23 April, 2025 12:23 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ફિગર શેપમાં દેખાય એ માટે ટાઇટ કપડાં પહેરતી યુવતીઓને રૅશિસ અને ડિસકમ્ફર્ટની સમસ્યા રહેતી હોય છે, પણ ઉપરનાં આંતરિક વસ્ત્રો એટલે કે બ્રેસિયર ટાઇટ પહેરવાથી ઘણી તકલીફ થઈ શકે છે. નોંધનીય છે કે બ્રા લાઇફસ્ટાઇલનો અભિન્ન હિસ્સો છે. મહિલાઓ એની બાદબાકી કરી શકે નહીં, પણ એને ખરીદતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ જે તેમના બ્રેસ્ટને કમ્ફર્ટ આપે અને જો ટાઇટ બ્રેસિયર પહેરવામાં આવે તો શું તકલીફ થાય છે એ નવી મુંબઈની મેડિકવર હૉસ્પિટલ્સમાં કાર્યરત સિનિયર ગાયનેકોલૉજિસ્ટ ડૉ. અનુરંજિતા પલ્લવી પાસેથી જાણીએ.
બ્લડ-સર્ક્યુલેશન
જો યુવતીઓ દરરોજ ટાઇટ બ્રા પહેરે તો બ્રા લાઇનમાં બ્લડ-સર્ક્યુલેશન પ્રભાવિત થાય છે, એને લીધે ખભા અને ગળા ઉપરાંત કમરમાં દુખાવો થાય છે. જે મહિલાઓને સર્વાઇકલની તકલીફ હોય તેમણે ટાઇટ બ્રા પહેરવાનું ટાળવું જોઈએ, નહીં તો તેમની સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે. ઘણી વખત એવું બને છે કે શરૂઆતથી જ બ્રેસ્ટનો શેપ સુડોળ રહે એ માટે ટાઇટ બ્રેસિયર જ પહેરવાની ભલામણ કરવામાં આવે છે અને તેમને આદત થઈ જતી હોય છે, પણ સમયાંતરે તકલીફ વધે છે અને બ્લડ-સર્ક્યુલેશન પ્રભાવિત થવાથી સ્નાયુ કડક થઈ જાય છે; પરિણામે એ જગ્યાએ દુખાવો, સોજો, ગાંઠ થવી અને નસ પર દબાણ આવવા જેવી સમસ્યાઓ ઉદ્ભવે છે અને ક્યારેક શ્વાસ લેવામાં તકલીફ પડે છે. જો યોગ્ય સમયે ધ્યાન આપવામાં ન આવે તો વાત બ્રેસ્ટ-કૅન્સર સુધી પણ પહોંચી શકે છે. જોકે હજી સ્ટડીઝમાં ટાઇટ બ્રાને કારણે બ્રેસ્ટ-કૅન્સર થાય છે એવી પુષ્ટિ નથી થઈ, પણ ગાંઠ બને એટલે એ થવાની શક્યતા વધી જાય છે.
પૉસ્ચર
બહુ જ ઓછી મહિલાઓ જાણે છે કે ટાઇટ બ્રા પહેરવાથી તેમનું પૉસ્ચર ખરાબ થઈ જાય છે. શરીરને જકડી રાખે એટલી ટાઇટ બ્રા પહેરવાથી સૌથી વધુ દબાણ ખભા પર આવે છે. ટાઇટ બ્રા પહેરવાથી થતા ડિસકમ્ફર્ટ અને દુખને અવગણીને એમાંથી રાહત મેળવવા ખોટા પૉસ્ચરમાં ઊઠે-બેસે છે અને થોડા સમય બાદ એ આદત બની જાય છે. આ રીતે તેમનું પૉસ્ચર ખરાબ થાય છે.
સ્કિન-ઇરિટેશન
ટાઇટ બ્રા પહેરવાથી બ્રા લાઇનની જગ્યાએ બળતરા, ખંજવાળ અને રૅશિસ જેવી સમસ્યા થાય છે. ખાસ કરીને ઉનાળાની ઋતુમાં પરસેવાને લીધે વધુ તકલીફ થાય છે. લાંબા સમય સુધી ધ્યાન આપવામાં ન આવે તો ડાઘ પડી જાય છે. ઘણી વાર આ પ્રકારની બ્રાને લીધે છાતીમાં પ્રેશર વધે છે અને ઍસિડ-પ્રવાહ પેટથી ઉપર તરફ વધે છે એનાથી ઍસિડિટીનો પ્રૉબ્લેમ પણ વધે છે.
ધ્યાનમાં રાખવા જેવી બાબતો
માન્યતા એવી છે કે પૅડેડ અને અન્ડરવાયર બ્રા ન પહેરવી જોઈએ, પણ એવું નથી, જે કમ્ફર્ટ આપે એ બ્રેસિયર પહેરો અને એમાં ફૅબ્રિકની પણ કોઈ સમસ્યા નથી. કોઈ પણ ફૅબ્રિકની બ્રા પહેરી શકાય છે, પણ ધ્યાન એટલું રાખવું કે એ ફૅબ્રિક સ્કિનને કમ્ફર્ટ આપે.
બ્રા ખરીદતી વખતે પહેલાં સાઇઝ ચેક કરી લેજો અને એ જ હિસાબે ખરીદી કરજો. એમાં હુક બંધ કરવાના ત્રણથી ચાર ઑપ્શન્સ હોય એવી જ બ્રાની ખરીદી કરવી જોઈએ જેથી ટાઇટ થાય તો એને છેલ્લા હુકમાં નાખીને ઍડ્જસ્ટ કરી શકાય.
પોઝિશન ઠીક હોય અને સ્તનને પ્રૉપર સપોર્ટ મળે એટલે કે બહુ ઢીલી પણ ન હોય અને બહુ ફિટ પણ ન હોય એવી જ બ્રા પહેરવી જોઈએ.
રાત્રે સૂતી વખતે બ્રા પહેરવી જોઈએ કે નહીં એની મૂંઝવણ આજેય ઘણી યુવતીઓને છે, પણ હકીકત એ છે કે રાતના સમયે શરીરને કમ્ફર્ટ અને વેન્ટિલેશનની જરૂર હોય છે તેથી લૂઝ કપડાં પહેરવાં અને બ્રા પહેરવાનું ટાળવું.
છથી આઠ મહિનામાં એક વાર બ્રાને ચેન્જ કરતા રહેવું જેથી સ્કિન-ઍલર્જી ન થાય.