24 October, 2024 10:00 AM IST | Mumbai | Jigisha Jain
પ્રતીકાત્મક તસવીર
લગભગ ૨૫ ટકા ભારતીય સ્ત્રીઓનાં સ્તન ભરાવદાર છે. આવાં બ્રેસ્ટમાં ટિશ્યુની ઘનતા વધુ હોવાથી તેમને બ્રેસ્ટનું કૅન્સર થવાનું જોખમ વધારે રહે છે. આૅક્ટોબર બ્રેસ્ટ કૅન્સર અવેરનેસ મન્થ કહેવાય છે ત્યારે જાણીએ કે ભરાવદાર સ્તન હોય તો જોખમ કેમ વધુ છે અને એનું નિદાન કેમ અઘરું હોય છે
અમેરિકી અખબારોમાં હાલમાં એક કેસ ચમક્યો હતો, જેમાં એક એશિયન સ્ત્રીએ ૪૦ વર્ષની ઉંમરે મૅમોગ્રામ કર્યો. એ ટેસ્ટમાં કશું નીકળ્યું નહીં. એના થોડા દિવસો પછી તેને બગલની બાજુમાં એક ગાંઠ જેવું ફીલ થતું હતું પરંતુ હમણાં જ મૅમોગ્રામ કર્યો છે એટલે કશું નહીં હોય એમ માનીને તે ડૉક્ટર પાસે ગઈ નહીં. એ પછીના ત્રણ મહિનાની અંદર જ તેને ભયંકર તાવ આવ્યો અને નિદાન થયું કે તેને બ્રેસ્ટ-કૅન્સર છે. મુદ્દો એ હતો કે એ સ્ત્રી એશિયન હોવાને કારણે તેનાં સ્તન ભરાવદાર હતાં અને એને કારણે મૅમોગ્રામ થકી એનું નિદાન થયું નહીં. અહેવાલમાં એ વાત પણ કરવામાં આવી હતી કે અમેરિકામાં એશિયન સ્ત્રીઓમાં બ્રેસ્ટ-કૅન્સરનું પ્રમાણ જે વધી રહ્યું છે એની પાછળ પણ ભરાવદાર સ્તન એક મહત્ત્વનું કારણ છે. હાલમાં બ્રેસ્ટ-કૅન્સર અવેરનેસ મન્થ ચાલી રહ્યો છે ત્યારે જાણીએ કે એશિયન-ભારતીય સ્ત્રીઓમાં જણાતું આ રિસ્ક છે શું અને એ માટે શું કરી શકાય.
ભરાવદાર એટલે શું?
સ્તન ભરાવદાર હોવાં એટલે શું એ સમજાવતાં વૉક્હાર્ટ હૉસ્પિટલ, મુંબઈ સેન્ટ્રલનાં બ્રેસ્ટ- સર્જ્યન ડૉ. મેઘલ સંઘવી કહે છે, ‘ભરાવદાર સ્તન એટલે જાડાં કે મોટી સાઇઝનાં સ્તન નહીં. પરંતુ સામાન્ય રીતે કહીએ તો જે લબડેલાં નથી એવાં સ્તન. આમ તો દરેક સ્ત્રીનો બાંધો અલગ હોય છે, જેને લીધે દરેક સ્ત્રીનાં સ્તનની રચના પણ અલગ રહે છે. કોઈ એકદમ દૂબળી સ્ત્રીનાં સ્તન ભરાવદાર હોઈ શકે છે અને કોઈ જાડી સ્ત્રીનાં સ્તન સાઇઝમાં નાનાં હોઈ શકે છે. વળી ઉંમર પણ એમાં ભાગ ભજવે છે. જેમ ઉંમર વધે એમ સ્તન ઢીલાં પડતાં જતાં હોય છે. નાની ઉંમરની સ્ત્રીઓનાં સ્તન ભરાવદાર હોય છે. ભારતમાં લગભગ ૨૦-૨૫ ટકા સ્ત્રીઓનાં સ્તન ભરાવદાર હોય છે. જેટલાં સ્તન ભરાવદાર એટલું બ્રેસ્ટ-કૅન્સરનું રિસ્ક વધુ અને એટલું જ એનું નિદાન પણ અઘરું. જે સ્ત્રીઓએ સ્તનપાન કરાવ્યું છે એવી સ્ત્રીઓનાં સામાન્ય રીતે સ્તન ભરાવદાર રહેતાં નથી. યુવાન વયે જે સ્તન ભરાવદાર હોય એ બાળક આવ્યા પછી થોડાં ઢીલાં પડે છે. એની અંદર ફૅટનું પ્રમાણ વધે છે એટલે એવું થાય છે. એટલે જ એવું પણ માનવામાં આવે છે કે જે સ્ત્રીઓએ સ્તનપાન કરાવ્યું છે તેના પર બ્રેસ્ટ-કૅન્સરનું રિસ્ક ઓછું જોવા મળે છે.’
કેમ છે અઘરું?
આજની તારીખે આપણી પાસે લેટેસ્ટ ટેક્નૉલૉજી છે છતાં ભરાવદાર સ્તનમાં કેમ નિદાન અઘરું બને છે એ સમજાવતાં લીલાવતી હૉસ્પિટલનાં રેડિયોલૉજિસ્ટ ડૉ. મોના મહેતા કહે છે, ‘સ્તનનો ભરાવો એ ફાઇબ્રો ગ્લૅન્ડ્યુલર એટલે કે જે સફેદ ટિશ્યુ છે એની સાથે સંકળાયેલો છે. ફૅટી ટિશ્યુ દેખાવમાં ડાર્ક હોય છે. આ ફાઇબ્રો ગ્લૅન્ડ્યુલર ટિશ્યુ સ્તનમાં દૂધ બનાવવાનું કામ કરે છે. એટલે જ સ્ત્રી મા બને પછી તેનાં સ્તનનો ભરાવો વધે છે. સ્તનનો ભરાવો જેટલો વધુ એટલું જ એક રેડિયોલૉજિસ્ટ માટે કૅન્સરનું નિદાન કે ગાંઠને શોધવાનું કામ અઘરું બને છે, કારણ કે જો મૅમોગ્રામ કરીએ તો આ ટિશ્યુનો રંગ સફેદ દેખાય છે અને કૅન્સરના કોષો પણ સફેદ જ દેખાય છે. આમ જે ગાંઠ છે એ કૅન્સરની હોય તો એ પણ સફેદ દેખાય છે અને એ ગાંઠને ઘેરીને બેઠેલા ટિશ્યુ પણ સફેદ દેખાય છે, જેને કારણે નિદાન ટેક્નિકલી ચૅલેન્જિંગ છે. સ્તન ભરાવદાર હોવાને લીધે કૅન્સર કે બીજી કોઈ પણ ગાંઠ થાય તો સરળતાથી એ ભરાવાની અંદર છુપાઈ શકે છે. આ ગાંઠની આજુબાજુ જ્યારે આ ભરાવદાર ટિશ્યુઓ આવી જતા હોવાથી સ્પર્શ અને પ્રેશર આપવા છતાં એ હાથમાં ફીલ નથી થતી. એટલે ગાંઠનું જલદી નિદાન થવાની શક્યતા ઓછી થઈ જાય છે.’
ઉપાય શું?
તો આનો ઉપાય શું છે? એ સમજાવતાં ડૉ. મોના મહેતા કહે છે, ‘જે સ્ત્રીઓને ભરાવદાર સ્તન હોય છે એમને કૅન્સર હોવાની શક્યતા ૪-૫ ગણી વધુ હોય છે. જેના સ્તન ભરાવદાર હોય એ વ્યક્તિને ડિજિટલ મૅમોગ્રાફી વિથ 3D ટૉમોસિન્થેસિસ નામની મૅમોગ્રાફી કરાવવી જે થ્રી-ડાઇમેન્શનમાં મૅમોગ્રાફી કરે છે. એનાથી સ્તનના દરેક લેયરને વ્યવસ્થિત પારખી શકાય છે. કૅન્સરની એકદમ જ શરૂઆત પણ હોય તો એ પણ પકડી શકાય છે. સ્ક્રીનિંગમાં આમ તો ઘણી બધી મેથડ છે જેમાં મૅમોગ્રામ, અલ્ટ્રાસાઉન્ડ અને બ્રેસ્ટનું MRI વગેરેનો સમાવેશ થાય છે. ૪૦ વર્ષ પછી દરેક સ્ત્રીએ દર વર્ષે મૅમોગ્રામ કરાવવો જ જોઈએ. જે ૪૦ વર્ષથી નાની છે એવી છોકરીઓને કે જે બાળકને સ્તનપાન કરાવે છે એણે અલ્ટ્રાસાઉન્ડ કરાવવું જોઈએ. ૩૦-૩૯ વર્ષની સ્ત્રીઓનું પહેલાં અમે અલ્ટ્રાસાઉન્ડ કરીએ છીએ અને જો અમને એમાં કઈ શંકા જાગે તો અમે મૅમોગ્રામ કરાવીએ છીએ. MRI મોટા ભાગે ત્યારે કરાવીએ જ્યારે અલ્ટ્રાસાઉન્ડ અને મૅમોગ્રામના પરિણામ થકી અમને સ્પષ્ટ જવાબ ન મળે.’
ગાઇડલાઇન્સ
આટલું અત્યાધુનિક સ્ક્રીનિંગ હોવા છતાં પણ નિદાન કઈ રીતે થતું નથી એ વાત સમજાવતાં ડૉ. મેઘલ સંઘવી કહે છે, ‘લોકોને એ જ ખબર છે કે ૪૦ વર્ષના થાઓ એટલે મૅમોગ્રામ કરાવવાનો જ. પણ બ્રેસ્ટ-કૅન્સર સ્ક્રીનિંગ પ્રોગ્રામ એટલે ફક્ત મૅમોગ્રામ નહીં. એના મૂળ ત્રણ ભાગ છે. મૅમોગ્રામ કરાવ્યા પછી અલ્ટ્રાસાઉન્ડ એટલે સોનોગ્રાફી કરવી જ જોઈએ અને આ બન્નેના રિપોર્ટ આવી ગયા પછી તમારે એક બ્રેસ્ટ-સર્જ્યનને મળવું જોઈએ જે ક્લિનિકલી ચેક કરે. લોકો મોટે ભાગે મૅમોગ્રામ પર અટકી જાય છે. બહુ-બહુ તો સોનોગ્રાફી પણ કરાવશે અને રેડિયોલૉજિસ્ટને પૂછી લેશે કે શું લાગે છે? હકીકત એ છે કે રિપોર્ટ કરાવવા જેટલા મહત્ત્વના છે એટલું જ મહત્ત્વ છે ડૉક્ટરને એ રિપોર્ટ બતાવવાનું અને ક્લિનિકલ ચેકઅપ કરવાનું. ૪૦ વર્ષની ઉંમર પછી વાર્ષિક એક વખત આ ત્રણેય સ્ટેપ ફૉલો કરવા જરૂરી છે.’
જાતે જ ચેકઅપ કરવું જરૂરી છે
વર્ષમાં એક વાર ચેકઅપ કરવું પૂરતું હોવું જોઈએ, પરંતુ એવું નથી એમ સમજાવતાં ડૉ. મેઘલ સંઘવી કહે છે, ‘વાર્ષિક ચેકઅપ ઘણા કેસમાં પૂરતું સાબિત થતું નથી, કારણ કે તમે ચેકઅપ કરાવો અને એના બે-ચાર મહિનામાં કૅન્સરની શરૂઆત થઈ તો એ માટે ટેસ્ટ કામ લાગતી નથી. એ માટે કામ લાગે છે સેલ્ફ-એક્ઝામિનેશન. દર મહિને પિરિયડ્સ પતી જાય એના ૭-૧૦ દિવસ પછી દરેક સ્ત્રીએ પોતાનાં સ્તનનું સેલ્ફ-એક્ઝામિનેશન કરવું જોઈએ. એ બિલકુલ અઘરું નથી. જો સ્ત્રી દરરોજ ટેબલ લૂછતી હોય તો ટેબલ પર એક પણ સ્ક્રૅચ આવે તો તેને તરત જ ખબર પડે છે. એ જ રીતે જો એ સ્તનને દરરોજ અડતી હોય તો એમાં કોઈ ફેરફાર આવે તો ખબર તો પડે જ, પરંતુ અડવું મહત્ત્વનું છે.’
આ રીતે કરી શકાય સેલ્ફ ચેકઅપ
એક ફુલ સાઇઝ અરીસા સામે કપડાં વગર ખુલ્લી છાતીએ ઊભાં રહો. હાથ એકદમ રિલૅક્સ્ડ રાખો. જો તમે ઊભાં ન રહી શકતાં હો તો બેસીને પણ આ એક્ઝામિનેશન થઈ શકે છે.
બ્રેસ્ટને બન્ને બાજુ ફેરવીને એકબીજા સાથે સરખાવો. કોઈ પણ ફેરફાર જેમ કે બ્રેસ્ટની સાઇઝમાં, આકારમાં, ઉપરની સ્કિનના રંગ કે ટેક્સચરમાં આવ્યો હોય તો એ નોંધો. જો બ્રેસ્ટનો કોઈ ભાગ રેડ થઈ ગયો હોય, કોઈ જગ્યાએ ખાડો આવ્યો હોય, ક્યાંયથી કોઈ ભાગ સંકોચાઈ ગયો હોય કે કોઈ જાતનું ખેંચાણ અનુભવાતું હોય તો એ નોંધો.
નીપલમાં કોઈ પ્રકારનો બદલાવ આવ્યો હોય જેમ કે બન્ને નીપલની દિશા જુદી-જુદી હોય, જેમ કે એક સીધી હોય અને એક થોડી ત્રાંસી લાગે અથવા એક બાજુ તરફ ખેંચાયેલી લાગે, બીજું એ કે નીપલની ત્વચામાં કોઈ ફેરફાર આવ્યો હોય તો એ ચકાસો.
કોઈ વાર એમનેમ સમજ ન પડે તો બન્ને હાથ ઉપર સીધા કરો અને જુઓ કે બન્ને બ્રેસ્ટ અને નીપલ એક જ દિશા તરફ ઊંચકાય છે કે બન્નેમાં કોઈ ફરક દેખાય છે. આ પોઝિશનમાં કોઈ ફરક હશે તો એ તરત જ સામે આવશે.
કમર પર હાથ રાખો અને નીચેની તરફ ઝૂકો. બ્રેસ્ટ જ્યારે નીચે તરફ જાય ત્યારે એ બન્નેના આકારમાં કોઈ ફેરફાર થાય છે કે નહીં એ ચકાસો.
નીપલમાંથી થતો ડિસ્ચાર્જ બ્રેસ્ટ-કૅન્સરની ચોક્કસ ઓળખ આપી શકે છે. ખાસ કરીને જ્યારે આ ડિસ્ચાર્જ રેડ કે બ્લૅક કલરનો હોય ત્યારે. ડિસ્ચાર્જ ચકાસવા માટે નીપલને દબાવો નહીં પરંતુ કપડાં પર આવેલા ડિસ્ચાર્જ પરથી એના રંગને ઓળખો. એમનેમ પણ જો નીપલમાંથી કોઈ ડિસ્ચાર્જ થતો હોય તો ડૉક્ટરને બતાવવું જરૂરી છે.
બ્રેસ્ટની ડાબી-જમણી ઉપરની અને ડાબી-જમણી નીચેની બાજુઓને હાથની હથેળી વડે દબાવીને ચકાસો. આંગળી વડે ન દબાવો, કારણ કે આંગળીએથી કદાચ પ્રૉપર ન પણ સમજાય એવું બને.
આટલું પતે એટલે બેડ પર સૂઈ જાઓ અને બગલને પણ હથેળી વડે ચકાસો. બગલમાં કોઈ ગાંઠ છે કે કડક કશું લાગે છે એ ચકાસો.