પેઇન સહન કરી લેવું કે પછી દવા લઈ લેવી?

22 September, 2021 03:47 PM IST  |  Mumbai | Dr. Sushil Shah

મને એની આદત પડી ગઈ છે એવું પણ નથી, પરંતુ પેઇન સહન કર્યા કરવાનું પણ મને ગમતું નથી. પેઇનકિલર ક્યારે લેવી અને ક્યારે નહીં?

પ્રતીકાત્મક તસવીર

મારી ઉંમર ૬૧ વર્ષની છે. મને ૬ મહિના પહેલાં દાંતની તકલીફ થઈ હતી અને પછી રૂટ કેનાલનું ઑપરેશન થયું અને એમાં મને લગભગ ૧૫ દિવસ પેઇનકિલર ખાવી પડી. હવે ઉંમર થઈ ત્યારથી દુખાવો રહ્યા કરે છે, જેને દૂર કરવા માટે પેઇનકિલર ખાઈ લઉં છું. મને એની આદત પડી ગઈ છે એવું પણ નથી, પરંતુ પેઇન સહન કર્યા કરવાનું પણ મને ગમતું નથી. પેઇનકિલર ક્યારે લેવી અને ક્યારે નહીં?
   
કોઈ પણ પેઇનકિલર ૭-૮ દિવસ સુધી સતત ખાઈએ તો નુકસાનકારક હોતી નથી, પરંતુ એનાથી વધુ ખાઈએ તો એ નુકસાન કરી શકે છે. સમજવા જેવી વાત એ છે કે પેઇનકિલર્સ મોટા ભાગે ઇલાજનો ભાગ હોતી નથી. એટલે કે એનાથી શરીરના જે ભાગમાં પ્રૉબ્લેમ થયો છે એ મટવાનો નથી, પરંતુ એ પ્રૉબ્લેમને લીધે દરદીને જે પેઇન થાય છે અને એ પેઇનને લીધે જે ડીસકમ્ફર્ટ ઊભું થાય છે એ દૂર કરવાનો રસ્તો પેઇનકિલર છે. જેમ કે રૂટ કેનાલ નામની દાંતની ટ્રીટમેન્ટમાં પેઇનકિલર ખાવ તો દાંતનો સડો દૂર થશે નહીં, પરંતુ જે ટ્રીટમેન્ટ કરેલી છે એને લીધે દાંતમાં જે અસહ્ય દુખાવો થઈ રહ્યો છે જેને કારણે તમે કઈ ખાઈ શકતા નથી તો પેઇનકિલર લેવાથી આ દુખાવો નહીં થાય અને તમે ખોરાક લઈ શકશો. હવે આ કન્ડિશનમાં જો કોઈ દરદી વિચારે કે હું પેઇનકિલર નહીં ખાઉ અને પેઇન સહન કરીશ તો એની ટ્રીટમેન્ટમાં કોઈ ફરક નહીં પડે. આમ, ન લો તો કઈ વાંધો નહીં અને સમજીને ડૉક્ટરના કહેવા મુજબ પણ લો તો પણ કોઈ વાંધો નથી. 
આજની અમુક પેઇનકિલર્સ ઍન્ટિઇન્ફ્લેમેટરી પ્રૉપર્ટી ધરાવે છે એટલે કે જે ભાગમાં પેઇન છે એ ભાગના કોષોમાં અમુક પ્રકારે સોજો આવી જાય છે. આ સોજો દૂર થાય તો પેઇન આપોઆપ ઘટી જાય છે. આજની ઍડ્વાન્સ પેઇનકિલર્સ આ સોજાને દૂર કરવાનું પણ કામ કરે છે. આમ, એ સાચી રીતે પેઇન દૂર કરવામાં મદદરૂપ સાબિત થાય છે. જે લોકો ડૉક્ટરની સૂચના વગર અથવા નિશ્ચિત સમય કરતાં વધુ માત્રામાં પેઇનકિલર ખાય તો તેમના માટે એ ખતરનાક સાબિત થઈ શકે છે. વધુ પડતી પેઇનકિલર લિવર અને કિડનીને ડૅમેજ કરવાની તાકાત ધરાવે છે. સતત વર્ષોથી વગર વિચાર્યે પેઇનકિલર ખાતા લોકોનું લિવર કે કિડની ફેઇલ થવાની શક્યતા ઘણી વધારે રહેલી છે.

health tips columnists