પગમાં ખૂબ જ બળતરા થાય છે, શું કરું?

29 December, 2021 04:41 PM IST  |  Mumbai | Dr. Sushil Shah

બે વર્ષ પહેલાં મારી કરોડરજ્જુમાં ચેતા અવરોધને કારણે ઑપરેશન કરાવ્યું હતું. તો પાછલાં બે વર્ષથી મારા બર્નનું કારણ શું છે, હું એનો ઇલાજ કેવી રીતે કરી શકું?

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

હું ૭૧ વર્ષનો છું. છેલ્લાં ૨૦ વર્ષથી ડાયાબિટીઝ છે અને છેલ્લાં બે વર્ષથી બીપી પણ છે. આખો દિવસ જાંઘથી મારા ડાબા પગના તળિયા સુધી બર્ન અનુભવાય  છું. મારા બન્ને પગ પર ૬ વર્ષ પહેલાં ઘૂંટણ બદલવાનું ઑપરેશન થયું હતું. બે વર્ષ પહેલાં મારી કરોડરજ્જુમાં ચેતા અવરોધને કારણે ઑપરેશન કરાવ્યું હતું. તો પાછલાં બે વર્ષથી મારા બર્નનું કારણ શું છે, હું એનો ઇલાજ કેવી રીતે કરી શકું?
   
આ પ્રૉબ્લેમ ઘણા લોકોને થાય છે. જે લોકોને લાંબા ગાળાનું ડાયાબિટીઝ હોય એને જ્ઞાનતંતુઓમાં તકલીફ થાય એને ડાયાબેટિક ન્યુરોપથી કહે છે. આ રોગમાં જ્ઞાનતંતુઓ ડાયાબિટીઝને કારણે અસરગ્રસ્ત થાય છે જેને લીધે પગમાં ગાદી-ગાદી જેવું લાગવું, ચટકા જેવું લાગવું, બર્નિંગ થવું, કીડી ચટકા ભરતી હોય કે પછી પીન ભોંકાતી હોય એમ લાગવા જેવી તકલીફો થાય છે. આ ન્યુરોપથીની તકલીફ પ્રોગ્રેસિવ એટલે કે દિવસે-દિવસે વધતી જશે. એ માટે જરૂરી છે કે તમારી શુગર ૧૦૦ ટકા કાબૂમાં રહે. શુગર કન્ટ્રોલમાં હોય જ એના પર ધ્યાન આપો. આ રોગ લગભગ દરેક લાંબા ગાળાના ડાયાબિટીઝના દરદીને રહે છે, પણ હકીકતે આ શરૂઆત છે. એને આ સમયે જ ટ્રીટ કરશો તો એની તકલીફ જલદી વધશે નહીં. 
આ થવાનું બીજું કારણ તમારા કેસમાં કરોડરજ્જુ વાળું ઑપરેશન પણ હોઈ શકે છે. કરોડરજ્જુને કારણે કોઈ નસ દબાતી હોય તો પણ આ પ્રકારની તકલીફ ઊભી થઈ શકે છે. ઉંમરને કારણે હાડકાંઓ જે ઘસાયાં છે એમાં ક્યારેક કોઈ નસ પર જોર આવી જાય અને એ દબાતી હોય તો પણ આવું થવાની શક્યતા રહેલી છે. માટે જો કોઈ નસ દબાતી હોય તો એનું નિદાન કરીને એનો ઇલાજ કરવો જરૂરી છે. ઉંમર વધતાં આ તકલીફો આવતી હોય છે. તમારા કેસમાં ડાયાબેટિક ન્યુરોપથી તો કારણ હોઈ જ શકે, પરંતુ કરોડરજ્જુ વાળું કારણ પણ અવગણી શકાય નહીં માટે એનું નિદાન જરૂરી છે. આ માટે તમે તમારા ઑર્થોપેડિક પાસે પણ એક વાર ચેક-અપ માટે જાવ. આ સિવાય વિટામિન-B૧૨ની ઊણપ હોય તો પણ આવી તકલીફ ઊભી થઈ શકે છે. આ માટે એનાં સપ્લીમેન્ટ તમે લઈ શકો છો, એનાથી ફરક પડશે. તમને બીપી તો છે જ, એની સાથે જો તમને ઓબેસિટીની પણ તકલીફ હોય તો પણ આવું થવાની શક્યતા છે.

health tips columnists