પ્રોસ્ટેટ એન્લાર્જમેન્ટમાં દવાની અસર નથી

22 March, 2023 05:54 PM IST  |  Mumbai | Dr. Sanajy Chhajed

એક ચમચી આ પાઉડર રાતે પાણીમાં પલાળી રાખવો અને સવારે એમાંથી ઉપરનું પાણી તારવીને પી જવું

પ્રતિકાત્મક ફાઇલ તસવીર

મારી ઉંમર ૬૫ વર્ષ છે. ઘણા વખતથી પેશાબમાં તકલીફ રહ્યા કરતી હતી એટલે ડૉક્ટરને બતાવ્યું. યુરોલૉજિસ્ટનું કહેવું છે કે પ્રોસ્ટેટ મોટું થઈ રહ્યું છે, પણ હજી એટલું મોટું નથી કે સર્જરી કરાવવી પડે. એકાદ વરસ પછી સર્જરી કરીએ તોય ચાલે એમ છે. તેમણે પેશાબમાં થતી બળતરા માટે દવાઓ આપી હતી પણ એની અસર નહોતી એટલે આયુર્વેદની દવા શરૂ કરી હતી. એમાં ચંદ્રપ્રભા, ચંદ્રકલા, બંગશીલ અને ફૉર્ટેજ દવાઓ છે. હજી બળતરા અને પેશાબ અટકીને આવવાની સમસ્યામાં ફાયદો નથી. શું આ દવા બરાબર છે? 

પ્રોસ્ટેટ વધવાની તકલીફ ખૂબ સામાન્ય છે. જેમ ઉંમર થાય અને ત્વચા પર કરચલી થાય અને વાળ ધોળા થાય એમ પ્રોસ્ટેટમાં પણ એન્લાર્જમેન્ટ જોવા મળે છે. પ્રોસ્ટેટ એન્લાર્જ થયેલું છે, પણ તમે જે યુરોલૉજિસ્ટને બતાવ્યું છે એ મુજબ હજી એટલી તકલીફ નથી કે તરત સર્જરી કરાવવી પડે એ બહુ સારી નિશાની છે. તમને જે દવાઓ આપવામાં આવી છે એ બરાબર જ છે, પરંતુ કદાચ એની માત્રામાં વધારો કરવાની જરૂર હોય એવું બની શકે છે. 

જ્યારે યુરિનમાં બળતરા થતી હોય તો ચંદ્રપ્રભાની ચાર ગોળી દિવસમાં ત્રણવાર લેવી જોઈએ. એ ઉપરાંત વરુણાદિક્વાથ કે ઉશીરાસવ પણ લઈ શકાય. 

પેશાબ અટકીને આવતો હોય તો એ માટે ઘણી આયુર્વેદિક કંપનીઓની દવાઓ આવી છે. પ્રોસ્ટોમૅપ, પ્રોસ્ટિના, પ્રોસ્ટોકોન દરદીની જરૂરિયાત મુજબ આપી શકાય. જોકે દવાની માત્રામાં કોઈ પણ બદલાવ હંમેશાં વૈદ્ય અને ચિકિત્સકની નિગરાનીમાં જ કરવી. જાતે દવાઓની માત્રા કે દવાઓ બદલવી ઠીક નથી. 

હા, તમે એક ઘરેલુ પ્રયોગ ચોક્કસ કરી શકો છો. જવને લોઢીમાં શેકીને કાળા કરી નાખવા અને એનો પાઉડર બનાવવો. એક ચમચી આ પાઉડર રાતે પાણીમાં પલાળી રાખવો અને સવારે એમાંથી ઉપરનું પાણી તારવીને પી જવું. આવો જ પ્રયોગ મકાઈના રેસાને ભૂંજીને પાઉડર બનાવીને પણ કરી જ શકાય. સવારે પલાળેલું પાણી રાતે પીવાનું અને રાતે પલાળેલું સવારે પીવાનું. આ પ્રયોગથી ભલભલી યુરિનની બળતરામાં રાહત થાય છે. 

અત્યારે ઉનાળો ચાલી રહ્યો છે ત્યારે પૂરતું પાણી પીવું. જીરું, વરિયાળી અને સૂંઠ જેવી ચીજો પાણીમાં પલાળી, ઉકાળીને ઠારીને એ પાણી પીવાથી પાણીમાં આલ્કલાઇન ગુણ વધશે. 

columnists life and style health tips