ડૉક્ટર કહે છે મારે ઇન્સ્યુલિન લેવું પડશે, પણ મને ડર લાગે છે

23 August, 2021 12:10 PM IST  |  Mumbai | Dr. Meeta Shah

મને ઇન્સ્યુલિનથી ખૂબ તકલીફ છે. હું એનાથી બહુ ગભરાઉં છું. શું કોઈ એવી દવા ન લઈ શકાય જેનાથી ઇન્સ્યુલિનના ઇન્જેક્શન્સ લેવાની જરૂર જ ન પડે અને દવાથી કામ થઈ જાય?

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય મિડ-ડે

હું ૬૩ વર્ષનો છું. મને છેલ્લાં ૧૮ વર્ષથી ડાયાબિટીસ છે. જોકે હું મારી સારી કાળજી રાખતો હતો પરંતુ છેલ્લા કેટલાક સમયથી, આમ તો કહું કે કોરોનાકાળથી મારી હાલત થોડી ખરાબ થઈ ગઈ છે. ઘરમાં ને ઘરમાં રહું છું એટલે ફિઝિકલ ઍક્ટિવિટી ખાસ છે નહીં. છતાં નીચે પાર્કિંગમાં ચાલવા રેગ્યુલર જતો જ હતો, પણ પહેલાં જેવો શુગર પર કન્ટ્રોલ આજકાલ રહેતો નથી. ડૉક્ટરને બતાવવા ગયો તો તેમણે કહ્યું કે ઇન્સ્યુલિન ચાલુ કરવું પડશે. મને ઇન્સ્યુલિનથી ખૂબ તકલીફ છે. હું એનાથી બહુ ગભરાઉં છું. શું કોઈ એવી દવા ન લઈ શકાય જેનાથી ઇન્સ્યુલિનના ઇન્જેક્શન્સ લેવાની જરૂર જ ન પડે અને દવાથી કામ થઈ જાય?

પહેલી વાત તો એ કે તમને ઘણાં વર્ષથી ડાયાબિટીસ છે એટલે એને કાબૂમાં રાખવું મુશ્કેલ બને એ સહજ છે. આપણા શરીરમાં પેન્ક્રિયાઝ એટલે કે સ્વાદુપિંડ ઇન્સ્યુલિન બનાવે છે. આટલાં વર્ષથી ડાયાબિટીસ જેવા રોગ સામે ઝઝુમતા-ઝઝુમતા તમારા સ્વાદુપિંડના કોષો થાકી ગયા છે. હવે એમને થોડો આરામ આપવાની જરૂર છે. એ માટે જો ઇન્સ્યુલિન બહારથી લેવામાં આવે તો એ કોષોને આરામ મળે અને એ લાંબા સમય સુધી ટકી રહેશે. નહીંતર એ વધુને વધુ થાકશે તો એ લાંબુ ખેંચશે નહીં. માટે હવે જ્યારે તમને તમારા ડૉક્ટર ઇન્સ્યુલિન લેવાનું સજેસ્ટ કરે છે ત્યારે એને દુશ્મન સમજવાને બદલે એને મિત્ર ગણો જે તમારા કોષોને આરામ આપીને તમારી હેલ્થને સપોર્ટ કરી રહ્યું છે. 
ઘણા લોકોને ઇન્સ્યુલિનથી ર લાગતો હોય છે, પણ અહીં સમજવા જેવી બાબત એ છે કે એ તમારા ભલા માટે છે, એ દવા જ છે. એનાથી ગભરાવા જેવું કઈ નથી. માત્ર એ ઇન્જેક્શન દ્વારા લેવાનું છે એટલે લોકો વધુ ગભરાય છે, પરંતુ આવો ડર તમને શરૂ-શરૂમાં જ રહેશે. એક વખત આદત પડી ગયા પછી એ સરળ બની જશે. 
એક એવી માન્યતા હતી કે શુગર એકદમ કાબૂ બહાર જાય પછી જ ઇન્સ્યુલિન આપવામાં આવે, પરંતુ હવે એવું નથી. હાલમાં અમે ઘણા દરદીઓ સાથે આ પ્રકારનો ઇલાજ અપનાવીએ છીએ જેમાં ઇન્સ્યુલિન અને દવા એ બન્નેનું કૉમ્બિનેશન અપનાવીએ છીએ. આ પ્રકારનો ઇલાજ દરદી માટે લાંબા ગાળે  ઘણો કારગર છે.

health tips columnists dr meeta shah