Mumbai | Sanjay Goradia

શું ખરેખર માલિશથી કોઈ ફાયદો નથી થતો. મુંબઈમાં માલિશ કરવું હોય તો કયા તેલથી કરવું યોગ્ય ગણાય?    

પ્રતીકાત્મક તસવીર

હું ૩૦ વર્ષની છું. ગુજરાતમાં રહેતાં હતાં ત્યારે શિયાળામાં લગભગ દરરોજ માલિશ કરતાં હતાં, પરંતુ અહીં મુંબઈમાં ઠંડી ઘણી નથી છતાં અહીં મારી સ્કિન પર અસર થાય જ છે. રુક્ષતા આવી જાય છે. અહીં મારા સાસરે કોઈ માલિશ કરતું નથી કે કરાવતું પણ નથી. એ લોકો એમ પણ માને છે કે એનાથી કોઈ ફાયદો નથી. શું ખરેખર માલિશથી કોઈ ફાયદો નથી થતો. મુંબઈમાં માલિશ કરવું હોય તો કયા તેલથી કરવું યોગ્ય ગણાય?    

શિયાળામાં તમે કોઈ પણ જગ્યાએ હો, તમારી સ્કિન અને વાળને એક્સ્ટ્રા કૅરની જરૂર પડે જ છે. એનું ધ્યાન રાખવું જરૂરી છે. આ સમય એવો છે જેમાં ત્વચા અને વાળમાં રુક્ષતા આવી જાય છે. એને માટે માલિશનું પોતાનું મહત્ત્વ છે. આ સમયે ત્વચાને સ્નિગ્ધતા આપવાની જરૂર પડે છે. જેને માટે માલિશ ઘણું ઉપયોગી છે. જે ખૂબ જ ઠંડા પ્રદેશ છે ત્યાં સરસોનું તેલ વાપરવામાં આવે છે, જેમ કે ઉત્તર ભારત. જ્યારે દક્ષિણ ભારતમાં નારિયેળનું તેલ વધુ ચાલે છે, પરંતુ મુંબઈ જેવા કોસ્ટલ એરિયામાં કોકમના બીજનું તેલ વાપરવામાં આવે છે. જેને કોકમ બટર કહેવાય છે. આ સિવાય તલનું તેલ પણ ઘણું ગુણકારી સાબિત થઈ શકે છે. મુંબઈ જેવા વાતાવરણમાં એનો પણ ઉપયોગ કરી શકાય. 
માલિશ માટે તલનું તેલ, નારિયેળનું તેલ, જૈતુન તેલ અને કૅસ્ટર ઑઇલ બધું એકસરખા પ્રમાણમાં લેવું. જેમ કે ૧૦૦ મિલી દરેક તેલ લીધું હોય એમાં ૧૦ મિલી બદામ તેલ અને ૧ મિલી સૅન્ડલવુડ તેલ ઉમેરીને એ તેલ માલિશ માટે વાપરવું. માલિશ પછી થોડો સમય સૂર્યપ્રકાશમાં રહેવું અને પછી ઉબટનથી નાહી લેવું. આ પ્રકારની ત્વચાની કાળજી જરૂરી છે. જો એટલો સમય ન મળે તો નાહતાં પહેલાં આખા શરીરે તેલ લગાવવું અને પછી નાહી લેવું. આદર્શ રીતે માલિશ કરનારા કોઈ હોય તો માલિશ એક કલાક ચાલવું જોઈએ. જો જાતે કરવું હોય તો પણ ૨૦ મિનિટ તો માલિશ કરવું જ જોઈએ. એનાથી શરીરને દૃઢતા મળે છે, ઉત્સાહ વધે છે, લોહીનું પરિભ્રમણ પણ વધે છે અને ફૅટ ઓછું થાય છે. ખાસ કરીને પેટ પર ફૅટ વધારે હોય તો એ ઘટે છે. માટે માલિશ કરવું જોઈએ. જો દરરોજ આટલો સમય ન ફાળવી શકતાં હો તો અઠવાડિયામાં એક વાર પણ એને માટે સમય કાઢો. બાકી જુદી-જુદી કેમિકલયુક્ત બ્યુટી પ્રોડક્ટ્સ લગાવવા કરતાં તેલનું માલિશ આ સીઝનમાં ત્વચા માટે સૌથી સારું ગણાશે. માટે એ ચોક્કસ કરો.

health tips columnists